ગુજરાત યુનિવર્સિટીમાં વાયરલ ચેટ્સનો મામલો ગરમાયો, હવે જગદીશ જોશીનું નામ
Ahmedabad : રાજ્યની સૌથી જૂની અને પ્રતિષ્ઠિત ગુજરાત યુનિવર્સિટીમાંથી વિવાદો અટકવાનું નામ નથી લઈ રહ્યા. પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા સામે ચાલી રહેલી વિવિધ કથિત ગેરરીતિઓની તપાસ વચ્ચે હવે વર્તમાન ઇન્ચાર્જ કુલપતિ ડૉ. જગદીશ જોશી સામે પણ ગંભીર આક્ષેપો ઊઠ્યા છે. એક તરફ કેમેસ્ટ્રી વિભાગના એમએસસી (MSc)ના વિદ્યાર્થીઓ પ્રાયોગિક અભ્યાસ માટે લેબોરેટરીની સુવિધા ન હોવાથી હેરાન-પરેશાન થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ ઇન્ચાર્જ વીસી તરીકે કાર્યભાર સંભાળ્યાના માત્ર ત્રણ મહિનામાં જ તેમના સરકારી બંગલાનું રિનોવેશન શરૂ કરાયું હોવાના દાવા કરતી કથિત વોટ્સએપ ચેટ્સ સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મોટો વિવાદ ઊભો થયો છે.
વિદ્યાર્થીઓનું સેમેસ્ટર પૂરું થવા આવ્યું પણ લેબ ન બની: HODનું નિવેદન
વાયરલ ચેટ્સમાં સામે આવેલા દાવા મુજબ, કેમેસ્ટ્રી વિભાગમાં પૂરતી પ્રાયોગિક સુવિધાઓ ન હોવાથી વિદ્યાર્થીઓ લાંબા સમયથી રજૂઆતો કરી રહ્યા હતા. આ મામલે કેમેસ્ટ્રી વિભાગના વડા (HOD) પ્રો. હિતેશ પટેલે સ્પષ્ટતા કરતાં જણાવ્યું કે, “વિદ્યાર્થીઓ તરફથી નવી લેબ તૈયાર કરવા માટે વારંવાર લેખિત અરજીઓ આવી રહી હતી. સેમેસ્ટર પૂર્ણ થવાના આરે છે છતાં વિદ્યાર્થીઓ પ્રાયોગિક કામથી વંચિત રહેતા હોવાથી મેં વહીવટી તંત્રને સત્તાવાર લેખિતમાં રજૂઆત કરી હતી. મેં આ રજૂઆત સંપૂર્ણપણે વિદ્યાર્થીઓના શૈક્ષણિક હિતમાં કરી હતી, પરંતુ તંત્ર સાથે થયેલી વાતચીતની ચેટ કેવી રીતે બહાર આવી અને વાયરલ થઈ તેની મને કોઈ જાણ નથી.”
આ પણ વાંચો:Facebook યુઝર્સની પ્રાઇવસી પર મોટો ચુકાદો, Meta પર ₹2.3 લાખ કરોડનો દંડ!
ઇન્ચાર્જ કુલપતિનો ખુલાસો: ‘મારા બંગલાનું નહીં, બાજુના જર્જરિત મકાનનું કામ ચાલે છે’
પોતાના પર લાગેલા આરોપો અંગે ઇન્ચાર્જ કુલપતિ પ્રો. જગદીશ જોશીએ સ્પષ્ટતા આપતાં જણાવ્યું કે, “મારા સત્તાવાર બંગલામાં હાલ કોઈ રિનોવેશન કામ ચાલી રહ્યું નથી. મારા બંગલાની બાજુમાં આવેલું એક રહેઠાણ ખૂબ જર્જરિત થઈ ગયું હોવાથી તેનું સમારકામ હાથ ધરાયું છે. કેમેસ્ટ્રી લેબ માટે મારી સમક્ષ કોઈ બિલ પેન્ડિંગ રખાયું નથી. વિદ્યાર્થીઓના પ્રાયોગિક કાર્ય માટે નવી બિલ્ડિંગમાં વૈકલ્પિક વ્યવસ્થા રૂપે બીજી લેબની શરૂઆત કરી દેવાઈ છે. આ ઉપરાંત અદ્યતન કેમેસ્ટ્રી લેબના નિર્માણ માટે ₹21 કરોડના ખર્ચે રાજ્ય સરકારને વિશેષ દરખાસ્ત (Proposal) પણ મોકલવામાં આવી છે. સમગ્ર મામલે તપાસ કરી લેબનું કામ વહેલી તકે પૂર્ણ કરાવાશે.”
અગાઉના વિવાદોની પૃષ્ઠભૂમિ
પૂર્વ કુલપતિ પ્રો. નીરજા ગુપ્તાના કાર્યકાળ દરમિયાન બનેલી ઘટનાઓ, પ્રોજેક્ટ ફાળવણી અને કથિત નાણાકીય અનિયમિતતાઓની તપાસ માટે સરકાર દ્વારા રચાયેલી તપાસ સમિતિ હજુ કાર્યરત છે, ત્યાં જ વર્તમાન વહીવટ સામે પણ પક્ષપાતી વલણના આક્ષેપો સામે આવતાં યુનિવર્સિટીની શાખ ફરી દાવ પર લાગી છે.
આ પણ વાંચો:IIMની ડિગ્રી છોડી ₹5,000થી શરૂ કરી બેકરી, શાર્ક ટેન્કમાં મળી ₹1 કરોડની ડીલ!












