ગુજરાતટોપ ન્યૂઝનેશનલ

ગુજરાતમાં વરસાદે મચાવી તબાહી: ઉમરપાડામાં 8 ઇંચ વરસાદ, અનેક રસ્તા બંધ, દેશભરમાં એલર્ટ

31/07/2026: ગુજરાતમાં ચોમાસાએ હવે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)ની આગાહી મુજબ રાજ્યમાં એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય થતાં આગામી 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શુક્રવારે સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી રાજ્યના 115 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો, જેમાં સુરત જિલ્લાના ઉમરપાડામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યના 9 તાલુકાઓમાં 5 ઇંચથી વધુ વરસાદ થતાં અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે.

આ તરફ દેશભરમાં પણ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં ચોમાસું વધુ સક્રિય બનવાની આગાહી કરવામાં આવી છે. મહારાષ્ટ્ર ઉપર સર્જાયેલા ડીપ ડિપ્રેશનના કારણે પશ્ચિમ અને મધ્ય ભારતમાં ભારે વરસાદનો દોર ચાલુ રહેવાની શક્યતા છે. ગુજરાતમાં પરિસ્થિતિને જોતા સેના સ્ટેન્ડબાય પર રાખવામાં આવી છે, જ્યારે રાજ્ય સરકાર દ્વારા તમામ અધિકારીઓની રજાઓ રદ કરીને 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે.

9 જિલ્લામાં રેડ એલર્ટ, અનેક જિલ્લામાં ઓરેન્જ અને યલો એલર્ટ

હવામાન વિભાગે બપોરે 1 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, ભાવનગર, આણંદ, ખેડા, ભરૂચ, અરવલ્લી અને નર્મદા જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું હતું.

31 જુલાઈના રોજ અમદાવાદ, બોટાદ, ભાવનગર, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ અને દાદરા-નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ગાંધીનગર, ખેડા, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરીને ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ઉમરપાડામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ, અનેક તાલુકા જળબંબાકાર

સવારે 6 વાગ્યાથી બપોરના 12 વાગ્યા દરમિયાન રાજ્યના 115 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. સુરત જિલ્લાના ઉમરપાડામાં સૌથી વધુ 8 ઇંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યના 9 તાલુકાઓમાં 5 ઇંચથી વધુ વરસાદ નોંધાતા રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં જનજીવન પ્રભાવિત થયું હતું.

નવસારીમાં 15 મિનિટમાં રસ્તા નદી બન્યા, કરંટથી 3 મજૂરોના મોત

નવસારી જિલ્લામાં ભારે વરસાદને કારણે માત્ર 15 મિનિટમાં જ શહેરના અનેક રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. વાહનચાલકો રસ્તા વચ્ચે અટવાઈ ગયા હતા.

ગણદેવી તાલુકાના ગણદેવા ગામ નજીક દુઃખદ અકસ્માત સર્જાયો હતો. એક ટેમ્પો હાઈટેન્શન વીજ વાયર સાથે અડી જતાં ટેમ્પોમાં સવાર મજૂરોને વીજકરંટ લાગ્યો હતો. ઘટનાસ્થળે જ ત્રણ મજૂરોના મોત થયા હતા. બે ઘાયલોને ખારેલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યારે વધુ એક ગંભીર ઈજાગ્રસ્તને સુરત રિફર કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતાં જ ગણદેવી પોલીસનો કાફલો સ્થળે પહોંચ્યો હતો. કેન્દ્રીય મંત્રી નરેશ પટેલ સહિત સ્થાનિક આગેવાનો પણ ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

સુરતમાં ભેદવાડ ખાડી ઓવરફ્લો, VIP રોડ પર પૂર જેવી સ્થિતિ

સુરત શહેરમાં સતત વરસાદને કારણે ભેદવાડ ખાડી ભયજનક સપાટી વટાવી ગઈ છે. ખાડીની ભયજનક સપાટી 7.2 મીટર સામે પાણીનું સ્તર 7.30 મીટર સુધી પહોંચી ગયું હતું. VIP રોડ-1 અને VIP રોડ-2 વચ્ચે આવેલી અનેક રહેણાંક સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા હતા. સુમન ભાર્ગવ આવાસ સહિતના વિસ્તારોમાં લોકો ઘરમાં જ કેદ થઈ ગયા હતા. નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધતા તંત્ર સતત નજર રાખી રહ્યું છે.

રાજપીપળા-સિસોદરા માર્ગ ધોવાયો

નર્મદા જિલ્લામાં ભારે વરસાદના કારણે રાજપીપળા-સિસોદરા માર્ગ ધોવાઈ ગયો હતો, જેના કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો. અનેક ગામો વચ્ચેનો સંપર્ક તૂટ્યો હતો અને લોકોને લાંબા ચક્કર મારીને મુસાફરી કરવી પડી હતી.

છોટાઉદેપુરમાં બે સ્થળે રેસ્ક્યૂ

નસવાડી તાલુકામાં અશ્વિન નદીમાં અચાનક ઘોડાપૂર આવતાં એક યુવક વચ્ચે ફસાઈ ગયો હતો. ફાયર બ્રિગેડ અને સ્થાનિક તંત્રએ સમયસર રેસ્ક્યૂ કરીને તેને સુરક્ષિત બહાર કાઢ્યો હતો. તિલકવાડાના ગૌચરિયા ગામે પૂર વચ્ચે ઝાડ પર ફસાયેલા અન્ય એક યુવકને પણ સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યો હતો.

