ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમનોરંજન

સિંગર કિંજલ રબારી પતિ સાથે હાઇકોર્ટમાં વીડિયો કોન્ફરન્સથી હાજર થઈ: કહ્યું- કીડનેપ નથી કરી

Kinjal Rabari: ગુજરાતી લોકસિંગર કિંજલ રબારીના કથિત અપહરણ મામલે એક મોટો વળાંક આવ્યો છે. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાંથી 6 સપ્ટેમ્બરે અપહરણ થયું હોવાની ઘટના બાદ કિંજલ રબારી આજે ગુજરાત હાઇકોર્ટમાં વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પતિ અશોક ચૌધરી સાથે હાજર થઈ હતી. કોર્ટ સમક્ષ કિંજલે સ્પષ્ટ કર્યું હતું કે તેનું કોઈ અપહરણ થયું નથી અને તે પોતાની ઈચ્છાથી પતિ સાથે રહે છે.

હાઇકોર્ટ સમક્ષ કિંજલ રબારીનું નિવેદન

હાઇકોર્ટે કિંજલને પૂછ્યું હતું કે શું તે પોતાની મરજીથી રહે છે અને તેને કોઈએ કીડનેપ કરી છે કે નહીં. જવાબમાં 24 વર્ષીય કિંજલે જણાવ્યું હતું કે મારી મરજીથી હું પતિ અશોક ચૌધરી સાથે રહું છું, કોઈએ મારું અપહરણ કર્યું નથી. કિંજલે વધુમાં ઉમેર્યું હતું કે અગાઉ હેબિયસ કૉર્પસ અરજી વખતે પરિવારના દબાણમાં આવીને તેણે પતિ સાથે જવાની ના પાડી હતી, પરંતુ હવે તે અશોક સાથે જ રહેવા માંગે છે.

FIR પર સ્ટે અને પોલીસ પ્રોટેક્શનનો આદેશ

બંને અરજદારોના જીવને ખતરો હોવાની રજૂઆત ધ્યાને લઈ હાઇકોર્ટે ચાંદખેડા પોલીસ મથકે નોંધાયેલી અપહરણની FIR પર આગળની કાર્યવાહી સામે સ્ટે આપ્યો છે. આ સાથે જ હાઇકોર્ટે સરકારી વકીલને નિર્દેશ આપ્યા છે કે તેઓ પોલીસ કમિશનરને કિંજલ અને તેના પતિના જીવની રક્ષા માટે જરૂરી પોલીસ પ્રોટેક્શન પૂરું પાડવા સૂચના આપે. કોર્ટે ફરિયાદી અને પોલીસ સહિતના પક્ષકારોને ફોર્મલ નોટિસ આપી વધુ સુનાવણી આગામી દિવસો પર મુલતવી રાખી છે.

CCTV અને સોશિયલ મીડિયા વીડિયોથી ખુલાસો

ઉલ્લેખનીય છે કે મુકેશ દેસાઈ નામના વ્યક્તિએ પોલીસને ફોન કરીને અજાણ્યા શખસો કારમાં કિંજલનું અપહરણ કરી ગયા હોવાની જાણ કરી હત. જોકે, ચાંદખેડા પોલીસે ઘટનાસ્થળના CCTV તપાસતા કિંજલ પોતે જ સ્વેચ્છાએ કારમાં બેસતી જોવા મળી હતી. ત્યારબાદ કિંજલે 56 સેકન્ડનો એક વીડિયો જાહેર કરીને પરિવારની મરજી વિરુદ્ધ ચૌધરી સમાજના યુવક અશોક સાથે પ્રેમલગ્ન કર્યા હોવાનું સ્વીકારીને રક્ષણની માંગ કરી હતી.

કોણ છે સિંગર કિંજલ રબારી?

રાધનપુરના સિનાડ ગામની વતની કિંજલ રબારી સાધારણ પરિવારમાંથી આવે છે. સરકારી શાળામાં અભ્યાસ દરમિયાન શિક્ષકોના પ્રોત્સાહનથી ગાયકી ક્ષેત્રે જોડાયેલી કિંજલ પોતાની મહેનતથી ‘કોયલ કંઠી’ સિંગર તરીકે ગુજરાતભરમાં જાણીતી બની છે અને અનેક લોકગીતો તથા લગ્નગીતો ગાયા છે.

આ પણ વાંચોઃ શું તમારું સ્માર્ટ ટીવી બંધ હોય ત્યારે પણ તમને સાંભળે છે? સંશોધનમાં ચોંકાવનારી સુરક્ષા ખામી આવી સામે
Back to top button