રાજકોટમાં ડ્રોન બનાવવાની મફત તાલીમ, ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ થયું

Free-Drone Training : રાજકોટના માધાપર સ્થિત રીજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે ડ્રોન બનાવવાની મફત તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. ટેકનોલોજીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા વિદ્યાર્થીઓ અને યુવાનો માટે આ એક મહત્વની તક ગણાય છે. ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી (GUJCOST) તથા ગાંધીનગર સ્થિત રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીના સંયુક્ત ઉપક્રમે આ તાલીમ યોજાઈ રહી છે.
પ્રેક્ટિકલ નોલેજ આપવામાં આવશે
‘ફંડામેન્ટલ્સ ઓફ ડ્રોન મેકિંગ’ નામની આ પાંચ દિવસીય તાલીમમાં ઉમેદવારોને ડ્રોનના વિવિધ પાર્ટ્સ જોડવાથી લઈને ફ્લાઇટ ટેસ્ટિંગ સુધીનું સંપૂર્ણ પ્રાયોગિક જ્ઞાન આપવામાં આવશે. તાલીમ દરમિયાન એરોડાયનેમિક્સ, ફ્લાઇટ સિમ્યુલેટર, ડ્રોન એસેમ્બલિંગ, એવિઓનિક્સ, GPS, ફ્લાઇટ કંટ્રોલર, વાયરિંગ, બેટરી મેનેજમેન્ટ, રેડિયો સિસ્ટમ અને ડ્રોન કેલિબ્રેશન જેવા મહત્વના વિષયો આવરી લેવામાં આવશે. આ ઉપરાંત ગુણવત્તા ચકાસણી અને વાસ્તવિક ફ્લાઇટ ટેસ્ટિંગનો પણ અનુભવ અપાશે..
કુશળતા અને કારકિર્દીનો નવો વિકલ્પ
વર્તમાન સમયમાં કૃષિ, સર્વેક્ષણ, મેપિંગ, ફોટોગ્રાફી, સુરક્ષા અને આપત્તિ વ્યવસ્થાપન જેવા ક્ષેત્રોમાં ડ્રોનનો ઉપયોગ ઝડપથી વધી રહ્યો છે. આવા સંજોગોમાં ડ્રોન ટેકનોલોજીનું પ્રાયોગિક જ્ઞાન યુવાનો માટે નવી કુશળતા અને કારકિર્દીના વિકલ્પો ઊભા કરી શકે છે. વિજ્ઞાન, ટેકનોલોજી અને એન્જિનિયરિંગમાં રસ ધરાવતા ઉમેદવારો માટે આ તાલીમ ખાસ ઉપયોગી બની શકે છે.
તાલીમમાં ભાગ લેવા માટે ઉમેદવારની ઉંમર 18થી 60 વર્ષ વચ્ચે હોવી જોઈએ અને ઓછામાં ઓછું ધોરણ-10 પાસ હોવું જરૂરી છે. Octoberથી December 2026 દરમિયાન કુલ પાંચ બેચ યોજાશે. દરેક બેચમાં માત્ર 30 ઉમેદવારોને જ પ્રવેશ આપવામાં આવશે. પ્રથમ બેચ 27થી 31 October દરમિયાન યોજાશે. પ્રવેશ વહેલા આવનારને પહેલાના ધોરણે આપવામાં આવશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
તાલીમ સંપૂર્ણપણે નિઃશુલ્ક
આ સમગ્ર તાલીમ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. જોકે રહેવા અને જમવાની વ્યવસ્થા ઉમેદવારોએ પોતાના ખર્ચે કરવાની રહેશે. રજિસ્ટ્રેશન માટે ઓનલાઇન ફોર્મ ભરવાનું રહેશે. મર્યાદિત બેઠકોને ધ્યાનમાં રાખીને રસ ધરાવતા ઉમેદવારોએ વહેલી તકે નોંધણી કરાવી લેવી જોઈએ. વધુ માહિતી માટે 0281-2992025 નંબર પર સંપર્ક કરી શકાય છે.
આ પણ વાંચો : 23 વર્ષના યુવકે 20 મહિલા પોલીસકર્મીઓને પ્રેમજાળમાં ફસાવી! લગ્નની લાલચ આપીને લાખોની ઠગાઈ












