ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ
ફ્રિજમાં વારંવાર પાણી ટપકે છે? મિકેનિકને બોલાવતા પહેલાં કરી લો આ કામ

How to fix water leakage in fridge: ફ્રિજ ખોલતાં જ શેલ્ફ પર પાણીના ટીપાં દેખાય કે શાકભાજીની ટ્રે નીચે પાણી જમા થવા લાગે, તો તેનો અર્થ એવો નથી કે ફ્રિજ ખરાબ થઈ ગયું છે. દરવાજાની રબર સીલ, ખોટું તાપમાન સેટિંગ, ડ્રેઈન લાઈનમાં બ્લોકેજ અથવા ખોરાક રાખવાની ખોટી રીત પણ આનું કારણ હોઈ શકે છે. મિકેનિકને બોલાવીને મોંઘો ખર્ચ કરતા પહેલાં તમે આ સરળ ઘરગથ્થુ ઉપાયોથી સમસ્યા દૂર કરી શકો છો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
દરવાજાની રબર સીલ (Rubber Seal) ચેક કરો
જો ફ્રિજનો દરવાજો સંપૂર્ણ બંધ ન થતો હોય તો બહારની ગરમ અને ભેજવાળી હવા અંદર પ્રવેશ કરે છે, જે બાદમાં પાણીના ટીપાં બની જાય છે. દરવાજાની રબર સીલમાં જમા થયેલી ગંદકી સાફ કરો. રબર ઢીલી થઈ ગઈ છે કે નહીં તે ચકાસવા દરવાજા વચ્ચે કાગળ મૂકી બંધ કરો; જો કાગળ સહેલાઈથી ખેંચાઈ જાય તો સીલ બદલવાની કે સરખી કરવાની જરૂર છે.
યોગ્ય ટેમ્પરેચર (તાપમાન) સેટ કરો
સામાન્ય રીતે ફ્રિજનું તાપમાન 2 થી 4 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે હોવું જોઈએ. વધારે પડતું તાપમાન રાખવાથી અંદરનો ભેજ પાણીમાં ફેરવાઈ જાય છે. જ્યારે ખૂબ ઓછું તાપમાન રાખવાથી પાછળની દીવાલ પર બરફ જામી જાય છે, જે પાછળથી પીગળીને પાણીનું રૂપ લે છે.
ગરમ ખોરાક સીધો ફ્રિજમાં ન મૂકો
ગરમ દાળ, શાક કે ભાત સીધા ફ્રિજમાં મૂકવાની ભૂલ ન કરો. ગરમ ખોરાકની વરાળ ઠંડી હવાના સંપર્કમાં આવતાં જ પાણીના ટીપાં બની જાય છે. ખોરાકને પહેલાં રૂમ ટેમ્પરેચર પર ઠંડો થવા દો અને પછી જ ફ્રિજમાં રાખો.
વાસણો ખુલ્લા રાખવાની આદત છોડો
શાકભાજી, ફળો અને રાંધેલો ખોરાક કુદરતી રીતે ભેજ છોડે છે. તેને ખુલ્લા રાખવાથી ફ્રિજની અંદર ભેજ વધે છે. ખોરાકને હંમેશા એર-ટાઈટ ઢાંકણવાળા ડિબ્બામાં જ રાખો અને શાકભાજી ધોયા પછી સુકવીને જ મૂકો.
ફ્રિજને સામાનથી ઠાંસીને ન ભરો
ફ્રિજમાં વધુ પડતો સામાન ભરવાથી અંદર ઠંડી હવાની અવરજવર (Air Circulation) બંધ થઈ જાય છે. એર વેન્ટ્સ (Air Vents) ની સામે અને પાછળની દીવાલને અડીને સામાન ન મૂકો જેથી તાપમાન એકસરખું રહે.
ડ્રેઈન હોલ (Drain Line) ની સફાઈ કરો
જો શાકભાજીની ટ્રે નીચે પાણી સતત જમા થતું હોય તો ડ્રેઈન હોલમાં કચરો ફસાયેલો હોઈ શકે છે. ફ્રિજ બંધ કરીને ડ્રેઈન હોલમાંથી કચરો હળવા હાથે સાફ કરી લો.
ફ્રિજનું લેવલ સપાટ રાખો
જો ફ્રિજ એક તરફ નમેલું હોય તો અંદરનું પાણી યોગ્ય રીતે ડ્રેઈન સુધી પહોંચી શકતું નથી. ફ્રિજને હંમેશા સમતલ જગ્યા પર જ રાખો.
ક્યારે મિકેનિકની જરૂર પડશે?
આ તમામ ઉપાયો અજમાવ્યા પછી પણ જો પાણી સતત જમા થતું રહે, તો ફ્રિજના અંદરના કોઈ ટેકનિકલ પાર્ટમાં ખામી હોઈ શકે છે. આ પરિસ્થિતિમાં પ્રોફેશનલ મિકેનિકની મદદ લેવી શ્રેષ્ઠ રહેશે.
આ પણ વાંચોઃ ઓનલાઈન શોપિંગમાં હવે નહીં ચાલે ફેક ડિસ્કાઉન્ટની રમત, સરકાર લાવી રહી છે નવો કડક નિયમ












