ગુજરાતટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

વડોદરાનું પ્રથમ થર્મલ પાવર સ્ટેશન શિનોરમાં બનશે, 425 હેક્ટર જમીન સંપાદન પ્રક્રિયા શરૂ

Thermal Power Station  : વડોદરા જિલ્લામાં પ્રથમ થર્મલ પાવર સ્ટેશન સ્થાપવાનો માર્ગ હવે ખુલ્લો થયો છે. શિનોર તાલુકામાં નર્મદા નદીના કાંઠે કોલસા આધારિત વીજ મથક ઊભું કરવા માટે ગુજરાત સરકારે જમીન સંપાદન પ્રક્રિયાને આગળ વધારી છે. સુરાશામળ, મિંઢોળ અને માંજરોલ ગામોની જમીન સંપાદન અંગે પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ થતાં લાંબા સમયથી અટવાયેલા પ્રોજેક્ટને હવે ગતિ મળવાની આશા જાગી છે.

ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિમિટેડ (GSECL) દ્વારા શિનોર તાલુકામાં 800 મેગાવોટ ક્ષમતાના બે યુનિટ સ્થાપવાની યોજના છે. આ બંને યુનિટ કાર્યરત થતાં કુલ 1600 મેગાવોટ વીજળીનું ઉત્પાદન થઈ શકશે. નર્મદા નદીના કાંઠે કોલસા આધારિત થર્મલ પાવર સ્ટેશન સ્થાપવા માટે છેલ્લા ચાર દાયકાથી ચર્ચા ચાલી રહી હતી, પરંતુ પ્રોજેક્ટની કામગીરી આગળ વધી શકી નહોતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

ત્રણ ગામોની જમીન સંપાદન માટે જાહેરનામું

પ્રોજેક્ટ માટે શિનોર તાલુકાના સુરાશામળ, મિંઢોળ અને માંજરોલ ગામોની જમીન સંપાદિત કરવામાં આવશે. સરકારી જાહેરનામા મુજબ સુરાશામળ ગામની 170 હેક્ટરથી વધુ, મિંઢોળ ગામની 173 હેક્ટરથી વધુ અને માંજરોલ ગામની 172 હેક્ટરથી વધુ જમીન સંપાદન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ત્રણેય ગામોની જમીન મળીને આશરે 425 હેક્ટર જેટલો વિસ્તાર પ્રોજેક્ટ માટે ઉપયોગમાં લેવાશે.

જમીન સંપાદન સાથે સંકળાયેલા ખેડૂતો અને જમીનમાલિકોને યોગ્ય વળતર, પુનર્વસન અને પુનઃસ્થાપન માટેની પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી રહી છે. કયા સર્વે નંબરોની જમીન સંપાદિત થશે તે અંગે ગુજરાત સરકાર દ્વારા પ્રાથમિક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

SIAમાંથી મુક્તિ બાદ જમીન સંપાદનની પ્રક્રિયાને વેગ

જમીન સંપાદન માટે વર્ષ 2013ના કાયદા હેઠળ સામાજિક અસર મૂલ્યાંકન (Social Impact Assessment – SIA)માંથી મુક્તિ આપવામાં આવી હતી. રાષ્ટ્રીય પ્રોજેક્ટના આધારે શિનોર તાલુકાના ત્રણ ગામોને આ પ્રક્રિયામાંથી મુક્તિ આપતું જાહેરનામું અગાઉ પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કલમ 10(A) અને હવે કલમ 11 હેઠળના જાહેરનામા પ્રસિદ્ધ થતાં જમીન સંપાદનની કામગીરી આગળ વધી રહી છે.

કોલસા અને પાણીની ઉપલબ્ધતાને કારણે સ્થળની પસંદગી

શિનોરમાં થર્મલ પાવર સ્ટેશન સ્થાપવા માટે સ્થળની પસંદગી પાછળ કોલસા અને પાણીની સરળ ઉપલબ્ધતા મુખ્ય કારણ હોવાનું માનવામાં આવે છે. શિનોરની સામે નર્મદા નદીના બીજા કાંઠે ભરૂચ જિલ્લાના ઝઘડિયા વિસ્તારમાં લિગ્નાઇટ કોલસાની ખાણ આવેલી છે. આથી કોલસો મેળવવામાં સરળતા રહેશે. બીજી તરફ, વીજ ઉત્પાદન માટે જરૂરી પાણી નર્મદા નદીમાંથી ઉપલબ્ધ થઈ શકશે.

2018માં પણ પ્રોજેક્ટની જાહેરાત, હવે દસ વર્ષ બાદ ફરી પ્રક્રિયા

શિનોર તાલુકામાં થર્મલ પાવર પ્રોજેક્ટ માટે અગાઉ વર્ષ 2018માં પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી હતી. તે સમયે જમીન સંપાદન અંગે કલમ 11 હેઠળનું પ્રાથમિક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. જમીન સંપાદનની પ્રક્રિયા બે વર્ષમાં પૂર્ણ કરવાની જાહેરાત પણ કરવામાં આવી હતી, પરંતુ વિવિધ કારણોસર પ્રોજેક્ટ આગળ વધી શક્યો નહોતો.

હવે લાંબા સમય બાદ જમીન સંપાદનની પ્રક્રિયા નવેસરથી શરૂ થતાં શિનોર તાલુકામાં વીજ મથક સ્થાપવાની કામગીરી આગળ વધવાની શક્યતા છે. જોકે, જમીન સંપાદન, વળતર અને અન્ય જરૂરી પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ જ પ્રોજેક્ટના નિર્માણ કાર્ય અંગે સ્પષ્ટતા થશે.

આ પણ વાંચો : ઇજિપ્તમાં ભીષણ ટ્રેન અકસ્માત: કૈરો પાસે બે ટ્રેનો વચ્ચે ટક્કર થતાં 4 લોકોના મોત અને 88 ઘાયલ

Back to top button