ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

IND vs PAK: ફાતિમા સનાએ હારનું ઠીકરું ખેલાડીઓ પર ફોડ્યું, પોતાની બેટિંગ પર મૌન

કોલંબો, તા. 6 ઓક્ટોબર, 2025: આઈસીસી વિમેન્સ વર્લ્ડ કપ 2025 ની છઠ્ઠી મેચમાં ભારતીય મહિલા ટીમ અને પાકિસ્તાની મહિલા ટીમ આમને-સામને થઈ, જેમાં ભારતે શાનદાર પ્રદર્શન કરીને 88 રનથી જીત મેળવી હતી. આ સાથે જ વન-ડે ફોર્મેટમાં પાકિસ્તાન પર ભારતની આ સતત 12મી જીત હતી.

કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રવિવારે રમાયેલી આ મેચ બાદ પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સનાએ પોતાની જ ટીમના ખેલાડીઓ પર હારનો દોષ ઢોળી દીધો હતો અને પોતે માત્ર 2 રન બનાવી આઉટ થઈ હોવા છતાં પોતાની પરફોર્મન્સ પર એક પણ શબ્દ ઉચ્ચાર્યો નહોતો.

હાર બાદ પાકિસ્તાની કેપ્ટન ફાતિમા સના શું બોલી?
પોસ્ટ-મેચ પ્રેઝન્ટેશન દરમિયાન ફાતિમા સનાએ કહ્યું કે, “અમે પાવર પ્લેમાં ખૂબ વધારે રન આપ્યા, અને આ જ ભૂલ ડેથ ઓવર્સમાં પણ રહી. મને લાગ્યું હતું કે અમે તેમને 200 રનથી નીચે રોકી શકીશું.”

બેટિંગ અંગેના સવાલ પર તેમણે ટોપ ફાઇવમાં પાંચ બેટ્સમેનોને મોકલવાના નિર્ણયનો બચાવ કર્યો અને કહ્યું કે, “હવે તેમને (બેટ્સમેનોને) આગળ સારું પ્રદર્શન કરવું પડશે. અમારે ખુલીને રમવું પડશે, લાંબી ભાગીદારી કરવી પડશે અને પરિસ્થિતિઓ પ્રમાણે પોતાની રમતને ઢાળવી પડશે.” ઉલ્લેખનીય છે કે, ફાતિમા સનાએ પોતે 15 બોલમાં માત્ર 2 રન બનાવીને દીપ્તિ શર્માની બોલિંગ પર આઉટ થઈ હતી, પરંતુ તેમણે પોતાની બેટિંગ પર કોઈ ટીપ્પણી કરી નહોતી.

મેચનો ઘટનાક્રમ: હરલીન દેઓલની મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ
ભારતીય મહિલા ટીમ અને પાકિસ્તાન મહિલા ટીમ વચ્ચેના આ મુકાબલામાં, પહેલા બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમે શાનદાર બેટિંગ કરીને નિર્ધારિત 50 ઓવરમાં 10 વિકેટના નુકસાન પર 247 રન બનાવ્યા હતા.ભારતીય ટીમ તરફથી હરલીન દેઓલે સૌથી વધુ 46 રનની મહત્ત્વપૂર્ણ ઇનિંગ્સ રમી હતી. આ ઉપરાંત, પ્રતિકા રાવલે 31, જેમિમાએ 32 અને રિચા ઘોષે 35 રનનું યોગદાન આપ્યું હતું. જવાબમાં, પાકિસ્તાની મહિલા ટીમ તરફથી માત્ર સિદ્રા અમીને જ 81 રનની લડાયક ઇનિંગ્સ રમી હતી. નતાલિયા પરવેઝે 33 રન બનાવ્યા હતા, પરંતુ ક્રાંતિ ગૌડે તેને પણ પેવેલિયન ભેગી કરી દીધી હતી. જેના પરિણામે, પાકિસ્તાની ટીમ 43 ઓવરમાં 10 વિકેટના નુકસાન પર 159 રન જ બનાવી શકી હતી. ભારતીય મહિલા ટીમે આ મેચ 88 રનથી જીતી હતી.

Back to top button