દિવાળી ટાણે મોંઘવારીનો મોટો ફટકો: લીંબુના ભાવ ₹240 ને પાર, ગૃહિણીઓનું બજેટ ખોરવાયું

Surat Lemon Price Hike: દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે ત્યારે જ સામાન્ય જનતા પર મોંઘવારીનો માર શરુ થઈ ગયો છે. વિવિધ ખાદ્યતેલો, મસાલા અને ફળો-શાકભાજી બાદ હવે રસોડામાં અતિ મહત્વના ગણાતા લીંબુના ભાવો આસમાને પહોંચતાં ગૃહિણીઓનું બજેટ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. સરકાર દ્વારા ગમે તેટલા ‘સબ ચંગા સી’ના દાવાઓ કરવામાં આવે, પરંતુ સુરતના છૂટક બજારમાં સારી ક્વોલિટીના લીંબુના ભાવ પ્રતિ કિલો ₹240 ને પાર પહોંચી ગયા છે. મોંઘવારીના આ સતત વધારાને કારણે ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે ઘર ચલાવવું અત્યંત મુશ્કેલ બન્યું છે.
આવકમાં મોટો ઘટાડો
સુરત APMC માર્કેટના હોલસેલ આંકડાઓ દર્શાવે છે કે છેલ્લા કેટલાક દિવસોથી લીંબુની આવકમાં મોટો ઘટાડો નોંધાયો છે. માત્ર એકાદ મહિના પહેલાં જ APMC માં 20 કિલો લીંબુનો હોલસેલ ભાવ ₹1,000 થી ₹1,500 વચ્ચે હતો. જોકે, હાલ પુરવઠો ઘટતાં આ જ જથ્થાબંધ ભાવ પ્રતિ 20 કિલો ₹1,600 થી ₹4,000 સુધી બોલાઈ રહ્યા છે. હોલસેલ માર્કેટમાં જ ભાવો બમણાથી વધુ થઈ જતાં તેની સીધી અસર છૂટક બજાર પર પડી છે.
લીંબુની ભારે અછત પાછળ બે મુખ્ય કારણો
જથ્થાબંધ વેપારીઓના જણાવ્યા મુજબ, લીંબુના ભાવમાં ધરખમ વધારા પાછળ બે મુખ્ય પરિબળો જવાબદાર છે. પ્રથમ કારણ અનિશ્ચિત વાતાવરણ છે, જેના લીધે ખેડૂતોના ઉત્પાદનમાં જંગી ઘટાડો થયો છે. બીજું મહત્વનું કારણ એ છે કે ગુજરાતમાં જમીનોના ભાવ વધતાં મધ્ય ગુજરાતના મુખ્ય ઉત્પાદક વિસ્તારો જેવા કે પાદરા, નરસંડા, નડિયાદ, કડી, કલોલ અને મહેસાણામાં લીંબુની વાડીઓનો નાશ થઈ ગયો છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
આગામી દિવસોમાં પણ રાહત મળવાની શક્યતા ઓછી
વેપારીઓએ સ્પષ્ટ કર્યું છે કે ગુજરાતના પરંપરાગત લીંબુ ઉત્પાદક વિસ્તારોમાંથી વાડીઓ ઓછી થઈ જતાં અને આવક ઘટતાં APMC માર્કેટમાં માલની ભારે અછત સર્જાઈ છે. પૂરતો માલ ન આવવાને કારણે જ બજારમાં આટલો મોટો ભાવવધારો જોવા મળી રહ્યો છે. તહેવારોના દિવસોમાં લીંબુની માંગ વધવાની હોવાથી હાલ તુરંત ભાવમાં મોટો ઘટાડો થાય તેવી શક્યતા દેખાતી નથી.
આ પણ વાંચો: ગુજરાતની હોસ્ટેલોમાં દૂષિત ખોરાક અને ફૂડ પોઈઝનિંગનો આતંક: ABVP કરશે સમગ્ર રાજ્યમાં ‘સ્ટુડન્ટ્સ રેઇડ’












