ટ્રેન્ડિંગસ્પોર્ટ્સ

નિવૃત્તિના બે વર્ષ બાદ પણ યથાવત છે જેમ્સ એન્ડરસનનો જલવો, 44 વર્ષની ઉંમરે હવે આ ટીમ તરફથી રમશે ક્રિકેટ

James Anderson Signs with Surrey for 2027 County Season: ઇંગ્લેન્ડના દિગ્ગજ ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસનનો ક્રિકેટ પ્રત્યેનો જુસ્સો હજુ પણ અકબંધ છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધાના બે વર્ષ બાદ પણ તેમણે મેદાન પર ટકી રહેવાનો નિર્ણય કર્યો છે. એન્ડરસને 2027ની કાઉન્ટી સિઝન માટે ‘સરે’ (Surrey) ક્લબ સાથે સત્તાવાર કરાર કર્યો છે. આવતા વર્ષે તેઓ 45 વર્ષના થઈ જશે, તેમ છતાં ગુરુવાર (12 નવેમ્બર)ના રોજ થયેલા આ કરાર હેઠળ તેઓ આખી સિઝન સરે તરફથી રમતા જોવા મળશે. ટેસ્ટ ક્રિકેટમાં 704 વિકેટ ઝડપનાર એન્ડરસન વિશ્વના ત્રીજા સૌથી સફળ બોલર અને સૌથી વધુ વિકેટ લેનાર ફાસ્ટ બોલર છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

લંકાશાયર સાથે 25 વર્ષ જૂનો સંબંધ તૂટ્યા બાદ નવી શરૂઆત

જેમ્સ એન્ડરસનનો આ નિર્ણય તેમના બાળપણના ક્લબ લંકાશાયર સાથે 25 વર્ષ જૂનો સંબંધ પૂરો થયાના થોડા જ અઠવાડિયા બાદ સામે આવ્યો છે. ગયા મહિને એન્ડરસને લંકાશાયરમાંથી જે રીતે તેમની વિદાય થઈ તે અંગે નિરાશા પણ વ્યક્ત કરી હતી, જ્યારે ઓલ્ડ ટ્રેફર્ડ મેદાનમાં તેમના નામનું એક સ્ટેન્ડ પણ આવેલું છે. નવી ટીમ સાથે જોડાતા એન્ડરસને જણાવ્યું કે, તેમને હજુ પણ લાગે છે કે તેઓ ટીમ માટે ઘણું બધું કરી શકે છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય વિકેટ લઈને મેચ જીતાડવાની સાથે-સાથે પોતાના બહોળા અનુભવથી યુવા ખેલાડીઓને તૈયાર કરવાનો અને મેદાનની અંદર તથા બહાર ટીમમાં યોગદાન આપવાનો છે.

આ પણ વાંચોઃ ઓસ્કાર 2027 ની દોડમાં ‘રામાયણ: ભાગ 1’: સત્તાવાર એન્ટ્રી વિના પણ એકેડેમી એવોર્ડ્સમાં પહોંચી ફિલ્મ!

સરે અને ‘ધ ઓવલ’ સાથે એન્ડરસનનો રહ્યો છે ખાસ નાતો

જેમ્સ એન્ડરસનનો સરે ક્લબ સાથે ખૂબ જ જૂનો અને ખાસ સંબંધ રહ્યો છે. સરેના ઘરેલુ મેદાન ‘ધ ઓવલ’ પર જ તેમણે ટેસ્ટ ક્રિકેટમાં ફાસ્ટ બોલર તરીકે સૌથી વધુ વિકેટ લેવાનો ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યો હતો. જુલાઈ 2024માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેતા પહેલા, તેમણે ભારતના મોહમ્મદ શમીને આઉટ કરીને ટેસ્ટમાં પોતાની 564મી વિકેટ મેળવી હતી અને ઓસ્ટ્રેલિયાના મહાન બોલર ગ્લેન મેકગ્રાને પાછળ છોડી દીધા હતા.

સરેના ક્રિકેટ ડિરેક્ટર એલેક સ્ટીવર્ટે એન્ડરસનના અનુભવ અને વર્તમાન ફોર્મની ભરપૂર પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું કે, ગત સિઝનમાં કાઉન્ટી ચેમ્પિયનશિપમાં 50 વિકેટ ઝડપવી એ વાતનો પુરાવો છે કે એન્ડરસન આજે પણ ઇંગ્લેન્ડના સર્વશ્રેષ્ઠ બોલરોમાં સામેલ છે. સ્ટીવર્ટને આશા છે કે ટીમના યુવા ખેલાડીઓને તેમની સાથે રમવાથી અને પ્રેક્ટિસ કરવાથી ઘણું શીખવા મળશે.

આ પણ વાંચોઃ સ્પેનમાં મોંઘા ભાડાં સામે દેશવ્યાપી હડતાળ, 14 વર્ષ બાદ પહેલીવાર ઠપ્પ પડ્યું કામકાજ

Back to top button