ગુજરાતટ્રેન્ડિંગ

જામનગર : વધુ એક યુવાન મહારાષ્ટ્રના આકોલાની લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો

  • યુવતી ખરીદી કરવાના બહાને નીકળ્યા બાદ લાપતા
  • રિક્ષાચાલકને લૂંટેરી દુલ્હન લગ્નના બીજા જ દિવસે છોડીને ગાયબ
  • એક મહિલા સહિતના બે વચેટીયાઓ સામે છેતરપિંડી અંગેની પોલીસ ફરિયાદ

જામનગરનો એક રિક્ષા ચાલક યુવાન મહારાષ્ટ્રના આકોલાની એક લૂંટેરી દુલ્હનનો શિકાર બન્યો છે, અને રૂપિયા 2 લાખ 30,000 ગુમાવ્યા છે. લુટેરી દુલ્હન એક દિવસના રોકાણ બાદ દરબાર ગઢ વિસ્તારમાં ખરીદી કરવાના બહાને નીકળ્યા બાદ લાપતા બની છે. આથી લૂંટેરી દુલ્હન અને લગ્ન કરાવનાર જામનગરના અને કાલાવડના એક મહિલા સહિતના બે વચેટીયાઓ સામે છેતરપિંડી અંગેની પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.

યુવતી સાથે લગ્ન કરાવવા માટે વાત કરી ફોટોગ્રાફ્સ બતાવ્યા

જામનગરમાં બેડી વિસ્તારમાં એકડેએક બાપુની દરગાહ પાસે રહેતા અને રિક્ષા ચલાવતા ખીમજીભાઈ બુધાભાઈ મકવાણા નામના 39 વર્ષના યુવાન કે જેને લગ્ન કરવા હોવાથી જામનગરમાં લાલખાણ વિસ્તારમાં રહેતા પોતાના પરિચિત એવા યુનુસભાઈ ગનીભાઈ મન્સૂરીને વાત કરી હતી. જેથી તેમણે કાલાવડના પંજેતનનગરમાં રહેતી મુમતાજબેન અજીતભાઈ નામની મહિલા સાથે પરિચય કરાવ્યો હતો અને મહારાષ્ટ્રના આકોલાની એક યુવતી સાથે લગ્ન કરાવવા માટે વાત કરી ફોટોગ્રાફ્સ બતાવ્યા હતા અને રૂ.1.80 લાખમાં સોદો થયો હતો. જેમાં દોઢ લાખ રૂપિયા યુવતિને આપવાના, જ્યારે મુમતાજબેનને 15,000 અને યુનુસભાઈને 15000 આપવાનું નક્કી થયું હતું.

વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી

જે અનુસાર ગત તા.15ના રોજ કાર ભાડે કરીને મહારાષ્ટ્રના આકોલામાં પહોંચ્યા હતા. જ્યાં રોહિણી મોહનભાઈ હિંગલે નામની યુવતી સાથે પરિચય કરાવ્યો હતો અને મહારાષ્ટ્રમાં જ બંનેએ કોર્ટ મેરેજ કરી લીધા હતા. તે જ દિવસે રોહિણીને દોઢ લાખ રૂપિયા, જ્યારે મુમતાજબેન અને યુનુસભાઈને રૂપિયા આપ્યા હતા. ત્યારબાદ તમામ લોકો જામનગર પરત ફર્યા હતા. 18મી તારીખે રોહિણી જામનગરમાં રિક્ષાચાલક ખીમજીભાઈના ઘેર પત્ની તરીકે રોકાઈને રાત વાસો કર્યો હતો, ત્યારબાદ બીજા દિવસે પોતાને મંગળસૂત્ર ખરીદવું છે તથા અન્ય માલ સામાનની ખરીદી કરવી છે તેમ વાત કરતાં બન્ને દરબારગઢ વિસ્તારમાં ગયા હતા.

ખીમજીભાઈની નજર ચૂકવીને રોહિણી ખરીદીના બહાને ક્યાંક નીકળી ગઈ

ખીમજીભાઈની નજર ચૂકવીને રોહિણી ખરીદીના બહાને ક્યાંક નીકળી ગઈ હતી. જેનો પતો નહીં મળતા મોબાઈલ ફોન લગાવ્યો હતો. પરંતુ તે ફોન પણ રિસીવ કર્યો ન હતો, અને મોડે સુધી પરત નહીં ફરતાં યુનુસભાઈ અને મમતાબેનને પણ વાત કરી હતી. તેઓએ પણ ફોન ઉપાડવાનો બંધ કરી દીધો હતો, અને આજ દિન સુધી રોહિણીનો કોઈ પતો નહિ સાંપડતા આખરે મામલો સીટી એ. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને લૂંટેલી દુલ્હન રોહીણી મોહન હિંગલે, તેમજ બે વચેટીયાઓ યુનુસ ગનીભાઈ મનસુરી અને મુમતાજ અજીત ગોધાવિયા સામે વિશ્વાસઘાત અને છેતરપિંડી અંગેની ફરિયાદ નોંધાવી છે.

આ પણ વાંચો: ગુજરાત : સૌથી દર્દનાક રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડને 1 વર્ષ પૂરૂ, ન્યાયની રાહમાં પીડિતો

Back to top button