ગુજરાતટોપ ન્યૂઝ

મોરબીમાં સિરામિક ઉદ્યોગ પર સંકટના વાદળો, પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટન રૂ.7300નો વધારો

Gujarat News : મોરબીનો પ્રસિદ્ધ સિરામિક ઉદ્યોગ છેલ્લા 6 મહિનાથી પણ વધુ સમયથી અનેક પડકારોનો સામનો કરી રહ્યો છે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધની સ્થિતિ સર્જાઈ ત્યારથી જ આ ઉદ્યોગ સતત ગેસ સંકટનો સામનો કરી રહ્યો છે. આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય સ્તરે એક્સપોર્ટ બંધ થવું અને કન્ટેનરના ભાડામાં થયેલો વધારો વગેરે પ્રશ્નોથી ઉદ્યોગકારો પરેશાન છે. ત્યારે આ તમામ મુશ્કેલીઓ વચ્ચે હવે પ્રોપેન ગેસના ભાવમાં થયેલા વધારાથી સિરામિક ઉદ્યોગને પડ્યા પર પાટું સમાન છે.

પ્રોપેન ગેસમાં પ્રતિ ટન રૂ. 7300નો વધારો

તહેવારો પહેલા સિરામિક ઉદ્યોગકારોને ગેસના ભાવમાં રાહત મળવાની આશા હતી, પરંતુ તેના બદલે ભાવ વધારો થયો છે. મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા પ્રોપેન ગેસના ભાવમાં પ્રતિ ટન રૂ. 7300નો મોટો વધારો કરાયો છે. જેમાં ખાસ કરીને કંડલા અને પોરબંદરથી મોરબી તરફ આવતા પ્રોપેન ગેસના ભાવમાં આ વધારો કરાયો છે, જેથી ઉત્પાદન ખર્ચમાં સીધો મોટો ઉછાળો આવશે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

નેચરલ ગેસની સરખામણીએ પ્રોપેન મોંઘો

નેચરલ ગેસ અને પ્રોપેન ગેસના ભાવ વચ્ચે થોડો તફાવત હતો. નેચરલ ગેસ કરતા પ્રોપેન ગેસ થોડો સસ્તો મળતો હોવાથી ઉદ્યોગકારો પ્રોપેન ગેસનો ઉપયોગ કરીને કામ ચલાવી લેતા હતા અને પ્રોડક્શન ચાલુ રાખતા હતા. પરંતુ હવે, પ્રોપેન ગેસના ભાવમાં આટલો મોટો વધારો થતાં તેના ભાવ પણ નેચરલ ગેસની આસપાસ પહોંચી ગયા છે, જેના કારણે સસ્તા બળતણનો વિકલ્પ પણ હવે છીનવાઈ ગયો છે.

મંદી અને વધતા ઉત્પાદન ખર્ચથી ઉદ્યોગકારો ચિંતિત

આંતરરાષ્ટ્રીય સ્તરે યુદ્ધની સ્થિતિ હજુ સંપૂર્ણપણે શાંત થઈ નથી, જેના કારણે સિરામિક ક્ષેત્રે મંદીનો માહોલ યથાવત છે. એક તરફ તૈયાર માલનો ઉપાડ ઓછો છે અને બીજી તરફ ગેસના સતત વધતા જતા ભાવોને કારણે પ્રોડક્શન કોસ્ટને પહોંચી વળવું ઉદ્યોગકારો માટે અત્યંત મુશ્કેલ બની ગયું છે. ગેસના આ આકરા ભાવવધારાથી મોરબીના સિરામિક ઉદ્યોગકારોની ચિંતામાં ભારે વધારો થયો છે.

આ પણ વાંચો : સૌરાષ્ટ્રમાં દુષ્કાળની ભયાનક અસર! ખેડૂતોનાં 6,000 બળદો આશ્રમમાં છોડી ગયા

Back to top button