રાજકોટના ભાયાવદરમાં સેક્સ સ્ટેમિના વધારવાની દવાના નામે મોટું સાયબર ફ્રોડ! 3 નકલી કોલ સેન્ટરનો પર્દાફાશ
રાજકોટ: રાજકોટ જિલ્લાના ભાયાવદર પંથકમાં સેક્સ સ્ટેમિના વધારવાની આયુર્વેદિક દવાઓ વેચવાના બહાને લોકો સાથે છેતરપિંડી કરતા ત્રણ ગેરકાયદે કોલ સેન્ટરનો પોલીસે પર્દાફાશ કર્યો છે. ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર આકર્ષક જાહેરાતો આપીને લોકોને ફસાવતી ટોળકીઓ નકલી ડોક્ટર બનીને ગ્રાહકો પાસેથી પૈસા પડાવતી હોવાનો ખુલાસો થયો છે. પોલીસે ત્રણ અલગ-અલગ સ્થળોએ દરોડા પાડીને કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય પાંચ આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
પ્રાથમિક તપાસમાં આ ટોળકીઓએ છેલ્લા પાંચ મહિનામાં આશરે 2,000 લોકોને નિશાન બનાવીને વ્યક્તિદીઠ રૂ. 1,100થી રૂ. 1,200 સુધીની રકમ પડાવી હોવાની વિગતો સામે આવી છે. પોલીસે સ્થળ પરથી લેપટોપ, મોબાઇલ સહિત રૂ. 5,16,700નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. કોર્ટે પકડાયેલા આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કરતાં હવે આ સમગ્ર નેટવર્કની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ભાયાવદરના ત્રણ વિસ્તારોમાં પોલીસના દરોડા
ધોરાજી ડિવિઝનના એએસપી સિમરન ભારદ્વાજના માર્ગદર્શન હેઠળ ભાયાવદર પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈ ડી. એચ. રાખોલીયા અને તેમની ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી હતી.
પોલીસે ભાયાવદરના ઉમિયાનગર, સિનેમા રોડ અને મતવા શેરી વિસ્તારમાં આવેલા મકાનોમાં દરોડા પાડ્યા હતા. અહીં ગેરકાયદે રીતે કોલ સેન્ટર ચલાવીને લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હોવાનો આરોપ છે.
આ કાર્યવાહી દરમિયાન ખોડીદાસ માકડીયા, કૌશિક વાળા, મીત બેડવા, ચેતન રાઠોડ, અહેમદરજા મુલતાની, રાજેશ પરમાર, મનવીર ખાંભલા, અહેમદરજા ઉર્ફે બાપુ કાદરી, નાસીર લાખા અને જીલ દિનેશ ખાણીયાની ધરપકડ કરવામાં આવી હતી.
આ ઉપરાંત હાર્દિક ખાંભલા, જયદીપ ગોહિલ, ફૈઝલ રજાક, નિશાંત ઉર્ફે નીલ ભટ્ટ અને રાહુલ નામના પાંચ અન્ય આરોપીઓની શોધખોળ ચાલુ છે.
લેપટોપથી લઈને 23 મોબાઇલ સુધીનો મુદ્દામાલ જપ્ત
પોલીસે ત્રણેય સ્થળોએથી મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોનિક સાધનો કબજે કર્યા છે.
- 18 લેપટોપ
- 33 કીબોર્ડ અને માઉસ
- 23 મોબાઇલ ફોન
- 3 બ્રોડબેન્ડ રાઉટર
આ તમામ મુદ્દામાલની કુલ કિંમત રૂ. 5,16,700 હોવાનું જણાવવામાં આવ્યું છે. પોલીસ હવે આ સાધનોમાંથી મળતી માહિતી, ગ્રાહકોના સંપર્કો અને નાણાકીય વ્યવહારોના આધારે છેતરપિંડીના વ્યાપની તપાસ કરી રહી છે.
નકલી ડોક્ટર બનીને ગ્રાહકોને આપતા હતા ધમકી
પોલીસ તપાસમાં આ ટોળકીઓની છેતરપિંડી કરવાની રીત પણ સામે આવી છે. આરોપીઓ સેક્સ સ્ટેમિના વધારવાની અને વિટામિન B12ની દવાઓ વેચવાના નામે ગ્રાહકોનો સંપર્ક કરતા હતા. માન્ય લાઇસન્સ વિના નકલી ડોક્ટર બનીને દવાઓ વેચવાનો પણ આરોપ છે.
મુખ્ય આરોપી ખોડીદાસ માકડીયાએ પોતાના ઘરમાં કમ્પ્યુટર લેબ ઊભી કરી હોવાનો પોલીસનો દાવો છે. આરોપીઓ ગ્રાહકોને વેબસાઇટ મારફતે અશ્લીલ સામગ્રી મોકલીને દવા ખરીદવા માટે દબાણ કરતા હોવાની વિગતો પણ તપાસમાં સામે આવી છે.
