જાલંધર: AAP નેતા લક્કી ઓબેરોયની ગુરુદ્વારા બહાર ગોળી મારી હત્યા, હુમલાખોર ફરાર — પોલીસ તપાસ શરૂ

પંજાબ, 6 ફેબ્રુઆરી 2026: પંજાબના જાલંધરમાં આમ આદમી પાર્ટી (AAP) ના યુવા અને સ્થાનિક નેતા લક્કી ઓબેરોયની ગોળી મારીને નિર્દયી રીતે હત્યા કરવામાં આવી છે. આ ચોંકાવનારી ઘટના શહેરના મોડલ ટાઉન વિસ્તારમાં આવેલા ગુરુદ્વારા સાહિબ બહાર બની હતી, જ્યાં સવારે તેઓ રોજની જેમ મત્થા ટેકવા ગયા હતા. હુમલાખોરોએ તાબડતોબ ફાયરિંગ કરીને તેમને નિશાન બનાવ્યા, જેના કારણે વિસ્તારમાં ભય અને તણાવનો માહોલ સર્જાયો છે.
મળતી માહિતી અનુસાર, સવારે લગભગ 8:15 વાગ્યે લક્કી ઓબેરોય ગુરુદ્વારામાં પ્રાર્થના કરવા પહોંચ્યા હતા. ગુરુદ્વારાની બહાર ઉભા હતા ત્યારે અજાણ્યા હુમલાખોરોએ અચાનક ગોળીબાર શરૂ કર્યો. લક્કીના શરીરમાં લગભગ પાંચ ગોળીઓ વાગી હતી, જેમાંથી કેટલીક ગોળીઓ છાતી અને માથામાં વાગી હોવાનું કહેવાય છે. ગોળીબારી બાદ તેમને તાત્કાલિક નજીકના ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા.
VIDEO | Punjab: Aam Aadmi Party (AAP) leader Lucky Oberoi was shot dead outside a Gurdwara in Model Town, Jalandhar; probe underway. Visuals from the spot.
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7)#Punjab #Jalandhar pic.twitter.com/laqDgjTU90
— Press Trust of India (@PTI_News) February 6, 2026
હુમલાખોરોએ માત્ર લક્કી પર જ નહીં, પરંતુ તેમની કાર પર પણ અનેક ગોળીઓ ચલાવી હતી, જેના કારણે કારના કાચ તૂટી ગયા હતા અને વાહનને ભારે નુકસાન થયું હતું. પ્રાથમિક માહિતી મુજબ, હુમલાખોરો બાઈક અથવા થાર વાહનમાં આવ્યા હતા અને ઘટના બાદ ઝડપથી સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.
ઘટનાની જાણ થતા જ પોલીસ અને તપાસ ટીમના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા. એસપી સહિતના અધિકારીઓએ ઘટનાસ્થળની તપાસ કરી અને આસપાસના CCTV ફૂટેજ ખંગાળવાની કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે હુમલાખોરોને ઝડપી પાડવા માટે વિશેષ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે.
લક્કી ઓબેરોયની પત્નીએ અગાઉ આમ આદમી પાર્ટી તરફથી નગરપાલિકા ચૂંટણી લડી હતી, જોકે તેમને જીત મળી નહોતી. લક્કી પાર્ટીના સ્થાનિક સ્તરે સક્રિય નેતા તરીકે જાણીતા હતા અને સામાજિક તેમજ રાજકીય મુદ્દાઓ પર લોકોની સમસ્યાઓ ઉકેલવામાં આગળ રહેતા હતા. તેમના અચાનક નિધનથી વિસ્તારમાં શોકનો માહોલ છવાયો છે.
પંજાબમાં અગાઉ પણ જાણીતા લોકોની આવી રીતે ગોળી મારી હત્યા થઈ ચૂકી છે, જેમાં ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યા પણ સમાન રીતે કારમાં ગોળીબાર કરીને કરવામાં આવી હતી. હાલ આ ઘટનાએ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાને લઈને ફરી પ્રશ્નો ઉભા કર્યા છે. પોલીસે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી છે અને જલદી આરોપીઓને ઝડપી પાડવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
આ પણ વાંચો : એનિવર્સરી જીત પર અડાણીની અનોખી ગિફ્ટ: 500 દિવ્યાંગ નવવિવાહિત મહિલાઓને 10-10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત












