પતિની હત્યા કરાવી સાપ કરડાવ્યો, પત્ની અને પ્રેમીને ફાંસીની સજા!
Meerut: ઉત્તર પ્રદેશના મેરઠમાંથી એક ચોંકાવનારા હત્યા કેસમાં કોર્ટના ચુકાદાના સમાચાર સામે આવ્યા છે. પતિ અમિત કશ્યપની હત્યા કરીને તેના શરીર પર સાપ કરડ્યાના નિશાન ઊભા કરવાના કેસમાં પત્ની રવિતા અને તેના પ્રેમી અમરદીપને મેરઠની કોર્ટે ફાંસીની સજા સંભળાવી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. નોંધનીય છે કે મેરઠની કોર્ટે બે દિવસમાં બીજી વખત મોટો ચુકાદો આપ્યો છે. આ પહેલાં સૌરભ રાજપૂત હત્યા કેસમાં મુસ્કાન અને સાહિલને પણ મૃત્યુદંડની સજા ફટકારવામાં આવી હતી.
સાથે કામ કરતા હતા અમરદીપ અને અમિત
મળતી માહિતી અનુસાર, અમિત કશ્યપ ઉત્તર પ્રદેશના બહસુમા પોલીસ સ્ટેશન વિસ્તારના અકબરપુર સદાત ગામનો રહેવાસી હતો. તે ટાઇલ્સ અને પથ્થર લગાવવાનું કામ કરતો હતો. આરોપી અમરદીપ પણ અમિત સાથે જ કામ કરતો હતો અને અવારનવાર તેના ઘરે આવતો હતો.આ દરમિયાન અમરદીપ અને અમિતની પત્ની રવિતા વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. સમય જતાં બંને વચ્ચેની નિકટતા વધતી ગઈ. જોકે, અમિતને રવિતા અને અમરદીપના સંબંધ વિશે જાણ થઈ ગઈ હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સંબંધનો વિરોધ કરતાં પતિની હત્યાનું કાવતરું રચ્યું
અહેવાલ અનુસાર, અમિતે પત્ની અને અમરદીપના સંબંધનો વિરોધ કર્યો હતો. ત્યારબાદ બંનેએ મળીને તેની હત્યાનું કાવતરું ઘડ્યું હોવાનો આરોપ છે. બંનેએ એક સપેરા પાસેથી રૂ. 1,000માં સાપ ખરીદ્યો હતો. ત્યારબાદ 17 એપ્રિલની રાત્રે અમિત ઊંઘી ગયો ત્યારે રવિતાએ અમરદીપને ઘરે બોલાવ્યો હતો. આરોપ છે કે બંનેએ અમિતની હત્યા કરી અને પછી તેના પલંગ પર સાપ છોડી દીધો, જેથી તેની મોત સાપ કરડવાથી થઈ હોવાનું લાગે. હત્યાની ઘટના બાદ રવિતાએ અમરદીપને ત્યાંથી મોકલી દીધો હતો અને પોતે બીજા રૂમમાં જઈને સૂઈ ગઈ હતી.
આ પણ વાંચો:Jio યુઝર્સનું બજેટ ખોરવાશે, રિચાર્જના ભાવમાં 12% સુધી વધારાની શક્યતા
પોસ્ટમોર્ટમ રિપોર્ટથી સામે આવ્યું હત્યાનું રહસ્ય
બીજી સવારે પરિવારના સભ્યોને અમિત મૃત હાલતમાં મળી આવ્યો હતો. તેના શરીર પર સાપ કરડ્યાના નિશાન હોવાથી શરૂઆતમાં પરિવારને લાગ્યું હતું કે તેનું મોત સર્પદંશથી થયું છે. જોકે, અમિતના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું ત્યારે મોતનું કારણ સાપ કરડવું નહીં, પરંતુ ગૂંગળામણ હોવાનું સામે આવ્યું હતું. ત્યારબાદ પોલીસે તપાસ શરૂ કરી હતી. અહેવાલ મુજબ, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવાનો રવિતાએ વિરોધ કર્યો હતો, જેના કારણે પરિવારજનોને તેના પર શંકા ગઈ હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને તપાસ બાદ રવિતા તથા અમરદીપની ધરપકડ કરવામાં આવી હતી.
આ પણ વાંચો:ઇમરાન ખાન જ નહીં, આ 7 સ્ટાર્સ પાસે પણ છે બે દેશની નાગરિકતા!












