દારૂના સેવનમાં બદલાયો ટ્રેન્ડ: યુવાનો દારૂથી દુર થયા, જ્યારે 50 થી 64 વર્ષના લોકોમાં પીવાનું પ્રમાણ વધ્યું

Global Alcohol Consumption Trend Shifts: દારૂના સેવનની ટેવોમાં એક નવો અને ચોંકાવનારો આંતરરાષ્ટ્રીય ટ્રેન્ડ સામે આવ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોના આંકડા દર્શાવે છે કે 40 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં દારૂ પીવાનું પ્રમાણ ઝડપથી ઘટ્યું છે, જ્યારે તેની સામે 50 થી 64 વર્ષની વયના લોકોમાં દારૂ પીનારાઓની સંખ્યામાં મોટો વધારો થયો છે. એટલું જ નહીં, આ વય જૂથના કેટલાક લોકો પહેલાં કરતાં પણ વધુ માત્રામાં દારૂનું સેવન કરી રહ્યા છે. ‘એનલ્સ ઓફ ઇન્ટરનલ મેડિસિન’ નામના જાણીતા મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલા એક નૂતન અભ્યાસમાં આ વિગતો જાહેર કરવામાં આવી છે.
કોરોના રોગચાળા પછી યુવાનો દારૂથી દૂર થયા
સંશોધન મુજબ, 2022 થી 2024 દરમિયાન અમેરિકા સહિતના દેશોમાં દારૂ પીનારા યુવાનોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. કોરોના રોગચાળા પછીથી Gen-Z એટલે કે 26 થી 30 વર્ષના યુવાનો તેમજ 40 થી ઓછી વયના લોકો દારૂથી દૂર જઈ રહ્યા છે. સંશોધનના ડેટા અનુસાર, 2018 સુધી 40 વર્ષથી ઓછી ઉંમરના 66% લોકો દારૂ પીતા હતા, જે 2020 માં વધીને 69% થયો હતો. પરંતુ 2024 માં આ આંકડો ઘટીને 67% થઈ ગયો છે, જે દર્શાવે છે કે નવી પેઢી સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સજાગ બની રહી છે.
50 વર્ષની ઉંમર પછી વધી ચિંતાઓ
તબીબો અને આરોગ્ય નિષ્ણાતોના મતે 50 થી 64 વર્ષની વયના લોકોમાં વધુ પડતું દારૂનું સેવન અત્યંત ચિંતાજનક બાબત છે. આ ઉંમરે સામાન્ય રીતે હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, સ્થૂળતા, લીવર અને હૃદયરોગનું જોખમ પહેલાથી જ વધારે હોય છે. આવા સમયે વધુ પડતું દારૂનું સેવન આ શારીરિક સમસ્યાઓને બેવડી બનાવી શકે છે. અભ્યાસના મુખ્ય સંશોધક અને લીવર નિષ્ણાત ડૉ. બ્રાયન પી. લીના જણાવ્યા મુજબ, 50 થી વધુ વયના લોકોમાં માનસિક તણાવનું પ્રમાણ વધ્યું છે, જેના લીધે તેઓ દારૂ તરફ વળી રહ્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આદત બનતાં વધી શકે છે ગંભીર જોખમ
એક અહેવાલ મુજબ, ઘણા લોકો માનસિક તણાવ કે ચિંતાથી બચવા માટે દારૂનો ઉપયોગ કરે છે, પરંતુ તેનાથી મૂળ સમસ્યાનો કોઈ ઉકેલ આવતો નથી. ધીમે ધીમે તણાવ દૂર કરવાની આ પ્રક્રિયા એક ખતરનાક આદતમાં પરિણમે છે અને દારૂનું પ્રમાણ સતત વધતું જાય છે. તેથી, જો કોઈ વ્યક્તિ 50 વર્ષની ઉંમર પછી દારૂ પીવાનું શરૂ કરે છે અથવા અગાઉ કરતાં વધુ પીવાનું શરૂ કરે છે, તો તેને સામાન્ય બાબત ગણીને અવગણવી જોઈએ નહીં, પરંતુ યોગ્ય કાઉન્સેલિંગ અને તબીબી મદદ લેવી જરૂરી છે.
આ પણ વાંચો: અશ્વગંધા લીવર કે કિડનીને નથી પહોંચાડતું નુકસાન, અભ્યાસમાં આવ્યું સામે












