દિલ્હીમાં 16 વર્ષની કિશોરીની હત્યા, ગેંગરેપ બાદ ખેતરમાં ફેંકાયો સડી ગયેલો મૃતદેહ

Gangrape Murder : દિલ્હીના સ્વરૂપ નગર વિસ્તારમાં 16 વર્ષની કિશોરી સાથે કથિત ગેંગરેપ બાદ તેની હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આરોપીઓએ કિશોરીના મૃતદેહને બાહ્ય દિલ્હીના સ્વરૂપ નગર વિસ્તારમાં આવેલા એક ખેતરમાં ફેંકી દીધો હતો. પોલીસે આ કેસમાં 19 વર્ષના એક યુવક સહિત ત્રણ સગીરોને ઝડપી લીધા છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, ઘટના શુક્રવારે બની હોવાની આશંકા છે, જ્યારે મૃતદેહ અંગે રવિવારે માહિતી મળી હતી. સ્થાનિક લોકોએ ખેતરમાં મૃતદેહને કૂતરા અને અન્ય પ્રાણીઓ દ્વારા ખેંચતા-નોંચતા જોયા બાદ પોલીસને જાણ કરી હતી.
મૃતદેહની હાલત જોઈ પોલીસ પણ ચોંકી
રવિવારે સવારે કુશક રોડ નજીક ખેતરમાંથી મૃતદેહ મળ્યો ત્યારે તેની હાલત અત્યંત ખરાબ હતી. મૃતદેહનો જમણો હાથ ગાયબ હતો, જ્યારે સડી જવાને કારણે ચહેરો અને પેટનો ભાગ પણ વિકૃત થઈ ગયો હતો. સ્થિતિ એવી હતી કે શરૂઆતમાં મૃતકની ઓળખ કરવી પોલીસ માટે મુશ્કેલ બની હતી.
પોલીસના જણાવ્યા મુજબ, પોસ્ટમોર્ટમ દરમિયાન કિશોરી સાથે બળાત્કાર થયો હોવાની પુષ્ટિ થઈ હતી. તેના શરીર પર કુલ આઠ ઈજાના નિશાન મળી આવ્યા હતા. તપાસમાં ચાકુ વડે અનેક ઘા કરવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે.
મિત્રને મળવા ગઈ હતી કિશોરી
તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓમાંથી એક 17 વર્ષનો સગીર કિશોરીનો મિત્ર હતો. કિશોરી તેને મળવા ગઈ હતી. ત્યારબાદ તેના મિત્રના અન્ય ત્રણ સાથીઓ પણ ત્યાં પહોંચ્યા હોવાની પોલીસને માહિતી મળી છે.
પોલીસે પરિવારના નિવેદન અને પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે હત્યા (Murder), બળાત્કાર (Rape) અને પુરાવાનો નાશ (Evidence Destruction) સહિતની કલમો હેઠળ કેસ નોંધ્યો છે.
50થી વધુ CCTV કેમેરા તપાસ્યા
આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસે ઘટનાસ્થળ અને આસપાસના વિસ્તારોમાં લાગેલા 50થી વધુ CCTV Camerasની ફૂટેજ તપાસી હતી. તપાસ દરમિયાન ઘટના સમયે ખેતર નજીક એક ટેમ્પો પસાર થતો જોવા મળ્યો હતો.
ફૂટેજમાં ટેમ્પોની નંબર પ્લેટ સ્પષ્ટ દેખાતી નહોતી. જોકે, સ્થાનિક લોકો પાસેથી મળેલી માહિતીના આધારે પોલીસે ટેમ્પોની ઓળખ કરી હતી. ત્યારબાદ ટેમ્પોના ડ્રાઇવરને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો.
ડ્રાઇવરે પોલીસને જણાવ્યું કે તેનો 17 વર્ષનો નાનો ભાઈ પણ આ ટેમ્પોનો ઉપયોગ કરતો હતો. CCTV ફૂટેજમાં ટેમ્પોની અંદર ચાર યુવકો જોવા મળ્યા હતા. પોલીસે તેમની ઓળખ કરી હતી, પરંતુ તે સમયે તેઓ પોતાના ઘરેથી ફરાર થઈ ગયા હતા.
એક યુવક સહિત ત્રણ સગીરો ઝડપાયા
ડીસીપી (આઉટર નોર્થ) શોભિત સક્સેનાના જણાવ્યા અનુસાર, પોલીસે અલગ-અલગ CCTV કેમેરામાં ટેમ્પોની હિલચાલને ટ્રેક કરી હતી. સ્થાનિક પૂછપરછમાંથી મળેલી માહિતી અને CCTV ફૂટેજને આધારે આરોપીઓના સંભવિત માર્ગની ઓળખ કરવામાં આવી હતી.
ત્યારબાદ પોલીસે મંગળવારે રાત્રે વ્યાપક Search Operation હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન ટેમ્પો સ્વરૂપ નગરની ખડ્ડા કોલોનીમાંથી મળી આવ્યો હતો. ડ્રાઇવરની ઓળખ થયા બાદ પૂછપરછ કરવામાં આવી અને ત્યારબાદ ચારેય આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પોલીસે આરોપીઓ પાસેથી ગુનામાં ઉપયોગમાં લેવાયેલા બે ચાકુ અને તેમના પહેરેલા કપડાં પણ કબજે કર્યા હોવાનું જણાવ્યું છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, ઓછામાં ઓછા ત્રણ આરોપીઓએ કિશોરી સાથે બળાત્કાર કર્યો હોવાની કબૂલાત કરી છે. જોકે, કેસમાં સામે આવેલા તમામ આરોપો અને ઘટનાઓની અંતિમ પુષ્ટિ તપાસ તથા કોર્ટની કાર્યવાહી બાદ જ થશે.
આ પણ વાંચો : TMCના નામ-ચિહ્ન વિવાદ પર રાહુલ ગાંધીનો EC પર પ્રહાર: “વોટ ચોરી, સરકાર ચોરી અને હવે પાર્ટી ચોરી”












