ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

જસદણમાં કરુણ ઘટના: આલણ સાગર તળાવમાં નહાવા ગયેલા 4 કિશોરો ડૂબ્યા, પરિવારોમાં હૈયાફાટ રૂદન

Tragic Incident: રાજકોટ જિલ્લાના જસદણ તાલુકામાં રવિવાર, 26 એપ્રિલ 2026ના રોજ બપોરે 3થી 4 વાગ્યાની વચ્ચે એક દુઃખદ ઘટના બની છે. જસદણથી લગભગ 4 કિમી દૂર બાખલવડ ગામ પાસે આવેલા આલણ સાગર તળાવમાં નહાવા ગયેલા 4 કિશોરો ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા. આ ઘટનાથી સમગ્ર જસદણ વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે અને મૃતક કિશોરોના પરિવારજનોમાં ભારે દુઃખનો માહોલ છે.

મૃતક કિશોરોની વિગતો

– રામુભાઈ ભાયાભાઈ રાઠોડ (ઉંમર 14 વર્ષ)
– કાળુભાઈ ભરતભાઈ રાઠોડ (ઉંમર 10 વર્ષ)
– રાજવીરભાઈ સામતભાઈ રાઠોડ (ઉંમર 15 વર્ષ)
– કિશનભાઈ મનસુખભાઈ રાઠોડ (ઉંમર 15 વર્ષ)

આ ચારેય મિત્રો જસદણના વિંછીયા રોડ વિસ્તારના રહેવાસી હતા અને રાઠોડ પરિવારના હતા. રવિવારની રજા હોવાથી અને ગરમીમાંથી રાહત મેળવવા માટે તેઓ ઘરેથી સાયકલ લઈને રમવા નીકળ્યા હતા. તળાવના કિનારે પહોંચીને તેઓ સાયકલો અને કપડાં ઉતારીને પાણીમાં ઉતર્યા હતા, પરંતુ પાણીના ઊંડાણનો અંદાજ ન રહેતા એક પછી એક ચારેય કિશોરો વહેણમાં ફસાઈને ડૂબી ગયા.

મોડી સાંજ સુધી બાળકો ઘરે પરત ન ફરતા પરિવારજનોને શંકા ગઈ. તેઓ તળાવે પહોંચ્યા ત્યારે કિનારે માત્ર સાયકલો અને કપડાં જ લાવારિસ હાલતમાં મળ્યા, જેનાથી આખા પરિવારમાં આક્રંદ છવાઈ ગયો. ઘટનાની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓ અને જસદણ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી. કલાકોની ભારે જહેમત અને શોધખોળ બાદ પ્રથમ ત્રણ કિશોરોના મૃતદેહ મળી આવ્યા અને લાંબી મહેનત પછી ચોથા કિશોરનો મૃતદેહ પણ બહાર કાઢવામાં આવ્યો.

મૃતદેહોને જસદણ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યારબાદ પરિવારજનોને સોંપવામાં આવ્યા. જસદણ પોલીસે અકસ્માતનો કેસ નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.

ઘટનાની જાણ થતાં કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તેમણે શોકગ્રસ્ત પરિવારોને સાંત્વના પાઠવી અને સરકાર તેમની સાથે છે તેવું આશ્વાસન આપ્યું હતું. મંત્રીએ દરેક મૃતક પરિવારને 25,000 રૂપિયાની સહાયની જાહેરાત પણ કરી હતી.

આ ઘટનાએ આખા વિસ્તારમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું છે. સ્થાનિકો અને વહીવટી તંત્ર તરફથી બાળકોને પાણીમાં નહાવા જતા પહેલાં વાલીઓને સાવધાની રાખવાની અપીલ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: સુરત: વરાછાની SBI બેંકમાં લૂંટારૂઓનો આતંક, કર્મચારીઓને બંધક બનાવી 50 લાખની લૂંટ, પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો

Back to top button