દિવાળી પહેલાં જ ઈસ્કોન-સરખેજ ઓવરબ્રિજ જનતા માટે શરુ થઈ જશે, ટ્રાફિકમાંથી મળશે મુક્તિ
Ahmedabad SG Highway Overbridge: અમદાવાદના વાહનચાલકો માટે દિવાળી પહેલાં રાહતના સમાચાર સામે આવ્યા છે. શહેરના સૌથી વ્યસ્ત માર્ગોમાંના એક એવા એસજી હાઈવે પર ઈસ્કોન જંક્શનથી સરખેજ ચોકડી સુધીનો આશરે 4 કિલોમીટર લાંબો અને 6 લેનનો ફ્લાયઓવર લગભગ તૈયાર થઈ ગયો છે. બ્રિજની કામગીરી પૂર્ણ થયા બાદ તેને વાહનચાલકો માટે ખુલ્લો મૂકવાની તૈયારીઓ ચાલી રહી છે. અહેવાલ મુજબ, આગામી 31 ઓક્ટોબર સુધીમાં બ્રિજ શરૂ કરવાનું આયોજન છે. જોકે, તેને ખુલ્લો મૂકવાની અંતિમ તારીખ સત્તાવાર જાહેરાત પર નિર્ભર રહેશે.
આ ફ્લાયઓવર શરૂ થતાં એસજી હાઈવે પર ટ્રાફિકની સમસ્યામાં નોંધપાત્ર રાહત મળવાની આશા છે. અંદાજે રોજના 2 લાખ વાહનચાલકોને તેનો લાભ મળી શકે છે.
દિવાળી પહેલાં બ્રિજ ખુલ્લો મૂકવાની તૈયારી
વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરે જણાવ્યું હતું કે સરખેજ-ગાંધીનગર હાઈવે પર બનાવવામાં આવેલો ઓવરબ્રિજ લગભગ તૈયાર થઈ ગયો છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)ના અધિકારીઓ સાથેની વાતચીતના આધારે દિવાળી સુધીમાં બ્રિજ વાહનચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવી શકે છે.
બ્રિજ શરૂ થયા બાદ અમદાવાદથી ગાંધીનગર તરફ જતાં અને ગાંધીનગરથી અમદાવાદ આવતા વાહનચાલકોને વધુ સરળ અને ઝડપી મુસાફરીનો લાભ મળી શકે છે. ખાસ કરીને પીક અવર્સ દરમિયાન એસજી હાઈવે પર સર્જાતી ટ્રાફિકની સમસ્યામાં રાહત મળવાની અપેક્ષા છે.
બ્રિજની બંને બાજુ 3-3 રેમ્પ તૈયાર
ઈસ્કોન જંક્શનથી સરખેજ ચોકડી વચ્ચે ટ્રાફિકનું ભારણ ઘટાડવા માટે આ ફ્લાયઓવર બનાવવામાં આવ્યો છે. તેની બંને બાજુ ત્રણ-ત્રણ રેમ્પ બનાવવામાં આવ્યા છે, જેથી વાહનચાલકોને તેમની દિશા અને માર્ગ અનુસાર અવરજવરમાં સરળતા રહે.
છ લેનનો આ ફ્લાયઓવર શરૂ થતાં હાઈવેના વ્યસ્ત જંક્શન પર વાહનોની અવરજવર વધુ સુવ્યવસ્થિત બનવાની શક્યતા છે. રોજિંદા ઓફિસે જતા કર્મચારીઓ, વેપારીઓ અને અન્ય મુસાફરો માટે પણ આ પ્રોજેક્ટ ઉપયોગી સાબિત થઈ શકે છે.
બ્રિજ પરનાં મોટાભાગનાં કામ પૂર્ણ
ફ્લાયઓવર પર નોઈઝ બેરિયર, થર્મોપ્લાસ્ટિક રોડ માર્કિંગ અને અન્ય જરૂરી કામગીરી પૂર્ણ થઈ ગઈ હોવાનું જણાવવામાં આવ્યું છે. હાલમાં બ્રિજની સાફસફાઈ ચાલી રહી છે. સાઇડના રેમ્પ પર લાઇટ ફિટિંગનાં કેટલાંક નાનાં કામ બાકી હોવાનું પણ અહેવાલમાં જણાવાયું છે.
આ ઉપરાંત બ્રિજની નીચેના રોડ અને તેની આસપાસની કેટલીક કામગીરી પૂર્ણ કરવાની બાકી છે. આ કામો 30 ઓક્ટોબર સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે. ત્યારબાદ 31 ઓક્ટોબર સુધીમાં બ્રિજ શરૂ કરવાની તૈયારી કરવામાં આવી રહી છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
મુખ્યમંત્રી કે અમિત શાહના હસ્તે થઈ શકે ઉદ્ઘાટન
બ્રિજ તૈયાર થયા બાદ તેના ઉદ્ઘાટનને લઈને પણ ચર્ચા ચાલી રહી છે. અહેવાલ મુજબ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અથવા કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે બ્રિજનું ઉદ્ઘાટન થઈ શકે છે. જોકે, ઉદ્ઘાટનની તારીખ અને મુખ્ય મહેમાન અંગે સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે.
અમદાવાદ-ગાંધીનગર વચ્ચેની મુસાફરી બનશે સરળ?
એસજી હાઈવે અમદાવાદના મહત્વપૂર્ણ ટ્રાફિક કોરિડોર પૈકીનો એક છે. ઈસ્કોન જંક્શનથી સરખેજ ચોકડી સુધીના માર્ગ પર વાહનોનું ભારે દબાણ રહેતું હોવાથી પીક અવર્સ દરમિયાન ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે.
આ ફ્લાયઓવર શરૂ થયા બાદ લાંબા અંતરના વાહનોને જંક્શન પર થતી અવરજવરની અડચણોમાંથી રાહત મળી શકે છે. જોકે, વાસ્તવિક રાહત કેટલી મળશે તે ટ્રાફિક વ્યવસ્થાપન, રેમ્પના ઉપયોગ અને આસપાસના માર્ગોની સ્થિતિ પર પણ આધારિત રહેશે.
આ પણ વાંચો: અમેરિકામાં FBIના સકંજામાં બે કુખ્યાત ગેંગસ્ટર! હિમાંશુ ભાઉ સાથે નીરજ ફરીદપુરિયા પણ ઝડપાયો











