ગુજરાત

વડોદરામાં રેલવે એન્જિનિયર સાથે ₹12.29 લાખની સાયબર છેતરપિંડી: ઓનલાઇન બિઝનેસની લાલચ આપી ઠગાઈ

Vadodara Railway Engineer Cyber Fraud: વડોદરા ગ્રામ્ય વિસ્તારમાં રેલવે વિભાગના એક સિનિયર સેક્શન એન્જિનિયર સાયબર ઠગોની જાળમાં ફસાયા હોવાની ગંભીર ઘટના સામે આવી છે. ફેસબૂક મારફતે સંપર્ક કેળવીને ઓનલાઇન બિઝનેસમાં ઊંચા નફાની લાલચ આપી સાયબર ગલંગાડીઓએ ₹12.29 લાખની ઓનલાઇન છેતરપિંડી આચરી છે. આ મામલે વડોદરા ગ્રામ્ય સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં સત્તાવાર ગુનો નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ફેસબૂક પર ફ્રેન્ડ રિક્વેસ્ટથી થઈ શરૂઆત

વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે રહેતા 43 વર્ષીય યુવક રેલવે વિભાગના પ્રતાપનગર ખાતે સિનિયર સેક્શન એન્જિનિયર તરીકે સેવા આપે છે. જુલાઈ 2026 દરમિયાન તેઓ પોતાના ઘરે હાજર હતા, ત્યારે તેમના ફેસબૂક એકાઉન્ટ પર ગીતા ઠાકુર નામની પ્રોફાઈલમાંથી ફ્રેન્ડ રિક્વેસ્ટ આવી હતી. રિક્વેસ્ટ સ્વીકાર્યા બાદ બંને વચ્ચે મેસેન્જર મારફતે નિયમિત ચેટિંગ અને વાતચીત શરૂ થઈ હતી.

અમેરિકન કંપનીમાં રોકાણ કરી સારો નફો મેળવવાની લાલચ આપી

વાતચીત દરમિયાન ગીતા ઠાકુરે પોતે ‘Way Feir Platform’ નામની અમેરિકન કંપનીમાં રોકાણ કરીને મોટો નફો મેળવતી હોવાનો દાવો કર્યો હતો. તેણે ફરિયાદીને પણ ઓનલાઇન બિઝનેસમાં જોડાવાની લાલચ આપી હતી અને જણાવ્યું હતું કે કંપનીમાં સેલર એકાઉન્ટ ખોલાવીને ઓર્ડર મેળવી કમિશન કમાઈ શકાય છે. આ વાતોમાં આવીને ફરિયાદીએ સેલર એકાઉન્ટ ખોલાવવા માટે પોતાની ઓળખ સંબંધિત જરૂરી વિગતો શેર કરી હતી.

તબક્કાવાર ₹12 લાખથી વધુનું ઓનલાઇન રોકાણ કરાવ્યું

સામે વાળી વ્યક્તિએ પોતાના રેફરન્સથી સેલર એકાઉન્ટ ખોલાવી આપ્યું હતું અને અલગ-અલગ બેંકના UPI ID મોકલી તબક્કાવાર નાણાં ભરાવ્યા હતા. ફરિયાદી દ્વારા કુલ ₹12,29,050 ઓનલાઇન ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. શરૂઆતમાં વિશ્વાસ જીતવા માટે 3 જુલાઈ 2026 ના રોજ ₹6,700 તેમના SBI ખાતામાં વિથડ્રૉલ તરીકે જમા પણ થયા હતા. જોકે, ત્યારબાદ બાકીની રકમ ઉપાડવાની વિથડ્રૉલ રિક્વેસ્ટ વારંવાર રદ થવા લાગી હતી.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

નામ બદલીને વધુ નાણાં માંગતા ફરિયાદ

જ્યારે રકમ ઉપાડી ન શકાઈ, ત્યારે ગીતા ઠાકુરે કંપનીના કેટલાક કસ્ટમર કેર નંબરો આપ્યા હતા. કંપની દ્વારા અલગ-અલગ ચાર્જના નામે વધુ રૂપિયા ભરવા માટે દબાણ કરવામાં આવ્યું હતું અને થોડા દિવસોમાં સેલર એકાઉન્ટ પણ બંધ થઈ ગયું હતું. બાદમાં ગીતા ઠાકુરે પોતાનું સાચું નામ નેહા શર્મા હોવાનું કહી વધુ રૂપિયા ઇન્વેસ્ટ કરવા જણાવ્યું હતું. સમગ્ર પ્રકરણમાં છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં ફરિયાદીએ 19 સપ્ટેમ્બરના રોજ સાયબર હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે સાયબર ક્રાઇમ પોલીસે તપાસ ચાલુ કરી છે.

આ પણ વાંચો: સુરતની ઓરો યુનિવર્સિટીમાં નિયમોના ધજાગરા: ‘ધ ડ્રિફ્ટ જામ’ કાર્યક્રમમાં પોલીસ પરવાનગી વિના કરાયા ભયજનક સ્ટંટ

Back to top button