નેશનલ

સાસરિયાના ઘરના મુખ્ય દરવાજે જ 19 વર્ષીય પરણેતાની ચિતા સળગી, દહેજ ઉત્પીડનનો આક્ષેપ

Muzaffarpur Dowry Death: બિહારના મુઝફ્ફરપુર જિલ્લામાંથી એક અત્યંત કરુણ ઘટના સામે આવી છે. અહીં એક 19 વર્ષીય પરણેતાનું તેના સાસરિયામાં શંકાસ્પદ સંજોગોમાં મોત થયા બાદ, ન્યાયની માંગ સાથે પીડિત પરિવારે દિકરીની ચિતા તેના સાસરિયાના ઘરના મુખ્ય દરવાજે જ સળગાવીને વિરોધ નોંધાવ્યો હતો. મૃતકના માતા-પિતાનો આરોપ છે કે લગ્ન બાદથી જ તેમની દીકરીને દહેજ માટે શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. આ સનસનાટીભરી ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભારે તણાવ વ્યાપી ગયો છે.

પ્રેમ લગ્નના 1 વર્ષમાં જ કરૂણ અંજામ

આ કરૂણ બનાવ મુશહરી પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના રજવાડા ડીહ ગામનો છે. કાંતી વિસ્તારના રહેવાસી રણજીત પાસવાનની 19 વર્ષીય દીકરી ગુંજા કુમારીના લગ્ન આ વર્ષે 23 જાન્યુઆરીના રોજ રજવાડા ડીહ ગામના પલટન પાસવાનના પુત્ર કુંદન કુમાર સાથે થયા હતા. બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાથી પરિવારની સંમતિથી લગ્ન કરાવવામાં આવ્યા હતા. જોકે, આ લગ્નજીવન 1 વર્ષ પણ પૂરું ન ચાલ્યું. ગુંજાના પરિવારજનોને મધ્યરાત્રિએ 12:00 વાગ્યે સ્થાનિક વોર્ડ સભ્ય મારફતે ગુંજાના મોતની જાણ થઈ હતી.

સાસરિયાં વાળા પુરાવા નાબૂદ કરી ભાગી છૂટ્યા

મૃતકના માતા મંજુ દેવી અને મામા છોટુ કુમારે ગંભીર આરોપ લગાવ્યો છે કે જ્યારે તેઓ સાસરિયાના ઘરે પહોંચ્યા ત્યારે સાસરિયાના સભ્યો ગુંજાના મૃતદેહનો ઉતાવળે અંતિમ સંસ્કાર કરીને પુરાવા નાબૂદ કરવાની તૈયારી કરી રહ્યા હતા. પરિવારે પહોંચીને વિરોધ કરતા જ સાસરિયાના તમામ સભ્યો ઘર છોડીને ભાગી ગયા હતા. ગુંજાના ગળા પર ઊંડા નિશાન જોવા મળ્યા હતા, જેથી પરિવારે આને સ્પષ્ટ હત્યા ગણાવી છે. ગુંજાના પિતાએ જણાવ્યું કે તેઓ આવનારા ધનતેરસના તહેવાર પર દહેજની વસ્તુઓ આપવાની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ તે પહેલાં જ તેમની દીકરીની બલિ ચડાવી દેવામાં આવી.

ન્યાય માટે દરવાજે જ કરાયા અંતિમ સંસ્કાર

ઘટનાની જાણ થતાં જ મુશહરી પોલીસ સ્ટેશનની પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આક્રોશિત પરિવારજનોને શાંત પાડી મૃતદેહ કબજે લીધો હતો અને તેને શ્રી કૃષ્ણ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ (SKMCH) ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. પોસ્ટમોર્ટમ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પોલીસે મૃતદેહ પરિવારને સોંપ્યો હતો. પોતાની દીકરીને ન્યાય અપાવવા અને સાસરિયા પ્રત્યેનો આક્રોશ દર્શાવવા માટે પીડિત પરિવારે ગુંજાના સાસરિયાના ઘરના મુખ્ય પ્રવેશદ્વાર પર જ તેની ચિતા ખડકીને અંતિમ સંસ્કાર કર્યા હતા.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પતિ સહિત 4 સામે દહેજ પ્રથા અને હત્યાનો ગુનો દાખલ

ગુંજાના પિતા રણજીત પાસવાનની લેખિત ફરિયાદના આધારે પોલીસે પતિ કુંદન કુમાર સહિત 4 લોકો સામે દહેજ મૃત્યુનો ગુનો દાખલ કર્યો છે. જેમાં કુંદનનો ભાઈ ચંદન પાસવાન, બહેન પ્રિયંકા અને ભાભી સુલેખાનો પણ સમાવેશ થાય છે. મુશહરી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ સુબોધ મહેતાના જણાવ્યા મુજબ, તમામ આરોપીઓને ઝડપી પાડવા દરોડા પાડવામાં આવી રહ્યા છે. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફોરેન્સિક સાયન્સ લેબ (FSL) ની ટીમે ઘટનાસ્થળની મુલાકાત લઈ વૈજ્ઞાનિક પુરાવા એકત્ર કર્યા છે. હાલ પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે જેનાથી મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થશે.

આ પણ વાંચો: પતિની હત્યા કરાવી સાપ કરડાવ્યો, પત્ની અને પ્રેમીને ફાંસીની સજા!

Back to top button