માના દર્શને આવ્યા ભક્તો, પણ પાવાગઢની હરિયાળીને આપી ગયા પ્લાસ્ટિકના ઘા!

Plastic Waste Navratri : ગુજરાતના જાણીતા યાત્રાધામ પાવાગઢમાં (Pavagadh) નવરાત્રિ દરમિયાન લાખોની સંખ્યામાં ઉમટેલા શ્રદ્ધાળુઓની ભીડ હવે પર્યાવરણ માટે ચિંતાનો વિષય બની છે. નવરાત્રિ પૂર્ણ થયા બાદ પાવાગઢના મહાકાળી મંદિરથી માચી સુધી અને તળેટીના વિસ્તારોમાં ઠેરઠેર પ્લાસ્ટિકનો કચરો જોવા મળી રહ્યો છે. અંદાજ મુજબ, આ વર્ષે નવરાત્રિ દરમિયાન આશરે 35,000 કિલો પ્લાસ્ટિક વેસ્ટ એકઠો થયો છે.
ગયા વર્ષની સરખામણીએ શ્રદ્ધાળુઓની સંખ્યામાં 40 ટકાનો વધારો
પાવાગઢ (Pavagadh) ખાતે દર વર્ષે નવરાત્રિ દરમિયાન મહાકાળી માતાનાં દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો આવે છે. સ્થાનિક વહીવટીતંત્રના જણાવ્યા અનુસાર, આ વર્ષે શ્રદ્ધાળુઓની સંખ્યામાં ગયા વર્ષની સરખામણીએ અંદાજે 40 ટકાનો વધારો થયો હતો. નવરાત્રિ દરમિયાન લગભગ 15 લાખ ભાવિકોએ માતાજીનાં દર્શન કર્યાં હોવાનો અંદાજ છે. મોટાભાગના શ્રદ્ધાળુઓ પોતાની સાથે પ્લાસ્ટિકની થેલીઓ અને ડબ્બામાં ખાદ્યસામગ્રી લાવે છે. આ ઉપરાંત, પીવાના પાણી માટે પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ પણ મોટા પ્રમાણમાં થાય છે. તેના કારણે પાવાગઢના રસ્તાઓ અને આસપાસના વિસ્તારોમાં પ્લાસ્ટિક કચરાનું પ્રમાણ વધ્યું છે.
દરરોજ 3,500થી 3,700 કિલો પ્લાસ્ટિક વેસ્ટ
વહીવટીતંત્રના અંદાજ પ્રમાણે, નવરાત્રિ દરમિયાન દરરોજ આશરે 3,500થી 3,700 કિલો પ્લાસ્ટિક વેસ્ટ ઉત્પન્ન થતો હતો. આ કચરાને દૂર કરવા માટે આશરે 250 સફાઈ કર્મચારીઓની ટીમ તૈનાત કરવામાં આવી છે. પાવાગઢનો શિખર વિસ્તાર, માચી અને તળેટીનો મોટાભાગનો વિસ્તાર જંગલ તથા હરિયાળીથી ઘેરાયેલો છે. આવા કુદરતી વિસ્તારમાં પ્લાસ્ટિકનો કચરો એકઠો થવાથી પર્યાવરણને નુકસાન થવાની ચિંતા વધી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
શિખર પરથી કચરો એકઠો કરી ડમ્પિંગ સાઇટ સુધી પહોંચાડાશે
સફાઈ કર્મચારીઓ દ્વારા પાવાગઢના શિખર વિસ્તાર સહિત વિવિધ સ્થળોએથી કચરો એકત્રિત કરીને માચી સુધી લાવવામાં આવી રહ્યો છે. ત્યારબાદ ટ્રકો મારફતે આ કચરાને ડમ્પિંગ સાઇટ પર લઈ જઈ તેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.
આગામી નવરાત્રિથી પ્લાસ્ટિકની પાણીની બોટલો પર પ્રતિબંધની તૈયારી
પ્લાસ્ટિક વેસ્ટની સમસ્યાને નિયંત્રિત કરવા માટે વહીવટીતંત્ર આગામી નવરાત્રિથી પીવાના પાણીની પ્લાસ્ટિકની બોટલો પર પ્રતિબંધ મૂકવાની દિશામાં વિચારણા કરી રહ્યું છે. તેના વિકલ્પ તરીકે શ્રદ્ધાળુઓને રિફંડેબલ ડિપોઝિટ સાથે સ્ટીલની પાણીની બોટલો આપવાની યોજના છે. આ ઉપરાંત, મંદિરના માર્ગ પર પાણીના કૂલર મૂકવાની પણ તૈયારી છે. જો આ વ્યવસ્થા અમલમાં આવે તો પ્લાસ્ટિકની બોટલોથી થતા કચરામાં ઘટાડો થઈ શકે છે. પાવાગઢ જેવા હરિયાળા યાત્રાધામમાં સ્વચ્છતા જાળવવા માટે વહીવટીતંત્રની સાથે શ્રદ્ધાળુઓની જવાબદારી પણ એટલી જ મહત્ત્વની છે.
આ પણ વાંચો : ગુજરાતમાં IAS અધિકારીઓનો મોટો સપાટો: 17 અધિકારીઓની બદલી, આણંદ-મહેસાણામાં નવા કલેક્ટર!












