કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

જામનગરઃ સેવક ધુણીયા ગામે વીજળી પડતા 2 શ્રમિકનાં મૃત્યુ, ગામમાં શોકનો માહોલ

જામનગર, તા. 3 જુલાઈ, 2025: સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટાભાગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જામનગરના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં આજે બપોરે 2 થી 4 વાગ્યા સુધીમાં લાલપુર તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. મેઘગર્જના સાથે ભારે વરસાદી માહોલ વચ્ચે લાલપુરના સેવક ધુણીયા ગામે વીજળી પડતાં બે શ્રમિકના ઘટનાસ્થળે જ મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય બે લોકો દાઝી જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

મળતી વિગત પ્રમાણે જામનગરના લાલપુર તાલુકાના સેવક ધુળીયા ગામે બપોરે આશરે 2:30 કલાકે ખેતરમાં કામ કરી રહેલા લોકો પર પડતા બે લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા હતા. જ્યારે અન્ય બે લોકો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. મૃતક ભાઈઓ મહેતાબ દાવડ અને ગોપાલ દાવડ મૂળ મધ્યપ્રદેશના નાંગલવાડી ગામના રહેવાસી છે. એમના સાથીદારો ભુરસીંગ વાસકલે અને કરણ દાવડ ઈજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બનાવના પગલે ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.

વીજળી થતી હોય ત્યારે શું ન કરશો

  • ઝાડ નીચે આશ્રય ન લો: વીજળી પડવાનું સૌથી વધુ જોખમ ઊંચા ઝાડ પર હોય છે. વીજળી પડવાથી ઝાડ ફાટી શકે છે અથવા આગ લાગી શકે છે, જે જોખમી છે.
  • ખુલ્લા મેદાનમાં ઊભા ન રહો: ખુલ્લા મેદાનમાં ઊભા રહેવાથી તમે આસપાસના વિસ્તારમાં સૌથી ઊંચા બિંદુ બની શકો છો, જેના પર વીજળી પડવાની સંભાવના વધી જાય છે.
  • પાણીવાળા વિસ્તારોથી દૂર રહો: તળાવ, નદી, સ્વિમિંગ પૂલ કે દરિયાકિનારે જવાનું ટાળો, કારણ કે પાણી વીજળીનું વાહક છે.
  • ઊંચી ઇમારતો, ટાવર કે થાંભલા નજીક ઊભા ન રહો: આ વસ્તુઓ વીજળીને આકર્ષી શકે છે અને જોખમી બની શકે છે.
  • ધાતુના વાડ, જાળી કે તારને અડકશો નહીં: આ ધાતુની વસ્તુઓ વીજળીનો કરંટ પ્રસારિત કરી શકે છે.
  • છત્રીનો ઉપયોગ ન કરો: ધાતુના સળિયાવાળી છત્રી વીજળીને આકર્ષી શકે છે.
  • ખેતરમાં કે ખુલ્લા વાહનોમાં ન રહો: ટ્રેક્ટર, મોટરસાઇકલ, સાયકલ કે ખુલ્લી ગાડીમાં વીજળી દરમિયાન સલામત નથી.

આ પણ વાંચોઃ અમદાવાદમાં હવેથી ટ્રાફિક પોલીસ QR કોડથી દંડ વસૂલશે

Back to top button