કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝ

સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિની અસર: ગારિયાધારના MLAએ CMને પત્ર લખી શું કરી માંગ?

ગાંધીનગર, 19 જૂન 2025: સૌરાષ્ટ્રના ગારિયાધાર, જેસર અને મહુવા તાલુકાઓમાં ગઈ કાલે વરસેલા ધોધમાર વરસાદને લઈને સ્થિતિ ગંભીર બની છે. આ વિસ્તારમાં 10થી 12 ઇંચ સુધી વરસાદ નોંધાતા અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. જેને પગલે ગારિયાધાર વિધાનસભાના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીએ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક સર્વેના આધારે સહાય પુરી પાડવાની માગ ઉઠાવી છે.

ધારાસભ્યે પત્રમાં જણાવ્યા મુજબ ભારે વરસાદના કારણે ખેડૂતોની ઊભા પાકવાળી જમીનનું ધોવાણ થયું છે, તેમજ અનેક ગ્રામ્ય વિસ્તારોના રસ્તાઓ, નાળાઓ અને કોઝવે તૂટી પડ્યા છે. જેના કારણે લોકોના રોજિંદા જીવનમાં મુશ્કેલી ઉભી થઈ છે.

વાઘાણીએ સરકારી તંત્રને આ વિસ્તારમાં તાત્કાલિક કામગીરી શરૂ કરી અસરગ્રસ્ત ગામોનો સર્વે કરવા તેમજ ખેડૂતો અને સ્થાનિક લોકોને રાહત આપવા અનુરોધ કર્યો છે. પત્રની નકલ કૃષિ મંત્રી શ્રી રાઘવજી પટેલને પણ મોકલવામાં આવી છે.

વરસાદી માહોલ વચ્ચે આમ સ્થાનિક જનપ્રતિનિધિઓ દ્વારા યોગ્ય સમયે તંત્રને સજાગ કરવા પ્રયત્નો શરૂ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો: કડી અને વિસાવદર પેટા ચૂંટણી મતદાન માટે હવે અંતિમ કલાક બાકી અત્યાર સુધી કેટલું થયું મતદાન?

Back to top button