ટ્રેન્ડિંગવર્લ્ડ

સાઉદી અરેબિયામાં એરપોર્ટ પર મિસાઇલ હુમલા, ભારતીયો માટે દૂતાવાસની નવી એડવાઇઝરી

Airport Attack : સાઉદી અરેબિયામાં અબહા અને રિયાધના એરપોર્ટને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલાઓ બાદ સુરક્ષાને લઈને ચિંતાનો માહોલ છે. આ સ્થિતિ વચ્ચે સાઉદી અરેબિયામાં રહેતા ભારતીય નાગરિકો માટે ભારતીય દૂતાવાસે એડવાઇઝરી જાહેર કરી છે. દૂતાવાસે ભારતીયોને સાવચેત રહેવા, જરૂર હોય ત્યારે ઘરની અંદર રહેવા અને સ્થાનિક અધિકારીઓની સૂચનાઓનું પાલન કરવા જણાવ્યું છે.

સોશિયલ મીડિયા પર વીડિયો શેર ન કરવા સૂચના

ભારતીય દૂતાવાસે નાગરિકોને હાલની ઘટનાઓ સંબંધિત વીડિયો, તસવીરો અને સમાચારો સોશિયલ મીડિયા પર શેર કે રીપોસ્ટ ન કરવા અપીલ કરી છે. સાથે જ સત્તાવાર માધ્યમો દ્વારા મળતી માહિતી પર જ વિશ્વાસ રાખવા સૂચના આપવામાં આવી છે. દૂતાવાસે જણાવ્યું છે કે રિયાધ સ્થિત ભારતીય દૂતાવાસ અને જેદ્દાહ સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસની કામગીરી સામાન્ય રીતે ચાલુ છે. VFS મારફતે પૂરી પાડવામાં આવતી સેવાઓ પણ કાર્યરત છે. જરૂર પડ્યે નવી એડવાઇઝરી જાહેર કરવામાં આવશે.

ભારતીય નાગરિકો સહાય માટે 24 કલાકની PBSK હેલ્પલાઇન 8002471234 પર સંપર્ક કરી શકે છે.

ભારતે હુમલાની નિંદા કરી

સાઉદી અરેબિયાના એરપોર્ટ પર થયેલા હુમલાઓને ભારતના વિદેશ મંત્રાલયે વખોડી કાઢ્યા છે. મંત્રાલયે જણાવ્યું કે નાગરિક માળખાને નિશાન બનાવવું સ્વીકાર્ય નથી. ભારતે હુમલામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે અને ઘાયલ લોકો ઝડપથી સ્વસ્થ થાય તેવી શુભેચ્છા પાઠવી છે. આ સાથે સાઉદી અરેબિયાની સરકાર અને ત્યાંના લોકો પ્રત્યે એકતા પણ વ્યક્ત કરી છે.

બે હુમલામાં ત્રણ લોકોનાં મોત, 36 ઘાયલ

સાઉદી અરેબિયાની જનરલ ઓથોરિટી ઑફ સિવિલ એવિએશન (GACA)ના જણાવ્યા અનુસાર, અબહા અને કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અલગ-અલગ દિવસે હુમલા થયા હતા. 6 ઓક્ટોબરે અબહા એરપોર્ટ પર થયેલા હુમલામાં બે લોકોનાં મોત થયાં હતાં, જ્યારે 28 લોકો ઘાયલ થયા હતા. ત્યારબાદ 7 ઓક્ટોબરે રિયાધના કિંગ ખાલિદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર થયેલા હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું અને આઠ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આમ, બંને હુમલામાં કુલ ત્રણ લોકોનાં મોત થયાં અને 36 લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે.

મિસાઇલના કાટમાળથી કિન્ડરગાર્ટન અને ક્લિનિકને નુકસાન

સાઉદી અધિકારીઓના જણાવ્યા અનુસાર, રિયાધમાં એક બેલિસ્ટિક મિસાઇલને હવામાં જ અટકાવીને નષ્ટ કરવામાં આવી હતી. જોકે, તેના કાટમાળના કારણે એક કિન્ડરગાર્ટન અને મેડિકલ ક્લિનિકના પરિસરને નુકસાન પહોંચ્યું હતું. ઘટનાની જાણ થતાં જ સિવિલ ડિફેન્સની ટીમો સ્થળ પર પહોંચી હતી અને નુકસાનની તપાસ હાથ ધરી હતી. સાઉદી અધિકારીઓએ આ ઘટનાને હૂતી મિલિશિયા દ્વારા કરવામાં આવેલા મિસાઇલ હુમલા સાથે જોડી છે.

યમનમાં હૂતીનાં 82 સૈન્ય ઠેકાણાં નષ્ટ કરવાનો દાવો

સાઉદી અરેબિયાના નેતૃત્વ હેઠળના ગઠબંધને હુમલાઓ બાદ યમનમાં હૂતી મિલિશિયા સામે કાર્યવાહી કરી હતી. ગઠબંધનના પ્રવક્તા મેજર જનરલ તુર્કી અલ-માલિકીએ દાવો કર્યો હતો કે સંયુક્ત સેનાએ યમનના સાદા, અલ હુદાયદાહ, અલ જૌફ અને મારિબ પ્રાંતોમાં હૂતીનાં 82 સૈન્ય ઠેકાણાં નષ્ટ કર્યાં છે. ગઠબંધનના જણાવ્યા અનુસાર, સાઉદી અરેબિયાના નાગરિક વિસ્તારો અને માળખાને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલાઓનો જવાબ આપવામાં આવ્યો છે.

એર ઇન્ડિયા એક્સપ્રેસે 10 ઓક્ટોબર સુધી ફ્લાઇટ્સ રદ કરી

પ્રદેશમાં વણસતી સુરક્ષા સ્થિતિની અસર હવાઈ મુસાફરી પર પણ પડી છે. એર ઇન્ડિયા એક્સપ્રેસે રિયાધથી આવતી અને જતી તમામ ફ્લાઇટ્સ 10 ઓક્ટોબર સુધી રદ કરી હોવાની જાહેરાત કરી છે. એરલાઇનના જણાવ્યા અનુસાર, અસરગ્રસ્ત મુસાફરોને કોઈ વધારાના ચાર્જ વિના મુસાફરીની તારીખ બદલવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. મુસાફરો ટિકિટ રદ કરીને સંપૂર્ણ રિફંડ પણ મેળવી શકે છે. એરલાઇન પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.

Back to top button