ગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત બનશે વધુ સ્માર્ટ અને સુરક્ષિત: 2030 સુધી તમામ શહેરો થશે ‘વાયર ફ્રી’, કેબિનેટે આપી મંજૂરી

Gujarat Wire Free City Mission: ગુજરાતના શહેરી વિકાસને નવી દિશા આપતા રાજ્ય સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટ બેઠકમાં ‘ગુજરાત વાયર ફ્રી સિટી મિશન’ને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવી છે. આ મિશન અંતર્ગત વર્ષ 2030 સુધીમાં રાજ્યના તમામ શહેરોને તબક્કાવાર રીતે વાયર ફ્રી બનાવવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકારના આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટને સ્માર્ટ અને ગ્રીન ગુજરાતના નિર્માણ તરફનું એક ઐતિહાસિક પગલું માનવામાં આવી રહ્યું છે. પ્રારંભિક તબક્કામાં આ યોજના માટે રૂ. 500 કરોડની જોગવાઈ મંજૂર કરવામાં આવી છે.

17 મહાનગરપાલિકા અને 151 નગરપાલિકા વિસ્તારને મળશે લાભ

કેબિનેટના નિર્ણય અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી જીતું વાઘાણીએ જણાવ્યું હતું કે, આ મિશન હેઠળ રાજ્યની તમામ 17 મહાનગરપાલિકાઓ અને 151 નગરપાલિકા વિસ્તારોને આવરી લેવામાં આવશે. પરિણામે રાજ્યના લાખો નાગરિકોને વધુ સુરક્ષિત અને આધુનિક વીજ વિતરણ વ્યવસ્થાનો લાભ મળશે. સરકારના મતે આ યોજના માત્ર વીજ પુરવઠાની સુવિધા પૂરતી મર્યાદિત નથી, પરંતુ શહેરોની સુંદરતા વધારવા અને શહેરી માળખાકીય સુવિધાઓને આંતરરાષ્ટ્રીય ધોરણ મુજબ વિકસાવવા માટે પણ મહત્વપૂર્ણ સાબિત થશે.

ઓવરહેડ વાયરનો થશે અંત

હાલમાં મોટા ભાગના શહેરોમાં વીજ વિતરણ માટે રસ્તાઓ ઉપરથી પસાર થતી ઓવરહેડ વીજ લાઈનોનો ઉપયોગ થાય છે. વાયર ફ્રી સિટી મિશન હેઠળ આ તમામ લાઈનોને તબક્કાવાર રીતે જમીનની અંદર નાખવામાં આવનાર અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્કમાં રૂપાંતરિત કરવામાં આવશે. યોજનાના ભાગરૂપે 14,600 સર્કિટ કિલોમીટરથી વધુ હાઈ ટેન્શન ઓવરહેડ નેટવર્ક અને 31,400 સર્કિટ કિલોમીટરથી વધુ લો ટેન્શન ઓવરહેડ નેટવર્કને ભૂમિગત બનાવવામાં આવશે.

પ્રથમ તબક્કામાં 11 KV લાઈનો ભૂમિગત કરાશે

સરકારે જણાવ્યું છે કે પ્રોજેક્ટના પ્રથમ તબક્કામાં શહેરોમાં આવેલી 11 KV ઓવરહેડ વીજ લાઈનોને અંડરગ્રાઉન્ડ કેબલમાં પરિવર્તિત કરવામાં આવશે. ત્યારબાદ લો ટેન્શન લાઈનોને પણ તબક્કાવાર રીતે ભૂમિગત કરવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ શહેરોમાં વીજ થાંભલા અને તારના જાળામાં નોંધપાત્ર ઘટાડો થશે, જેના કારણે રસ્તાઓ વધુ વ્યવસ્થિત અને આકર્ષક દેખાશે.

વાવાઝોડા અને કુદરતી આફતો સામે વધશે સુરક્ષા

ગુજરાત દરિયાકાંઠાનો મોટો વિસ્તાર ધરાવતું રાજ્ય હોવાથી અહીં વાવાઝોડા અને ભારે પવન જેવી કુદરતી આફતોનો ખતરો રહેતો હોય છે. ઘણી વખત ઓવરહેડ વીજ લાઈનો તૂટી જવાથી વીજ પુરવઠો ખોરવાઈ જાય છે અને અકસ્માતો સર્જાય છે. અંડરગ્રાઉન્ડ કેબલિંગ થવાથી આવી સમસ્યાઓમાં નોંધપાત્ર ઘટાડો થશે. વાવાઝોડા, ભારે વરસાદ કે તોફાની પવન દરમિયાન વાયર તૂટવાની, શોર્ટ સર્કિટ થવાની અને વીજ અકસ્માતોની શક્યતા ઓછી થશે. પરિણામે જનજીવન વધુ સુરક્ષિત બનશે.

વીજ પુરવઠો બનશે વધુ વિશ્વસનીય

વિદ્યુત નિષ્ણાતોના મતે અંડરગ્રાઉન્ડ કેબલ નેટવર્કથી ટેકનિકલ ખામીઓ અને ટ્રિપિંગની સમસ્યામાં ઘટાડો થાય છે. જેના કારણે ગ્રાહકોને વધુ સ્થિર અને અવિરત વીજ પુરવઠો મળી શકે છે.આ ઉપરાંત વીજ નુકસાનમાં પણ ઘટાડો થશે અને જાળવણી ખર્ચ લાંબા ગાળે ઓછો થઈ શકે છે.

સ્માર્ટ ગુજરાત તરફનું ઐતિહાસિક પગલું

રાજ્ય સરકારના જણાવ્યા મુજબ ‘ગુજરાત વાયર ફ્રી સિટી મિશન’ માત્ર વીજ તારને જમીનની અંદર નાખવાનો પ્રોજેક્ટ નથી, પરંતુ 21મી સદીના સ્માર્ટ, સુંદર, આધુનિક અને સુરક્ષિત ગુજરાતના નિર્માણ માટેનું એક મહત્વપૂર્ણ મિશન છે. જો યોજના નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ થશે તો 2030 સુધીમાં ગુજરાત દેશના એવા અગ્રણી રાજ્યોમાં સામેલ થઈ શકે છે, જ્યાં મોટા ભાગના શહેરી વિસ્તારોમાં અંડરગ્રાઉન્ડ વીજ વિતરણ વ્યવસ્થા કાર્યરત હશે.

આ પણ વાંચો: VIDEO: પત્નીએ પતિની છાતી પર બેસીને કરી ધોલાઈ, ‘પતિ’ સમાજ ભયભીત

 

Back to top button