13 વર્ષની રાહ બાદ હરીશ રાણાની શાંત વિદાય, સપનાઓથી શરૂ થયેલું જીવન મૌનમાં સમાયું

Harish Rana: એક સમયે એન્જિનિયર બનવાના સપનાઓ સાથે ઘર છોડનાર હરીશ રાણાની જીવનયાત્રા આજે (25 માર્ચ 2026) શાંત રીતે પૂર્ણ થઈ હતી. છેલ્લા 13 વર્ષથી કોમામાં રહેલા હરીશે આખરે દુનિયાને અલવિદા કહ્યું. બુધવારે (25 માર્ચ 2026) સવારે દક્ષિણ દિલ્હીના ગ્રીન પાર્ક વિસ્તારમાં તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા, જ્યાં પરિવારજનો અને જાણીતા સ્વજનો ભારે મનથી ઉપસ્થિત રહ્યા હતા, દરેકની આંખો નમ હતી.
આ દુઃખદની શરૂઆત 2013માં થઈ હતી, જ્યારે પંજાબ યુનિવર્સિટી (Punjab University)માં બી.ટેકનો અભ્યાસ કરી રહેલા હરીશ (Harish Rana) હોસ્ટેલના ચોથા માળેથી પટકાયા હતા. આ અકસ્માતમાં હરીશના માથામાં ગંભીર ઈજા પહોંચી હતી, જેના કારણે તેઓ કોમામાં સરી પડ્યા હતા. ત્યારથી લઈને વર્ષો સુધી તેમનું જીવન હોસ્પિટલના રૂમ અને લાઇફ સપોર્ટ સિસ્ટમ્સ સુધી સીમિત બની ગયું હતું. સમય આગળ વધતો રહ્યો, પરંતુ હરીશ ક્યારેય ભાનમાં પરત ન આવ્યો. પરિવાર માટે આ આશા અને વેદનાની અનંત રાહ બની ગઈ.
વર્ષો સુધી સારવાર અને પ્રાર્થનાઓ છતાં કોઈ સુધારો ન દેખાતા, પરિવારે અંતે એક અત્યંત કઠિન નિર્ણય લઈને સુપ્રીમ કોર્ટમાં હરીશના ઈચ્છામુત્યુની માંગ કરતી અરજી કરી હતી. 11 માર્ચ 2026ના રોજ સુપ્રીમ કોર્ટે આ સંવેદનશીલ કેસમાં હરીશ રાણાને નિષ્ક્રિય ઈચ્છામૃત્યુની મંજૂરી આપી હતી. કોર્ટે ડૉક્ટરોની માર્ગદર્શિકાઓ હેઠળ સંપૂર્ણ કાળજી સાથે પ્રક્રિયા હાથ ધરવાની પરવાનગી આપી હતી.
હરીશને 14 માર્ચે દિલ્હીના AIIMSમાં દાખલ કરવામાં આવ્યા, જ્યાં એક્સપર્ટ ડૉકટરોની ટીમે પેલિએટિવ કેર હેઠળ તેમની સંભાળ લીધી હતી. સુપ્રીમ કોર્ટના નિર્દેશો અનુસાર, જીવન સહાયક પ્રણાલીઓને ધીમે ધીમે દૂર કરવામાં આવી. સમગ્ર પ્રક્રિયા દરમિયાન ખાતરી કરવામાં આવી કે હરીશને કોઈ પીડા કે અસ્વસ્થતા ન થાય. તેમના અંતિમ ક્ષણો શક્ય તેટલા શાંતિપૂર્ણ રહે તે માટે સતત દવાઓ આપવામાં આવી.
હરીશના પિતા અશોક રાણાએ સોસાયટીના ગ્રુપમાં હરીશના અવસાનના સમાચાર શેર કરતાં લખ્યું હતું કે, ‘પાર્થિવ શરીરનો અંતિમ સંસ્કાર સવારે 9 વાગ્યે ગ્રીન પાર્ક ખાતે કરવામાં આવશે. ઓમ શાંતિ ઓમ’ આ શબ્દોમાં એક પિતાની વર્ષો લાંબી વેદના અને વિદાયનો શાંત સ્વર સ્પષ્ટ સાંભળાઈ રહ્યો હતો.
હરીશ રાણાના પાર્થિવદેહને સવારે 8:30 વાગ્યે સ્મશાનગૃહ લાવવામાં આવ્યો હતો. જ્યાં સવારે 9.40 વાગ્યે તેના ભાઈ આશિષ રાણાએ મુખાગ્નિ આપી અંતિમ સંસ્કાર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, હરીશના નિધન પહેલા તેના પરિવાર દ્વારા અંગદાનનો નિર્ણય લેવાયો હતો. હવે હરીશ તો આ દુનિયામાં નથી પણ તેના અંગદાનથી 6 લોકોને નવું જીવન મળશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
હરીશ રાણાની આ કહાની માત્ર એક વ્યક્તિની નહીં, પરંતુ એક પરિવારની અડગ આશા, અવિરત સંઘર્ષ અને અંતે શાંતિપૂર્ણ વિદાયની ભાવુક સફર બની રહી હતી.












