Navsari: નરાધમી પિતાની કરતૂતનો પર્દાફાશ, બે સગીર દીકરીઓને બનાવી ગર્ભવતી
Navsari Crime: નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં માનવતાને લાંછન લગાડતી એક ઘટના સામે આવી છે. જેમાં એક પાખંડી સાવકા પિતાએ રક્ષક બનવાને બદલે ભક્ષક બની પોતાની જ બે સગીર વયની દીકરીઓ સાથે અનેકવાર દુષ્કર્મ આચરી તેમને ગર્ભવતી બનાવી હોવાની ચોંકાવનારી વિગતો પોલીસ ફરિયાદમાં નોંધાઈ છે.
કેવી રીતે ફૂટ્યો પાપનો ઘડો?
આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે પરિવારની નાની દીકરીને અચાનક પેટમાં અસહ્ય દુખાવો ઉપડ્યો હતો. માતા-પિતા તેને સારવાર માટે કુકેરી પી.એચ.સી. લઈ ગયા હતા, જ્યાં પ્રાથમિક તપાસમાં તબીબે સગીરા ગર્ભવતી હોવાની શંકા વ્યક્ત કરી હતી. ત્યારબાદ ખારેલની હોસ્પિટલમાં સોનોગ્રાફી કરાવતા જાણવા મળ્યું કે સગીરાને પાંચ માસનો ગર્ભ છે. આ સાંભળીને માતાના હોશ ઊડી ગયા હતા.
બંને દીકરીઓને બનાવી હવસનો શિકાર
માતાએ જ્યારે નાની દીકરીની પૂછપરછ કરી, ત્યારે તેણે રડતા રડતા પિતાની કરતૂતો વિશે જણાવ્યું. ત્યારબાદ જાણવા મળ્યું કે મોટી દીકરી પણ બે માસની ગર્ભવતી છે. આરોપી પિતા બંને દીકરીઓને જંગલમાં લાકડા લેવા જવાના બહાને અને રાત્રે ઘરમાં સૌ સૂઈ જાય ત્યારે પરાણે શારીરિક સંબંધ બાંધતો હતો. જો દીકરીઓ કોઈને કહેવાની વાત કરે તો પિતા તેમને અને તેમની માતાને ભૂખ્યા રાખવાની ધમકી આપી ચૂપ રાખતો હતો.
DYSPનું નિવેદન અને ધરપકડ
ચીખલી ડીવાયએસપી ભગીરથસિંહ ગોહિલે જણાવ્યું કે, આરોપી મહિલા સાથે છેલ્લા છ વર્ષથી ‘લિવ-ઈન’ રિલેશનમાં રહેતો હતો. મહિલાને તેના અગાઉના પતિથી ચાર સંતાનો છે, જેમાંની બે સગીર દીકરીઓ સાથે આરોપીએ લાંબા સમયથી દુષ્કર્મ આચર્યું હતું. ચીખલી પોલીસે આરોપી વિરુદ્ધ POCSO એક્ટ અને અન્ય કલમો હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ મિડલ ઈસ્ટ સંકટ પર ઓલ પાર્ટી મીટિંગ શરૂ, TMC એ કર્યો બહિષ્કાર
આ પણ વાંચોઃ IPL ફ્લેશબેક: જ્યારે શેન વોર્નના ‘રાજસ્થાની રજવાડા’એ ધોનીની સ્ટાર ટીમનું સપનું તોડ્યું
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X