વડોદરા, નડિયાદ અને બાલાસિનોરમાં પાણી-પાણી

વડોદરામાં આશરે 2 ઇંચ વરસાદ પડતાં શહેરના અનેક માર્ગો પર નદી જેવી સ્થિતિ સર્જાઈ હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નડિયાદમાં એક ઇંચથી વધુ વરસાદમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા, જ્યારે બાલાસિનોરમાં પોણા ત્રણ ઇંચ વરસાદ પડતાં મુખ્ય બજારમાં પાણીનો પ્રવાહ વહેતો જોવા મળ્યો હતો.

અમદાવાદમાં રેડ એલર્ટ છતાં તડકો

હવામાન વિભાગે અમદાવાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું હોવા છતાં શહેરમાં ઘણા વિસ્તારોમાં તડકો જોવા મળ્યો હતો. જોકે આગામી કલાકોમાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને શાળાઓ અને કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે.

એકસાથે ચાર વરસાદી સિસ્ટમ સક્રિય

હાલ રાજ્ય ઉપર ચાર મુખ્ય વરસાદી સિસ્ટમ સક્રિય છે.

  • ડીપ ડિપ્રેશન
  • મોનસૂન ટ્રફ
  • અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ

હવામાન વિભાગના ડિરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર આ ચારેય સિસ્ટમના સંયુક્ત પ્રભાવને કારણે 2 ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. કેટલાક વિસ્તારોમાં થંડરસ્ટોર્મની પણ શક્યતા છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 40થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપવામાં આવી છે.

પાવાગઢ ધુમ્મસમાં લપેટાયો, યાત્રા ટાળવા અપીલ

પંચમહાલ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ વચ્ચે હાલોલ, કાલોલ અને જાંબુઘોડા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. સતત વરસાદને કારણે પાવાગઢ ડુંગર ધુમ્મસની ચાદરમાં લપેટાઈ ગયો હતો. જિલ્લા તંત્ર અને મહાકાળી મંદિર ટ્રસ્ટે આગામી બે દિવસ સુધી યાત્રા ટાળવા અપીલ કરી છે. જો વરસાદ ચાલુ રહેશે તો માચીથી મહાકાળી મંદિર સુધીનો રોપવે અને પગથિયાંનો માર્ગ સુરક્ષાના કારણોસર બંધ કરવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

દેશભરમાં ઓગસ્ટમાં વધુ સક્રિય બનશે ચોમાસું

IMDના જણાવ્યા મુજબ દેશમાં વરસાદની ખાધ હવે ઘટીને માત્ર 14 ટકા રહી છે. મહારાષ્ટ્ર ઉપર સર્જાયેલું ડીપ ડિપ્રેશન અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાંથી સતત ભેજ ખેંચી રહ્યું છે, જેના કારણે મધ્ય ભારત અને પશ્ચિમ ભારતમાં વરસાદ વધુ તેજ બનશે. હવામાન વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ટૂંક સમયમાં બંગાળની ખાડીમાં વધુ એક લો-પ્રેશર એરિયા બનવાની શક્યતા છે, જેના કારણે ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં પણ ભારે વરસાદ ચાલુ રહેશે. આ વરસાદથી જળાશયો ભરાશે અને ખરીફ પાકને પણ મોટો ફાયદો થશે.

ગુજરાતમાં હાઈ એલર્ટ, સેના સ્ટેન્ડબાય પર

ગાંધીનગરમાં વધારાના મુખ્ય સચિવ ડૉ. જયંતિ રવિએ તમામ જિલ્લા અધિકારીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ કરીને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી. તમામ અધિકારીઓની રજાઓ રદ કરવામાં આવી છે. દરેક જિલ્લામાં 24 કલાક કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. NDRF અને SDRFની ટીમોને સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરવામાં આવી છે. જરૂર પડે તો સેના, નૌકાદળ અને વાયુસેનાને પણ રાહત અને બચાવ કામગીરી માટે તૈયાર રાખવામાં આવ્યા છે.

હિમાચલ, દિલ્હી, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને બિહારમાં પણ વરસાદની અસર

હિમાચલ પ્રદેશમાં ઊના, બિલાસપુર, ચંબા, કાંગડા અને શિમલામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર વધતાં ઓખલા બેરાજના ચાર દરવાજા ખોલવામાં આવ્યા છે. ગુરુગ્રામમાં જળબંબાકાર મામલે બેદરકારી બદલ જુનિયર એન્જિનિયરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે.

રાજસ્થાનના અલવરમાં બસ પાણીમાં ફસાઈ હતી જેને JCBની મદદથી બહાર કાઢવામાં આવી હતી. ઉત્તર પ્રદેશના બુલંદશહરમાં નાળામાં તણાયેલી વિદ્યાર્થીનીની શોધખોળ ચાલુ છે. પંજાબના લુધિયાણામાં રસ્તો ધસી જતાં કાર ખાડામાં ખાબકી હતી, જ્યારે બિહારના કટિહારમાં ગંગા અને કોસી નદીના ધોવાણથી અનેક ગામોમાં ચિંતા ફેલાઈ છે.

અમરનાથ યાત્રા સ્થગિત

જમ્મુ-કાશ્મીરમાં સતત ભારે વરસાદને કારણે શુક્રવારની અમરનાથ યાત્રા સ્થગિત કરવામાં આવી છે. પવિત્ર ગુફા નજીક અચાનક પાણીનો જોરદાર પ્રવાહ જોવા મળતાં યાત્રાળુઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવામાન વિભાગે આગામી કેટલાક દિવસો સુધી નદી-નાળા, ડેમ અને નીચાણવાળા વિસ્તારોની નજીક ન જવા, વીજ તારોથી દૂર રહેવા તથા સ્થાનિક વહીવટી તંત્રની સૂચનાઓનું પાલન કરવાની અપીલ કરી છે.

આ પણ વાંચો: ભારતીય કંપની પર ઈરાનની મદદનો આરોપ, અમેરિકાએ લીધુ એક્શન, લગાવ્યો પ્રતિબંધ

Back to top button