હચમચાવી નાખતો કિસ્સો: 4 વર્ષના બાળકને દારુ પીવડાવી હત્યા કરી, પછી ઓનલાઈન શરીરના અંગો વેચતો

છત્તીસગઢના જશપુર જિલ્લામાં માનવતાને હચમચાવી નાખે તેવી અત્યંત કરુણ અને ચોંકાવનારી હત્યાની ઘટના સામે આવી છે. અહીં 27 વર્ષના એક યુવક પર પોતાના જ પિતરાઈ ભાઈના ચાર વર્ષના માસૂમ પુત્રની હત્યા કરવાનો આરોપ લાગ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી સોશિયલ મીડિયાથી પ્રભાવિત થયો હતો અને વધુ પૈસા કમાવવાની લાલચમાં બાળકની કિડની, ફેફસાં અને આંખો કાઢી વેચવાનું કાવતરું ઘડ્યું હતું. બાળકની હત્યા કર્યા બાદ તેના મૃતદેહને બોરીમાં ભરી ખેતરમાં પાણી ભરેલા ખાડામાં દાટી દેવામાં આવ્યો હતો. પોલીસે આ મામલે આરોપી વાસુદેવ ઉર્ફે તંગનુની ધરપકડ કરી છે. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ભારે ચકચાર મચાવી દીધી છે.
5 નવેમ્બરથી ગુમ હતો ચાર વર્ષનો માસૂમ, ખેતરના ખાડામાંથી મળી લાશ
મળતી માહિતી મુજબ, જશપુર જિલ્લાના લોધેનાપથ મહુઆ ગામમાં આ હૃદયદ્રાવક ઘટના બની હતી. મૃતક બાળકની ઓળખ જીતેન્દ્ર રામ તરીકે થઈ છે. બાળકના પિતા રામજીત રામ (36)એ શનિવારે સન્ના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે તેમનો ચાર વર્ષનો પુત્ર 5 નવેમ્બરથી ગુમ છે.
પરિવારજનો બાળકની શોધખોળ કરી રહ્યા હતા. આ દરમિયાન પિતાને મકાઈના ખેતર નજીક પાણી ભરેલા એક ખાડામાં બોરી જોવા મળી હતી. તપાસ કરતાં બોરીમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો. મૃતદેહને ધાબળા અને રજાઈમાં લપેટીને બોરીમાં ભરવામાં આવ્યો હતો અને ખાડામાં અડધો દાટી દેવામાં આવ્યો હતો.
સોશિયલ મીડિયા પર અંગો વેચવાની માહિતી શોધતો હતો આરોપી
જશપુરના વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP) લાલ ઉમેદ સિંહના જણાવ્યા અનુસાર, પોલીસ તપાસ દરમિયાન નજીકના ચલની ગોર્રાપથ ગામના રહેવાસી 27 વર્ષના વાસુદેવ ઉર્ફે તંગનુની અટકાયત કરવામાં આવી હતી.
પોલીસ પૂછપરછ દરમિયાન આરોપીએ કથિત રીતે ગુનો કબૂલ્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી દૈનિક મજૂરી કરીને મળતી આવકથી સંતુષ્ટ નહોતો અને ઝડપથી વધુ પૈસા કમાવવા માગતો હતો. આ માટે તે સોશિયલ મીડિયા પર અવારનવાર પૈસા કમાવવાના રસ્તાઓ શોધતો હતો.
આ દરમિયાન નાના બાળકોનાં અંગો કાઢીને વેચવાનો વિચાર તેના મનમાં આવ્યો હોવાનું પોલીસનું કહેવું છે. આ જ લાલચમાં તેણે પોતાના જ પિતરાઈ ભાઈના ચાર વર્ષના પુત્રને નિશાન બનાવ્યો હોવાનો આરોપ છે.
બાળકને બહેલાવીને લઈ ગયો, નશામાં સુવડાવ્યા બાદ કરી હત્યા
પોલીસના જણાવ્યા અનુસાર, 5 નવેમ્બરના રોજ આરોપી બાળકને લલચાવીને અલગ-અલગ જગ્યાએ લઈ ગયો હતો. તેણે દારૂ અને ચિકન ખરીદ્યાં હતાં અને કથિત રીતે બાળકને પણ દારૂ પીવડાવ્યો હતો.
બાળક નશાની હાલતમાં સૂઈ ગયા બાદ આરોપીએ છરી વડે તેનું ગળું કાપીને હત્યા કરી હોવાનો ખુલાસો પોલીસ પૂછપરછમાં થયો છે. ત્યારબાદ તેણે બાળકના શરીરમાંથી કિડની, ફેફસાં અને આંખો કાઢી લીધાં હતાં અને તેને પ્લાસ્ટિકની ડોલમાં રાખ્યાં હતાં.
આરોપીએ બાળકના મૃતદેહને ધાબળા અને રજાઈમાં લપેટીને બોરીમાં ભર્યો હતો. ત્યારબાદ ખેતરમાં પાણી ભરેલા ખાડામાં મૃતદેહ નાખીને ઉપરથી માટી ઢાંકી દીધી હતી.
આરોપીની કબૂલાત બાદ હત્યામાં વપરાયેલાં હથિયાર સહિતની વસ્તુઓ જપ્ત
આરોપીની પૂછપરછ અને તેની કથિત કબૂલાતના આધારે પોલીસે ગુનામાં વપરાયેલું હથિયાર, શરીરના કાઢવામાં આવેલા અંગો ધરાવતી પ્લાસ્ટિકની ડોલ અને અન્ય સંબંધિત વસ્તુઓ ખાડામાંથી કબજે કરી હોવાનું જણાવ્યું છે.
હાલ પોલીસે આરોપીની ધરપકડ કરીને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. બાળકનાં અંગો વેચવાના કથિત કાવતરામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી હતી કે કેમ અને આરોપીનો હેતુ કેવી રીતે પાર પાડવાનો હતો તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે.
ઝડપી પૈસા કમાવવાની લાલચે માસૂમનો લીધો જીવ!
આ સમગ્ર ઘટનામાં સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે આરોપી બાળકના પરિવારનો જ નજીકનો સગો હોવાનું સામે આવ્યું છે. જે વ્યક્તિ પર પરિવાર વિશ્વાસ મૂકતો હતો, તેના પર જ માસૂમની હત્યા કરવાનો ગંભીર આરોપ છે.
સોશિયલ મીડિયાના માધ્યમથી મળતી માહિતીનો દુરુપયોગ અને ઝડપથી પૈસા કમાવવાની લાલચે એક નિર્દોષ બાળકનો જીવ લીધો હોવાનો પોલીસનો પ્રાથમિક દાવો છે. ચાર વર્ષના માસૂમ સાથે બનેલી આ અમાનવીય ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો છે.
આ પણ વાંચો: દિવાળીની રાત્રે ખાંભામાં લોહિયાળ ખેલ! બે જૂથ વચ્ચે હથિયારો સાથે અથડામણ, 1ની હત્યા












