ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયાવર્લ્ડ

યુદ્ધની ભારત પર અસર: મોંઘવારી, ખેતી અને ક્રૂડ ઓઈલનું બદલાતું ગણિત

Impact of war on India: મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈઝરાયેલના સમર્થનવાળા ગઠબંધન તથા ઈરાન વચ્ચે વધતો સંઘર્ષ અને બીજી તરફ વર્ષોથી ચાલુ રશિયા-યુક્રેન યુદ્ધ વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે મોટો પડકાર બની રહ્યા છે. બંને યુદ્ધોની સીધી અસર વિશ્વના અનેક દેશોની જેમ ભારત પર પણ પડી શકે છે. ખાસ કરીને ક્રૂડ ઓઈલ, મોંઘવારી, વેપાર, કૃષિ અને સંરક્ષણ ક્ષેત્રમાં તેની અસર વધુ જોવા મળી શકે છે.

ક્રૂડ ઓઈલ અને ઈંધણના ભાવમાં વધારો થવાની આશંકા

ઈરાન સાથેના તણાવને કારણે હોર્મુઝ જળમાર્ગ (Strait of Hormuz)માં તેલના પરિવહન પર અસર થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ માર્ગથી વિશ્વના મોટા પ્રમાણમાં ક્રૂડ ઓઈલની હેરફેર થાય છે. જો પુરવઠો ખોરવાશે તો આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલના ભાવ વધી શકે છે, જેના કારણે ભારતમાં પેટ્રોલ, ડીઝલ અને એલપીજી (LPG) મોંઘા થઈ શકે છે.

ભારતીય નિકાસ અને વેપાર પર દબાણ

મધ્ય પૂર્વમાં અસ્થિરતા વધે તો ખાડી દેશોમાં ભારતના ઇલેક્ટ્રોનિક્સ, સ્માર્ટફોન સહિત અનેક ઉત્પાદનોની નિકાસ પર અસર પડી શકે છે. સમુદ્રી પરિવહન અને વીમા ખર્ચમાં વધારો થવાથી વેપારીઓ માટે પડકારો ઊભા થઈ શકે છે.

ભારતની સંતુલિત ડિપ્લોમેસી

ભારત અમેરિકા, ઈઝરાયેલ, ઈરાન અને ખાડી દેશો સાથે સારા સંબંધો જાળવી રાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. ભારત સરકારે બંને પક્ષોને શાંતિ જાળવવાની અપીલ કરી છે અને ઊર્જા સુરક્ષા તેમજ મધ્ય પૂર્વમાં રહેતા લાખો ભારતીયોની સલામતીને પ્રાથમિકતા આપી છે.

રશિયા-યુક્રેન યુદ્ધથી ખાતર અને ખેતી પર અસર

રશિયા ભારત માટે રાસાયણિક ખાતરનો મહત્વનો સપ્લાયર છે. યુદ્ધને કારણે સપ્લાય ચેઇનમાં વિક્ષેપ આવતાં ખાતરના ભાવમાં વધારો થઈ શકે છે, જે ખેડૂતોના ઉત્પાદન ખર્ચ અને સરકારના સબસિડી ખર્ચમાં વધારો કરી શકે છે.

સનફલાવર ઑઈલની અવેઈલિબિલીટી પર અસર

યુક્રેન વિશ્વના મોટા સનફલાવર ઑઈલ એક્સપોર્ટર દેશોમાંનો એક છે. યુદ્ધને કારણે પુરવઠો પ્રભાવિત થતા ભારતીય બજારમાં ખાદ્ય તેલના ભાવ ઊંચા રહેવાની શક્યતા છે.

રશિયાથી સસ્તા ક્રૂડ ઓઈલનો લાભ

પશ્ચિમી પ્રતિબંધો બાદ રશિયાએ ભારતને ડિસ્કાઉન્ટ દરે ક્રૂડ ઓઈલની સપ્લાય વધારી છે. તેના કારણે ભારતને આયાત ખર્ચ ઘટાડવામાં અને સ્થાનિક બજારમાં ઈંધણના ભાવ પર નિયંત્રણ રાખવામાં કેટલીક હદ સુધી મદદ મળી છે.

સંરક્ષણ ક્ષેત્રમાં પડકાર

ભારતીય સેનાના અનેક લડાકૂ વિમાનો, મિસાઈલ સિસ્ટમ અને અન્ય સંરક્ષણ સાધનો રશિયન ટેક્નોલોજી પર આધારિત છે. યુદ્ધના કારણે સ્પેર પાર્ટ્સ અને નવા સાધનોની સપ્લાયમાં વિલંબ થવાની શક્યતા રહે છે.

શેરબજાર અને રૂપિયાની કિંમત પર અસર

વૈશ્વિક તણાવ વધતાં રોકાણકારોમાં અનિશ્ચિતતા વધે છે, જેના કારણે ભારતીય શેરબજારમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. સાથે જ ક્રૂડ ઓઈલ મોંઘું થતાં ડોલરની માંગ વધે અને ભારતીય રૂપિયો નબળો પડી શકે છે.

ભારત માટે સૌથી મોટો પડકાર શું છે?

નિષ્ણાતોના મતે ભારત માટે સૌથી મોટા પડકારો ઊર્જા સુરક્ષા, મોંઘવારી પર નિયંત્રણ, કૃષિ ક્ષેત્રને પૂરતો પુરવઠો અને વૈશ્વિક વેપાર વચ્ચે સંતુલન જાળવવાના રહેશે. જોકે, ભારતની સંતુલિત વિદેશ નીતિ અને વિવિધ દેશો સાથેના સંબંધો આ પડકારોને પહોંચી વળવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.

Back to top button