અમદાવાદ બિલ્ડર હત્યા કેસમાં સૌથી મોટો ખુલાસો: પૂર્વ ભાગીદારે 50,000ની સોપારી આપી પાટીદાર બિલ્ડરની કરાવી હત્યા

અમદાવાદઃ 14 સપ્ટેમ્બર, 2025: Ahmedabad Building Murder Case: અમદાવાદમાં 62 વર્ષીય બિલ્ડર હિંમત કનુભાઈ રૂદાણીની ઘાતકી હત્યા કેસમાં નવો ખુલાસો થયો છે. આ કેસમાં પૂર્વ ભાગીદારે 50 હજાર રૂપિયાની સોપારી આપી પાટીદાર બિલ્ડરની હત્યા કરાવી હોવાનું સામે આવ્યું છે.
50 હજાર રૂપિયા સોપારી આપી
મળતી માહિતી મુજબ, પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, શનિવારે (13 સપ્ટેમ્બર) નિકોલના સરદારધામના બેઝમેન્ટમાં છરીના ઘા મારી હત્યા કરવામાં આવી હતી. ત્યારબાજ મૃતદેહને ડેકીમાં નાંખી મર્સિડિઝને વિરાટનગર ઓવરબ્રિજ નીચે છોડી દેવામાં આવી હતી. આ હત્યામાં મૃતકના પૂર્વ ભાગીદારની સંડોવણી હતી. જેણે 50 હજાર રૂપિયા સોપારી આપીને બિલ્ડરની હત્યા કરાવી હતી.
2024થી ચાલતો હતો વિવાદ
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, આ બંને બિલ્ડરો વચ્ચે નિકોલના ગંગોત્રી સર્કલ નજીકના એક જમીનના પ્લોટને લઈને લાંબા સમયથી વિવાદ ચાલી રહ્યો હતો. આ વિવાદ જાન્યુઆરી, 2024માં શરૂ થયો હતો. તપાસ અધિકારીએ ખુલાસો કર્યો કે, હિંમત રુદાણીના પુત્ર ધવલે મનસુખ લાખાણીના દીકરા કિંજલ લાખાણી સામે CID ક્રાઇમના આર્થિક ગુના વિંગમાં 1.5 કરોડની છેતરપિંડીની ફરિયાદ પણ નોંધાવી હતી.
EOWની ફરિયાદમાં આરોપ
EOWની ફરિયાદ મુજબ, કિંજલ લાખાણીએ કથિત રીતે ધવલ રૂદાણીની સહીની નકલ કરી અને તેમની સંયુક્ત પેઢી કે.ડી. ડેવલપર્સના નકલી લેટરહેડનો ઉપયોગ કરીને તેમના સહકારી બેંક ખાતામાંથી 1.5 કરોડ રૂપિયા ઉપાડી લીધા હતા. તેના પર ભાગીદારને જાણ કર્યા વિના કોમર્શિયલ પ્રોજેક્ટની ઘણી દુકાનો વેચવાનો પણ આરોપ છે. નિકોલના ગંગોત્રી સર્કલ પાસે ધવલ રૂદાણી અને કિંજલ લાખાણીએ સંયુક્ત રીતે 3 કરોડ રૂપિયાની જમીન ખરીદી હતી અને 50-50ની ભાગીદારીમાં આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. EOWની એફઆઈઆરમાં આરોપ છે કે, કિંજલે બનાવટી દસ્તાવેજોનો ઉપયોગ કરીને તેના ભાગીદારને આ પ્રોજેક્ટમાંથી દૂર કર્યો અને પૈસાની ઉચાપત કરી.
નોંધનીય છે કે, હજુ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે. તમામ પુરાવાની ચોકસાઇ બાદ જ આ વિશે કોઈ નક્કર તારણ કાઢી શકાશે. હાલ પોલીસ આ મામલે પુરાવા એકત્રિત કરી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ અમદાવાદ: પાલડીમાં યુવકની હત્યા કેસમાં 7 આરોપીની અટકાયત, 3 આબુથી ઝડપાયા
આ પણ વાંચોઃ શું ડોલરનું શાસન ખતમ થશે? રશિયા-ચીનની સફળતા દાવ પર… ટોચના ભારતીય અર્થશાસ્ત્રીએ મોટી વાત કહી