જો કોઈ ગ્રાહક દવા ખરીદવાની ના પાડે, તો તેના પરિવારજનોને આ બાબત જણાવી દેવાની અથવા પોલીસ ફરિયાદ કરીને જેલમાં મોકલાવી દેવાની ધમકી આપવામાં આવતી હોવાનો આરોપ છે. આ રીતે ગ્રાહકોને ડરાવીને પૈસા ટ્રાન્સફર કરાવવામાં આવતા હોવાની આશંકા છે.
ઓર્ડર કેન્સલ કરનારને વોટ્સએપ પર ધમકી
બીજા કોલ સેન્ટરમાં અહેમદરજા મુલતાની અને તેના સાગરીતો નકલી ડોક્ટર બનીને આયુર્વેદિક પ્રોડક્ટ વેચવાના બહાને લોકોને નિશાન બનાવતા હોવાનો આરોપ છે.
જો કોઈ ગ્રાહક ઓર્ડર કન્ફર્મ કર્યા પછી તેને રદ કરવાનો પ્રયાસ કરે, તો તેને વોટ્સએપ મારફતે કાનૂની કાર્યવાહી કરવાની ધમકી આપવામાં આવતી હોવાનો પોલીસનો દાવો છે. આ રીતે ગ્રાહકો પર દબાણ ઊભું કરીને પૈસા પડાવવામાં આવતા હોવાની તપાસ ચાલી રહી છે.
ત્રીજી ટોળકી કથિત રીતે ‘ન્યુરો શક્તિ પ્લસ’ નામની દવાના વેચાણના બહાને છેતરપિંડી કરતી હતી. આ ટોળકીનો સંચાલક હાર્દિક ખાંભલા હોવાનું જણાવવામાં આવ્યું છે. પોલીસના દરોડા પહેલાં આ ટોળકીના આરોપીઓ ફરાર થઈ ગયા હોવાથી તેમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
સરકારી મંત્રાલયોના લોગોનો દુરુપયોગ કરીને લોકોનો વિશ્વાસ જીતતા
આ સમગ્ર કૌભાંડમાં લોકોને વિશ્વાસમાં લેવા માટે બનાવટી વેબસાઇટ અને જાહેરાતોનો ઉપયોગ કરવામાં આવતો હોવાનો આરોપ છે.
પોલીસ તપાસ મુજબ, આરોપીઓ પોતાની વેબસાઇટ પર આયુષ મંત્રાલય, નેશનલ હેલ્થ ઓથોરિટી અને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PM-JAY)ના લોગોનો કથિત દુરુપયોગ કરતા હતા. આ ઉપરાંત અંગ્રેજી અખબારોનાં બનાવટી ન્યૂઝ કટિંગ્સ અને જાણીતી ખાનગી સંસ્થાઓનાં ચિહ્નોનો ઉપયોગ કરીને પ્રોડક્ટને વિશ્વસનીય બતાવવાનો પ્રયાસ કરવામાં આવતો હતો.
ગ્રાહકોને આકર્ષવા માટે દવાઓ પર 50 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ દર્શાવવામાં આવતું હતું. અમદાવાદ, મુંબઈ, દિલ્હી અને બેંગલુરુ જેવા શહેરોના કાલ્પનિક ગ્રાહકોના ફોટા અને બનાવટી સકારાત્મક રિવ્યૂ મૂકીને લોકોને પ્રભાવિત કરવામાં આવતા હોવાનો પણ આરોપ છે.
બેંક ખાતાં અને કોલ ડિટેઇલ્સની તપાસ શરૂ
પોલીસે આ કેસમાં આરોપીઓનાં બેંક ખાતાં, કોલ ડિટેઇલ્સ અને અન્ય ડિજિટલ પુરાવાઓની તપાસ હાથ ધરી છે. આ માધ્યમથી છેતરપિંડીની રકમ ક્યાં જતી હતી, કેટલા લોકો સાથે વ્યવહાર થયો હતો અને આ નેટવર્ક સાથે અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે નહીં, તેની તપાસ કરવામાં આવશે.
આ કેસમાં પકડાયેલા આરોપીઓ સામેના આક્ષેપોની કાનૂની તપાસ હજુ ચાલુ છે. પોલીસની વધુ તપાસમાં નવા ખુલાસા થવાની શક્યતા છે.
આ પણ વાંચો: 23 વર્ષના યુવકે 20 મહિલા પોલીસકર્મીઓને પ્રેમજાળમાં ફસાવી! લગ્નની લાલચ આપીને લાખોની ઠગાઈ











