‘જે લોકોએ મારૂ ઘર તોડ્યું…’ BMCમાં ભાજપની જીત બાદ ઠાકરે પરિવાર પર કંગનાના પ્રહાર

મહારાષ્ટ્રઃ 17 જાન્યુઆરી, 2026: મુંબઈ મહાનગરપાલિકા (BMC)ની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ઐતિહાસિક જીત નોંધાવી છે, જેની સાથે જ મુંબઈમાં ઠાકરે પરિવારના દાયકાઓ જૂના શાસનનો અંત આવ્યો છે. આ ભવ્ય વિજય પર ભાજપના સાંસદ અને અભિનેત્રી કંગના રનૌતે ઉદ્ધવ ઠાકરે અને તેમના પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે.
‘મારું ઘર તોડનારા સત્તાની બહાર‘
કંગના રનૌતે ઠાકરે પરિવારને ‘મહિલાઓથી નફરત કરનારા’, ‘ગુંડા’ અને ‘નેપોટિઝમ માફિયા’ ગણાવ્યા હતા. તેમણે એક મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, “જે શક્તિઓએ મને ગાળો આપી, મારું ઘર તોડ્યું અને મને મહારાષ્ટ્ર છોડવાની ધમકી આપી, જનતાએ તેમને તેમની સાચી જગ્યા બતાવી દીધી છે. હું ખુશ છું કે આવા લોકો મહારાષ્ટ્રની સત્તામાંથી બહાર થઈ ગયા છે.”
આ વિવાદ વર્ષ 2020નો છે જ્યારે તત્કાલીન શિવસેના સરકારના શાસન હેઠળ BMCએ બાન્દ્રામાં આવેલી કંગનાની ઓફિસનો અમુક હિસ્સો તોડી પાડ્યો હતો. કંગના આ હારને પોતાના માટે એક ‘વ્યક્તિગત ન્યાય’ તરીકે જોઈ રહી છે.
મહાયુતિનું શાનદાર પ્રદર્શન
કંગનાએ આ જીત બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને અભિનંદન પાઠવ્યા હતા. મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધન (ભાજપ અને એકનાથ શિંદેની શિવસેના) એ 227 બેઠકોમાંથી 118 બેઠકો જીતીને સ્પષ્ટ બહુમતી મેળવી છે. જેમાં એકલી ભાજપે 89 બેઠકો પર વિજય મેળવ્યો છે.
આંકડામાં ભાજપની જીત
રાજ્ય ચૂંટણી પંચના આંકડા મુજબ, ભાજપને કુલ 11,79,273 મતો મળ્યા છે, જે કુલ મતદાનના 21.58 ટકા છે. મહારાષ્ટ્રની કુલ 29 મહાનગરપાલિકાઓમાંથી મહાયુતિએ 25 પર કબજો જમાવીને રાજ્યમાં પોતાનું વર્ચસ્વ સાબિત કર્યું છે. આ જીતને વડાપ્રધાન મોદી અને દેવેન્દ્ર ફડણવીસના વિકાસ અને સુશાસનના એજન્ડાની જીત માનવામાં આવી રહી છે.












