ટ્રેન્ડિંગનેશનલમીડિયા

જ્ઞાનેશ કુમાર સામે સવાલો, સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચના જવાબથી વિવાદ યથાવત્

EC SIR Controversy :  ચૂંટણી પંચની કામગીરી અને નિર્ણય લેવાની પ્રક્રિયાને લઈને ઊભા થયેલા સવાલો વચ્ચે પંચે સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કરીને પોતાનો પક્ષ સ્પષ્ટ કર્યો છે. પંચના જણાવ્યા અનુસાર, મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા પ્રક્રિયા (SIR) સંબંધિત મહત્ત્વના નિર્ણયો સામૂહિક રીતે લેવામાં આવ્યા હતા. સોગંદનામું રજૂ કરવાની મંજૂરી પણ ત્રણેય ચૂંટણી કમિશનરોએ સર્વસંમતિથી આપી હતી.

જોકે, પંચના આ જવાબથી તેની આંતરિક કામગીરી અંગેના તમામ સવાલોનો ઉકેલ આવ્યો નથી. અહેવાલ મુજબ, ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ છેલ્લા 10 મહિનામાં 14 વખત પોતાની કોમેન્ટ નોટ કરાવી હતી. કેટલાક કિસ્સાઓમાં તેમણે નિર્ણય લેવાયા બાદ તેની જાણ થઈ હોવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. આથી વિવાદનો મુખ્ય મુદ્દો એ છે કે શું ચૂંટણી પંચના તમામ સભ્યોને નિર્ણયો લેવાની પ્રક્રિયામાં પૂરતી જાણકારી આપવામાં આવી હતી અને પોતાનો અભિપ્રાય રજૂ કરવાની તક મળી હતી? જ્ઞાનેશ કુમાર એકલા હાથે નિર્ણયો લઈ રહ્યા હોવાના આક્ષેપો વચ્ચે આ મુદ્દો ચર્ચામાં આવ્યો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

 

ફોર્મ-6માં ફેરફારને લઈને શું વિવાદ છે?

‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’ના અહેવાલ મુજબ, મતદાર યાદીમાં નામ નોંધાવવા માટે ઉપયોગમાં લેવાતા ફોર્મ-6માં ફેરફાર અંગે પણ ચૂંટણી પંચે સોગંદનામામાં સ્પષ્ટતા કરી છે. મે મહિનામાં ચૂંટણી કમિશનર વિવેક જોશીએ નોંધ્યું હતું કે ફોર્મ-6માં ફેરફાર કરવા માટે મતદાર નોંધણી નિયમો, 1960માં સુધારો કરવો જરૂરી છે. સુખબીર સિંહ સંધુએ પણ આ અભિપ્રાય સાથે સહમતી દર્શાવી હતી.

આમ છતાં, જુલાઈમાં ફોર્મ-6ના ઑનલાઇન સ્વરૂપમાં એક નવી ઘોષણા ઉમેરાયેલી જોવા મળી હતી. સંધુને આ ફેરફારની જાણ અખબારી અહેવાલ દ્વારા થઈ હતી. ઑગસ્ટમાં તેમણે ઑનલાઇન ફોર્મમાં ઉમેરાયેલી ઘોષણાને અનધિકૃત અને ગેરકાયદેસર ગણાવી હતી.

ચૂંટણી પંચે હવે સોગંદનામામાં જણાવ્યું છે કે SIR દરમિયાન ઉમેરવામાં આવેલી ઘોષણા ફોર્મ-6માં સુધારો નહોતો, પરંતુ અલગ દસ્તાવેજ હતો. જોકે, ઑનલાઇન અરજીમાં તેને જે રીતે દર્શાવવામાં આવી હતી, તેનાથી ફોર્મ-6માં ફેરફાર કરવામાં આવ્યો હોવાની છાપ ઊભી થઈ શકે તેમ હતું, એવું પંચે સ્વીકાર્યું છે. પંચે એમ પણ માન્યું છે કે અધિકારીઓ દ્વારા લેવામાં આવેલા કેટલાક પગલાંમાં સુધારાની જરૂર હતી. આ પછી 21 ઑક્ટોબરે ચૂંટણી પંચના મતદાર નોંધણી વિભાગે ઑનલાઇન અરજી પ્રક્રિયામાં કાયદેસરનું ફોર્મ-6 અને SIR સંબંધિત ઘોષણાને અલગ રાખવાનો નિર્ણય લીધો હતો.

