કતર બાદ આ મુસ્લિમ દેશ પર હુમલો કરશે ઈઝરાયલ, નેતન્યાહૂની હિટલર સાથે કરી હતી તુલના

નવી દિલ્હીઃ 14 સપ્ટેમ્બર, 2025: Israel-Hamas War: કતરમાં હમાસના અધિકારીઓની બેઠક પર ઈઝરાયલી હુમલાથી ચિંતા વધી છે કે, આગામી લક્ષ્ય એર્દોગનના મુસ્લિમ દેશ તુર્કીયે હોઈ શકે છે. આનાથી સમગ્ર તુર્કીયે નેતૃત્વ તણાવમાં આવી ગયું છે. તુર્કીયેના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા રીઅર એડમિરલ ઝેકી અક્તુર્કે ગુરૂવારે (11 સપ્ટેમ્બર) અંકારામાં ચેતવણી આપી હતી કે, ઈઝરાયલ કતરની જેમ તેના બેદરકાર હુમલાઓ વધારશે અને તેમના દેશ સહિત સમગ્ર ક્ષેત્રને સંકટમાં ધકેલી દેશે. તુર્કીયે ઈઝરાયલી વડાપ્રધાન નેતન્યાહૂની તુલના હિટલર સાથે કરી છે, જેના કારણે બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો હતો.
2000 બાદ તુર્કીયે અને ઈઝરાયલના સંબંધો બગડ્યા
ઈઝરાયલ અને તુર્કીયે એક સમયે મજબૂત પ્રાદેશિક ભાગીદાર હતા, પરંતુ 2000ના દાયકાના અંતથી બંને દેશો વચ્ચેના સંબંધો બગડ્યા છે અને 7 ઓક્ટોબર, 2023ના રોજ દક્ષિણ ઈઝરાયલમાં હમાસના નેતૃત્વ હેઠળના આક્રમણથી શરૂ થયેલા ગાઝા યુદ્ધને કારણે તે અત્યાર સુધીના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છે. ગત વર્ષે બશર અલ-અસદની સરકારના પતન પછી બંને દેશો પાડોશી સીરિયામાં પ્રભાવ માટે સ્પર્ધા કરી રહ્યા હોવાથી તણાવ પણ વધ્યો છે. તુર્કીયેના પ્રમુખ રેસેપ તૈયપ એર્દોગન લાંબા સમયથી પેલેસ્ટાઇન ચળવળ અને પેલેસ્ટાઇન આતંકવાદી જૂથ હમાસના સમર્થક રહ્યા છે.
તુર્કીયેના પ્રમુખે નેતન્યાહૂને હિટલર સાથે સરખાવ્યા
ગાઝા યુદ્ધની શરૂઆત થયા બાદ તુર્કીયેના પ્રમુખે ઈઝરાયલ, ખાસ કરીને બેન્જામિન નેતન્યાહૂની આકરી ટીકા કરી છે. તેમણે ઈઝરાયલ પર નરસંહારનો આરોપ લગાવ્યો છે અને નેતન્યાહૂની સરખામણી નાઝી નેતા એડોલ્ફ હિટલર સાથે કરી છે. હમાસના અધિકારીઓ નિયમિતપણે તુર્કીયેની મુલાકાત લે છે અને કેટલાક ત્યાં સ્થાયી થયા છે. ઈઝરાયલે અગાઉ તુર્કીયે પર આરોપ લગાવ્યો કે, તે હમાસને તેના પ્રદેશમાંથી હુમલાઓનું આયોજન, ભરતી અને ભંડોળ પૂરું પાડવાની મંજૂરી આપે છે.
શિખર સંમેલન માટે કતર જશે એર્દોગન
એર્દોગન કતરના નેતાઓની નજીક છે અને તુર્કીયેના અમીરાત સાથે મજબૂત લશ્કરી અને વેપારી સંબંધો છે. તેઓ આ અઠવાડિયાના અંતે અરબ અને મુસ્લિમ નેતાઓના શિખર સંમેલન માટે કતર જવાના છે.
ટ્રેન્ડ્સ રિસર્ચ એન્ડ એડવાઇઝરીમાં તુર્કીયે પ્રોગ્રામના ડિરેક્ટર સેરહાટ સુહા કુબુકુઓગ્લુએ જણાવ્યું હતું કે, ‘પ્રાદેશિક હવાઈ સંરક્ષણ અને આંતરરાષ્ટ્રીય ધોરણોને અવગણીને, ઈઝરાયલની મુક્તિ સાથે હુમલો કરવાની ક્ષમતાએક એવી મિસાલ કાયમ કરે છે, જેનાથી અંકારા ચિંતિત છે. તુર્કીયે આ હુમલાને પોતાની આસપાસ કમજોર અથવા શાંત દેશોના એક ખંડિત બફર ઝોન સ્થાપિત કરવાની ઈઝરાયલની વ્યપાક વ્યૂહનીતિના ભાગરૂપે જુએ છે.’
આ પણ વાંચોઃ PM Modiના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં સેવા પખવાડિયાનું આયોજન












