અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ચાંગોદરમાં એક કલાકમાં ₹1 કરોડની ચોરી! વેરહાઉસનાં પતરાં ખોલી તસ્કરો 40 iPhone-17 સહિત મોંઘા ગેજેટ્સ લઈ ફરાર

અમદાવાદ ગ્રામ્યના ચાંગોદર પંથકમાં ચોરીની મોટી ઘટના સામે આવી છે. સનાથલ સર્કલ પાસે આવેલા વેરહાઉસને નિશાન બનાવી બે બુકાનીધારી શખ્સોએ અંદાજે એક કરોડ રૂપિયાના મુદ્દામાલની ચોરી કરી હોવાની વિગતો સામે આવી છે. માત્ર એક કલાકના ટૂંકા ગાળામાં બનેલી આ ઘટનાથી વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે.

છતનાં પતરાં ખોલીને વેરહાઉસમાં પ્રવેશ

પ્રાપ્ત વિગતો અનુસાર, સનાથલ સર્કલ નજીક આવેલા એક વેરહાઉસ અને શેડમાં બે બુકાનીધારી શખ્સોએ ચોરીને અંજામ આપ્યો હતો. તસ્કરોએ વેરહાઉસની છતનાં પતરાં ખોલીને અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ કિંમતી ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

ચોરાયેલા મુદ્દામાલમાં અંદાજે 40 iPhone-17 અને 30 iPhone-16 સ્માર્ટફોન હોવાની માહિતી છે. આ ઉપરાંત આઈપેડ, આઈવોચ, હાઈ-ટેક કીબોર્ડ અને પ્રીમિયમ લેપટોપ સહિતની મોંઘી વસ્તુઓ પણ તસ્કરો ચોરી ગયા હોવાનું જાણવા મળ્યું છે. ચોરી થયેલા સમગ્ર મુદ્દામાલની અંદાજિત કિંમત આશરે એક કરોડ રૂપિયા હોવાનું જણાવાઈ રહ્યું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

CCTV ફૂટેજના આધારે પોલીસ તપાસ

ઘટનાની જાણ થતાં જ ચાંગોદર પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. વેરહાઉસ તથા આસપાસના વિસ્તારોમાં લગાવવામાં આવેલા CCTV કેમેરાનાં ફૂટેજ તપાસવામાં આવી રહ્યા છે, જેથી તસ્કરોની ઓળખ અને તેમની અવરજવર અંગે વિગતો મળી શકે.

ચોરાયેલા માલની શોધખોળ તેજ

આટલી મોટી કિંમતના મોબાઈલ ફોન અને ઇલેક્ટ્રોનિક્સ ઉપકરણોની ચોરી થતાં પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ ચોરીને કેવી રીતે અંજામ આપીને ફરાર થયા અને ચોરાયેલો મુદ્દામાલ ક્યાં લઈ ગયા તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.

હાલમાં CCTV ફૂટેજ સહિતના પુરાવાના આધારે આરોપીઓ સુધી પહોંચવાના પ્રયાસો ચાલુ છે. આ ઘટનામાં સંડોવાયેલા શખ્સોને ઝડપી પાડવા અને ચોરાયેલો મુદ્દામાલ પરત મેળવવા પોલીસની તપાસ નિર્ણાયક બની રહેશે.

આ પણ વાંચો: યુરોપમાં હિંસક વિરોધ-પ્રદર્શનો વચ્ચે ભારતની એડવાઈઝરી! ફ્રાન્સ, ઇટાલી સહિતના દેશોમાં રહેતા ભારતીયોને સાવચેત રહેવા સૂચના

Back to top button