ચા અને બિસ્કિટનો શોખ ભારે પડ્યો: સુરતમાં પત્નીની હત્યા કરી 8 વર્ષથી ફરાર આરોપી આ એક આદતથી ઝડપાયો

ગુજરાતઃ 19 ડિસેમ્બર, 2025: Surat Crime: કહેવાય છે કે ગુનેગાર ગમે તેટલો હોશિયાર હોય, તે કોઈને કોઈ કડી તો છોડી જ દે છે. આવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે, જ્યાં પોતાની પત્નીની હત્યા કરી વર્ષોથી ફરાર રહેલો આરોપી તેની એક જૂની આદતને કારણે પોલીસના સકંજામાં આવી ગયો છે. આરોપીને દરરોજ સવારે ચા સાથે બિસ્કિટ ખાવાનો શોખ હતો અને આ આદત જ તેને જેલના સળિયા પાછળ લઈ ગઈ.
2007નો હત્યાકાળ અને આજીવન કેદ
આ મામલો સુરતના સચિન વિસ્તારનો છે. એન્જિનિયરિંગ કંપનીમાં કામ કરતો સુરેન્દ્ર સચિન વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતો હતો. સુરેન્દ્ર તેની પત્ની પર દહેજ લાવવા અને રિક્ષા ખરીદવા માટે પૈસા લાવવાનું દબાણ કરતો હતો. આ બાબતે વારંવાર ઝઘડા થતા હતા. વર્ષ 2007માં સુરેન્દ્રએ તેની પત્નીની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખી. પોલીસે તેની ધરપકડ કરી અને કોર્ટે તેને આજીવન કેદની સજા ફટકારી હતી.
પેરોલ પરથી ફરાર અને નવી જિંદગી
સુરેન્દ્ર વર્ષો સુધી જેલમાં રહ્યો, પરંતુ 2016માં તેને 28 દિવસના પેરોલ મળ્યા. જેલની બહાર આવતા જ તે ફરાર થઈ ગયો અને સચિન પોલીસ સ્ટેશનમાં તેની સામે નવો ગુનો નોંધાયો. જેલમાંથી ભાગ્યા પછી તે ઉત્તર પ્રદેશના કારવી વિસ્તારમાં રિક્ષા ચલાવવા લાગ્યો. તેણે તેના માતા-પિતા સાથે સંપર્ક તોડી નાખ્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે સુરેન્દ્રએ બીજા લગ્ન પણ કરી લીધા હતા અને તેને એક સંતાન પણ છે.
ચા-બિસ્કિટની કડી અને ધરપકડ
સુરત પોલીસે ફરાર આરોપીઓને પકડવા માટે ખાસ અભિયાન હાથ ધર્યું હતું. એસીપી ગોહિલના નેતૃત્વમાં એક ટીમ તેના વતન પહોંચી અને સંબંધીઓની પૂછપરછ કરી. પોલીસને જાણવા મળ્યું કે સુરેન્દ્ર હાલ ગુરુગ્રામ (ગુડગાંવ) માં મજૂરી કરી રહ્યો છે. તેની દિનચર્યાની તપાસ કરતા ખબર પડી કે તેને રોજ સવારે ચા સાથે બિસ્કિટ ખાવાની આદત છે.પોલીસની ટીમ સાદા ડ્રેસમાં ગુરુગ્રામ પહોંચી અને તેના ઘરની આસપાસ વોચ ગોઠવી. 14 નવેમ્બરના રોજ જ્યારે સુરેન્દ્ર તેની બીજી પત્નીના પુત્ર સાથે દુકાને બિસ્કિટ ખરીદવા આવ્યો, ત્યારે જ પોલીસે તેને દબોચી લીધો. વર્ષોથી કાયદાના હાથમાંથી બચી રહેલો આ હત્યારો આખરે પોતાની એક નાની આદતને કારણે જેલના સળિયા પાછળ પહોંચી ગયો છે.












