ગુજરાત : સૌથી દર્દનાક રાજકોટ TRP ગેમ ઝોન અગ્નિકાંડને 1 વર્ષ પૂરૂ, ન્યાયની રાહમાં પીડિતો

- 27 નિર્દોષ નાગરિકો સળગીને ભડથું થઈ ગયા
- એક પણ વ્યક્તિના શરીરનું એક પણ અંગ બચ્યું ન્હોતું
- એકેય મૃતદેહની એક પણ ઓળખ ન્હોતી થઇ શકી
રાજકોટમાં આજથી બરાબર એક વર્ષ પહેલા તા.25-52024 ના સાંજે નાનામવા રોડ પર 3000 ચો.મી.માં ફાયર સેફ્ટી વગર અને પ્લાન-કમ્પલીશન વગર મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓની મીઠી નજર હેઠળ અને ફાયર એનઓસી ન્હોતું છતાં પોલીસના લાયસન્સથી ગેરકાયદે ધમધમતા ટીઆરપી ગેમઝોનમાં ધડાકા સાથે ભયાનક આગ ભભુકી જેમાં બાળકો સહિત 27 નિર્દોષ નાગરિકો એટલી હદે સળગીને ભડથું થઈ ગયા કે તેમાંથી એક પણ વ્યક્તિના શરીરનું એક પણ અંગ બચ્યું ન્હોતું.
એકેય મૃતદેહની એક પણ ઓળખ ન્હોતી
એકેય મૃતદેહની એક પણ ઓળખ ન્હોતી. ડીએનએ મેચ કરીને માત્ર પોટલામાં રાખ થયેલા અવશેષોથી અંતિમક્રિયા થઈ હતી. કાયદાની ભાષામાં આ કાવત્રાપૂર્વકનો સાપરાધ મનુષ્યવધના ગુનાની રાજકોટ પોલીસે તપાસ કરીને 15 આરોપીઓની ધરપકડ કરી તેમના વિરૂધ્ધ તા. 24 જૂલાઈએ આશરે 5,000 પાનાના પુરાવા સાથે ચાર્જશીટ કરી છે.
ઉચ્ચસ્તરની સત્યશોધક કમિટિ ઉપરાંત સિટની રચના કરી
સરકારે અશ્વિનીકુમારની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરની સત્યશોધક કમિટિ ઉપરાંત સિટની રચના કરી જેની આજ સુધીની તપાસમાં અગ્નિકાંડનું જોખમ જેના થકી સર્જાયું તે તેને છાવરનારા પદાધિકારીઓ, ઉચ્ચ અધિકારીઓ સહિત કોઈ ઉચ્ચસ્તરીય તપાસની જાળમાં ફસાયા નથી અને આ ઉચ્ચ અફ્સરોએ શું વિશેષ સત્ય શોધ્યું તે આજે પણ એક સવાલ છે.
રામભાઈ મોકરીયાએ તંત્ર સામે સવાલો કર્યા હતા
અગ્નિકાંડ વખતે ભાજપના માત્ર બે નેતાઓ, વજુભાઈ વાળા અને રામભાઈ મોકરીયાએ તંત્ર સામે સવાલો કર્યા હતા, બાકીનાએ મૌન સેવ્યું હતું. કોંગ્રેસે પૂરા જોશથી આ મુદ્દો ઉઠાવ્યો હતો અને આજે પણ આ અંગે પીડિતોના પરિવારોને નોકરી નથી મળી અને મોટા માથાઓને સજા નથી થઈ તે સવાલો કર્યા છે.
આ પણ વાંચો: અમદાવાદ : ભુવાજીના ચક્કરમાં ફસાયા અને રૂ.5.90 લાખના સોનાના દાગીમાં ગયા