જોકે, જુલાઈમાં ઑનલાઇન ફોર્મમાં ઘોષણા ઉમેરવાની મંજૂરી કોણે આપી હતી અને બે ચૂંટણી કમિશનરોએ લેખિત વાંધા નોંધાવ્યા હોવા છતાં આ ફેરફાર કેવી રીતે અમલમાં આવ્યો, તે અંગે સોગંદનામામાં સ્પષ્ટતા કરવામાં આવી નથી.

ECINet પ્લેટફોર્મની કામગીરી પર પણ સવાલો

ચૂંટણી પંચના ડિજિટલ પ્લેટફોર્મ ECINetની કામગીરી અંગે પણ સવાલો ઊઠ્યા હતા. આ પ્લેટફોર્મનો ઉપયોગ મતદાર યાદી સંબંધિત વિવિધ કામગીરી માટે થાય છે.

ચૂંટણી પંચે સોગંદનામામાં જણાવ્યું છે કે મતદાર યાદી તૈયાર કરવાની અને તેમાં ફેરફાર કરવાની કાયદેસરની જવાબદારી મતદાર નોંધણી અધિકારી (ERO)ની છે. સંબંધિત અધિકારીના આદેશ વિના કોઈ મતદારનું નામ ઉમેરવામાં આવતું નથી, દૂર કરવામાં આવતું નથી કે તેમાં સુધારો કરવામાં આવતો નથી. સોફ્ટવેરનો હેતુ અધિકારીઓને તેમની કાયદેસરની સત્તાનો ઉપયોગ કરવામાં મદદ કરવાનો છે.

પંચે ડિજિટલ પ્લેટફોર્મની કાયદાકીય પ્રક્રિયાની સમીક્ષા અને નવા IT મોડ્યુલની તપાસ માટે નિષ્ણાત સમિતિની રચનાનો પણ ઉલ્લેખ કર્યો છે. આ સમિતિમાં IIT મુંબઈ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ (IISc), બેંગલુરુના નિષ્ણાતોનો સમાવેશ કરવાની જોગવાઈ છે.

પરંતુ અહેવાલ મુજબ, આવી વ્યવસ્થાનું સૂચન વિવેક જોશીએ 29 મેના રોજ જ કર્યું હતું. તેમણે મતદાર યાદીના ડેટાબેઝમાં અધિકારો ધીમે ધીમે કેન્દ્રીકૃત થઈ રહ્યા હોવાની ચિંતા વ્યક્ત કરી હતી. ડેટાબેઝમાં ફેરફાર કરવાની સત્તા માત્ર સંબંધિત કાયદેસર અધિકારીઓ પાસે જ રહે છે કે નહીં, તેની ખાતરી કરવા માટે બહારના નિષ્ણાતની મદદ લેવાનું પણ તેમણે સૂચવ્યું હતું.

સુખબીર સિંહ સંધુએ જુલાઈમાં આ સૂચનને સમર્થન આપ્યું હતું. જોકે, 14 ઑગસ્ટે નોંધાયેલી તેમની ટિપ્પણીમાં તેમણે અગાઉ આપેલા સૂચનો પર શું કાર્યવાહી થઈ તેની જાણ ન હોવાનું જણાવ્યું હતું.

ચૂંટણી પંચે સોગંદનામામાં નિષ્ણાત સમિતિની રચનાનો ઉલ્લેખ કર્યો છે, પરંતુ મે મહિનામાં વિવેક જોશીએ આપેલા મૂળ સૂચનનો ઉલ્લેખ કર્યો નથી. પરિણામે, નિર્ણય લેવાની પ્રક્રિયામાં પારદર્શિતા અને અન્ય ચૂંટણી કમિશનરોને જાણ કરવાની વ્યવસ્થાને લઈને સવાલો યથાવત્ છે.

આ પણ વાંચો : જેલમાંથી 17 કેદીઓ ફરાર, પોલીસની શોધખોળ તેજ; કેટલા ઝડપાયા?

Back to top button