એનિવર્સરી જીત પર અડાણીની અનોખી ગિફ્ટ: 500 દિવ્યાંગ નવવિવાહિત મહિલાઓને 10-10 લાખ રૂપિયાની સહાયની જાહેરાત

મુંબઈ, 6 ફેબ્રુઆરી 2026: અડાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અડાણીના નાના પુત્ર જીત અડાણીએ પોતાની પત્ની દીવા શાહ સાથે લગ્નની પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે દિવ્યાંગ મહિલાઓને સશક્ત બનાવવા માટે શરૂ કરાયેલ ‘મંગલ સેવા’ કાર્યક્રમમાં ભાગ લીધો. આ પ્રસંગે તેમણે 500 નવવિવાહિત દિવ્યાંગ મહિલાઓને પ્રતિ વ્યક્તિ 10 લાખ રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી.
દિવ્યાંગ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા પહેલ
જીત અડાણીએ જણાવ્યું કે ભય અને અસુરક્ષા સાથે વૈવાહિક જીવન આગળ વધી શકતું નથી, અને એ વિચાર સાથે આ પહેલ શરૂ કરવામાં આવી છે. કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ નવી લગ્ન કરેલી દિવ્યાંગ મહિલાઓને આર્થિક સુરક્ષા આપવો અને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે. દર વર્ષે 500 મહિલાઓને આ સહાય આપવામાં આવશે.
ફિક્સ્ડ ડિપોઝિટ દ્વારા લાંબા ગાળાની સુરક્ષા
‘મંગલ સેવા’ હેઠળ આપવામાં આવતી 10 લાખ રૂપિયાની રકમ ફિક્સ્ડ ડિપોઝિટ રૂપે રાખવામાં આવશે. આ ડિપોઝિટ પરથી મળતું વ્યાજ દર વર્ષે લાભાર્થી મહિલાને આર્થિક સહારો આપશે, જ્યારે 10 વર્ષ બાદ સંપૂર્ણ રકમ તેની માલિકી બની જશે. જીત અડાણીએ જણાવ્યું કે આ માત્ર પૈસા નથી, પરંતુ એક સુરક્ષા કવચ છે, જે મહિલાઓને આત્મવિશ્વાસ સાથે જીવન જીવવાની શક્તિ આપે છે.
પ્રેરણાદાયી અનુભવો અને બદલાવની કહાનીઓ
જીત અડાણીએ પોતાના સંબોધનમાં એક એવી મહિલાની વાત કરી, જે સાંભળવામાં અસમર્થ હતી અને લગ્ન બાદ હંમેશા અન્ય પર નિર્ભર રહેવાની ચિંતામાં હતી. પરંતુ ફિક્સ્ડ ડિપોઝિટથી મળતા આવકના આયોજનથી તેણે ઘરના ખર્ચમાં યોગદાન આપવાનું શરૂ કર્યું અને પોતાના બાળકના ભવિષ્યની યોજના પણ બનાવી. આ પરિવર્તન ‘મંગલ સેવા’ પહેલનું મુખ્ય ઉદ્દેશ દર્શાવે છે.
ગૌતમ અડાણીનો ભાવુક સંદેશ
ગૌતમ અડાણીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને જીત અને દીવાને લગ્નની વર્ષગાંઠની શુભેચ્છા પાઠવી અને જણાવ્યું કે આ પહેલ ઘણા પરિવારોના જીવનમાં આત્મવિશ્વાસ અને નવી આશા લઈને આવી છે. તેમણે કહ્યું કે જ્યારે કોઈ દીકરીના જીવનમાં સ્મિત અને આત્મવિશ્વાસ પાછું આવે છે, ત્યારે તે કોઈ પણ મોટી સિદ્ધિ કરતાં વધારે સંતોષ આપે છે.
કાર્યક્રમમાં વિશેષ મુલાકાત
કાર્યક્રમ દરમિયાન જીત અડાણીએ 21 દિવ્યાંગ દુલ્હનો અને તેમના જીવનસાથીઓ સાથે મુલાકાત કરી અને તેમની જીવનયાત્રા વિશે વાતચીત કરી. અડાણી ફાઉન્ડેશન દ્વારા શરૂ કરાયેલી આ પહેલ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ માનવામાં આવી રહી છે.
આ પણ વાંચો : ઉત્તર પ્રદેશના શામલીમાં પોલીસ એનકાઉન્ટર: 90થી વધુ કેસમાં વોન્ટેડ કુખ્યાત અપરાધી રિહાન અંસારી ઠાર












