‘ઉડાન-2’ યોજનાને કેબિનેટમાં મંજૂરી, દેશમાં 100 નવા એરપોર્ટ વિકસાવવામાં આવશે

Modi Cabinet Approves UDAN-2: કેન્દ્રીય મંત્રીમંડળે પ્રાદેશિક એર કનેક્ટિવિટીને મજબૂત કરવા અને દેશભરમાં અસ્તિત્વ ધરાવતા એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિસ્તરણ માટે ‘ઉડાન-2’ ને મંજૂરી આપી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી અપાઈ છે, જે અંતર્ગત 100 નવા એરપોર્ટ વિકસાવવામાં આવશે. આ સંશોધિત ઉડાન યોજના 10 વર્ષ એટલે કે નાણાકીય વર્ષ 2026-27 થી 2035-36 સુધી માટે હશે, જેના માટે 28,840 કરોડ રૂપિયાનું બજેટરી સપોર્ટ રાખવામાં આવ્યું છે.
સરકારના 2047ના વિઝન સાથે સુસંગત
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતા કહ્યું કે, આ સરકારના 2047ના વિઝનને અનુરૂપ છે. ઉડાન-2.0 થી નાના શહેરોમાં એર કનેક્ટિવિટી વધશે અને ત્યાં આર્થિક પ્રવૃત્તિઓ, વેપાર અને પ્રવાસનને પ્રોત્સાહન મળશે. ઉલ્લેખનીય છે કે, ઉડાન યોજના ઓક્ટોબર 2016માં લોન્ચ કરવામાં આવી હતી, જેનો હેતુ સામાન્ય લોકો માટે હવાઈ મુસાફરી સસ્તી બનાવવાનો અને ટિયર-2 તથા ટિયર-3 શહેરોમાં કનેક્ટિવિટી વધારવાનો હતો. છેલ્લા 9 વર્ષમાં 95 એરપોર્ટ, હેલીપોર્ટ અને એરોડ્રોમમાં 663 રૂટ્સ કાર્યરત કરવામાં આવ્યા છે.
100 નવા એરપોર્ટ અને આધુનિક હેલીપેડ
સુધારેલી ઉડાન સ્કીમ હેઠળ રિજનલ કનેક્ટિવિટી વધારવા માટે હાલની બિનઉપયોગી એરસ્ટ્રિપ્સમાંથી 100 એરપોર્ટ વિકસાવવામાં આવશે. વૈષ્ણવે જણાવ્યું કે આ 100 નવા એરપોર્ટ ચેલેન્જ મોડમાં વિકસિત કરાશે, જેમાં એરપોર્ટ દીઠ સરેરાશ ખર્ચ 100 કરોડ રૂપિયા હશે અને કુલ બજેટરી સપોર્ટ 12,159 કરોડ રૂપિયાનો રહેશે.
આ ઉપરાંત, પહાડી, પૂર્વોત્તર, દ્વીપીય અને એસ્પિરેશનલ વિસ્તારોમાં એર કનેક્ટિવિટી સુધારવા માટે 200 મોર્ડન હેલીપેડ પણ વિકસાવવામાં આવશે, જેના માટે 3,661 કરોડ રૂપિયા ફાળવાયા છે. એરલાઇન્સને સપોર્ટ કરવા માટે કેન્દ્ર સરકાર આગામી પાંચ વર્ષ સુધી 80 થી 90 ટકા વાયબિલિટી ગેપ ફંડિંગ (VGF) આપશે, જેના માટે 10,043 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Navsari: નરાધમી પિતાની કરતૂતનો પર્દાફાશ, બે સગીર દીકરીઓને બનાવી ગર્ભવતી
આ પણ વાંચોઃ મિડલ ઈસ્ટ સંકટ પર ઓલ પાર્ટી મીટિંગ શરૂ, TMC એ કર્યો બહિષ્કાર
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો












