ગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટના જીવનનગર મહાદેવધામમાં ગુરુપૂર્ણિમાએ સામુહિક સત્યનારાયણ કથા, ભક્તોને જોડાવા આમંત્રણ

Guru Purnima Rajkot: રાજકોટના જીવનનગર વિસ્તારમાં આવેલી રામેશ્વર મહાદેવધામ ખાતે ગુરુપૂર્ણિમાના પાવન અવસર પર સામુહિક સત્યનારાયણ કથાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. જીવનનગર વિકાસ સમિતિના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાદેવધામ મહિલા મંડળ દ્વારા 29 જુલાઈ, બુધવારના રોજ સાંજે 4 વાગ્યે આ ધાર્મિક કાર્યક્રમ યોજાશે.

આ આયોજનનો હેતુ વધુમાં વધુ શ્રદ્ધાળુઓને સામૂહિક પૂજા, કથા અને આરતીમાં જોડવાનો છે. આયોજકોના જણાવ્યા અનુસાર, કથામાં ભાગ લેવા ઇચ્છુકોએ પોતાના સાથે ગણપતિજીની મૂર્તિ તથા જરૂરી પૂજન સામગ્રી લાવવાની રહેશે. પરિવાર, સગા-સંબંધીઓ અને મિત્રવર્તુળ સાથે ઉપસ્થિત રહી સૌ ધાર્મિક લાભ મેળવી શકશે.

મહાદેવધામ મહિલા મંડળના વ્યવસ્થાપક સુનિતાબેન વ્યાસે જણાવ્યું હતું કે ગુરુપૂર્ણિમાના પવિત્ર દિવસે યોજાનારી આ કથા ભક્તિ અને આધ્યાત્મિકતાનું અનોખું કેન્દ્ર બનશે. તેમણે જણાવ્યું કે કથા બાદ મહાઆરતી અને પ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું છે. સાથે જ દરેક શ્રદ્ધાળુને તુલસીપત્ર સાથે લાવવા અનુરોધ કરવામાં આવ્યો છે, જેને ભાવાત્મક યજ્ઞનું પ્રતીક માનવામાં આવશે.

આગામી શ્રાવણ માસ દરમિયાન મહાદેવધામ ખાતે ભગવાન શિવના વિશેષ પૂજન-અર્ચનના કાર્યક્રમો તેમજ નવરાત્રિ મહોત્સવ માટેના પ્રવેશ ફોર્મ અંગે પણ જાહેરાત કરવામાં આવશે. મંદિર દ્વારા વર્ષભર વિવિધ શાસ્ત્રોક્ત ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવે છે, જેમાં સ્થાનિક ભક્તો ઉત્સાહપૂર્વક ભાગ લે છે.

કાર્યક્રમની સફળતા માટે મહિલા મંડળના શોભનાબેન ભાણવડિયા, યોગીતાબેન જોબનપુત્રા સહિતના સભ્યોએ બેઠક વ્યવસ્થા, પ્રસાદ અને મહાઆરતીની જવાબદારી સંભાળી છે. ઉપરાંત જીવનનગર વિકાસ સમિતિના કાર્યકરો પણ સમગ્ર આયોજનને સફળ બનાવવા સક્રિય રીતે તૈયારીઓમાં જોડાયા છે.

આયોજકોએ જણાવ્યું છે કે સામુહિક સત્યનારાયણ કથામાં ભાગ લેવા ઇચ્છુક શ્રદ્ધાળુઓ વધુ માહિતી અને નોંધણી માટે જીવનનગર શેરી નં. 4, અનિલ જ્ઞાન મંદિર પાછળ, બ્રહ્મસમાજ પાસે સ્થિત મહાદેવધામ ખાતે અથવા મહિલા મંડળના પ્રતિનિધિઓનો સંપર્ક કરી શકે છે.

આ પણ વાંચો: અસમ, પશ્ચિમ બંગાળ અને બિહારમાં વિદ્યાર્થીઓ સામે કાર્યવાહી બંધ કરો: CJPનું કેન્દ્ર સરકારને અલ્ટિમેટમ

Back to top button