ગુજરાતની હોસ્ટેલોમાં દૂષિત ખોરાક અને ફૂડ પોઈઝનિંગનો આતંક: ABVP કરશે સમગ્ર રાજ્યમાં ‘સ્ટુડન્ટ્સ રેઇડ’

ABVP Students Raid Protest: ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ હોસ્ટેલોમાં નબળી ગુણવત્તાવાળા ભોજન અને ફૂડ પોઈઝનિંગને કારણે વિદ્યાર્થીઓ બીમાર પડવાની ઘટનાઓ સતત વધી રહી છે. સુરતની પી.પી. સવાણી હોસ્ટેલ, આણંદની રાણક ગર્લ્સ હોસ્ટેલ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, વડોદરા અને અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં આવી ગંભીર બેદરકારી સામે આવ્યા બાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) એ આક્રમક વલણ અપનાવ્યું છે. વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સાથે થતાં ચેડાં સામે ABVP દ્વારા રાજ્યવ્યાપી ‘સ્ટુડન્ટ્સ રેઇડ’ નામથી વિશેષ આંદોલન શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.
યુનિવર્સિટીઓની કેન્ટીનમાં જીવાત નીકળવાના કિસ્સા વધ્યા
ABVP ના પ્રદેશ મંત્રી દેવાંશ બ્રહ્મભટ્ટે આ મામલે ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, રાજ્યની અનેક યુનિવર્સિટીઓની કેન્ટીન અને મેશના ખોરાકમાં વારંવાર જીવાત નીકળવાના બનાવો બન્યા છે. ઘર અને ગામથી દૂર રહીને અભ્યાસ કરતા માસૂમ વિદ્યાર્થીઓને પૌષ્ટિક આહાર આપવાને બદલે દૂષિત ભોજન પીરસવામાં આવી રહ્યું છે, જેનાથી ઘણા વિદ્યાર્થીઓ ફૂડ પોઈઝનિંગનો શિકાર બની હોસ્પિટલ ભેગા થઈ રહ્યા છે. વાલીઓ પોતાના બાળકોને સારા ભવિષ્યના સપના સાથે શહેરોમાં મોકલે છે, પરંતુ મેશ અને હોસ્ટેલ તંત્ર ગુણવત્તાયુક્ત ભોજન આપવામાં સાવ નિષ્ફળ નીવડ્યું છે.
ટેન્ડર સિસ્ટમ બની ભ્રષ્ટાચારનું મૂળ
હોસ્ટેલોમાં પીરસાતા નબળા ખોરાક પાછળનું મુખ્ય કારણ ટેન્ડર સિસ્ટમ હોવાનું જણાવતા દેવાંશ બ્રહ્મભટ્ટે ઉમેર્યું કે, સૌથી ઓછી કિંમતનું ટેન્ડર ભરનાર કોન્ટ્રાક્ટરને કામગીરી સોંપી દેવામાં આવે છે. આ કારણે કોન્ટ્રાક્ટરો પોતાના નફા માટે ભોજનની ગુણવત્તા સાથે ગંભીર કોમ્પ્રોમાઈઝ કરે છે અને વિદ્યાર્થીઓને પોષણયુક્ત ખોરાકથી વંચિત રાખે છે. ABVP આ વ્યવસ્થા સામે સખત વિરોધ નોંધાવે છે અને રાજ્યની તમામ સરકારી, અર્ધ-સરકારી તથા યુનિવર્સિટી સંલગ્ન હોસ્ટેલો તેમજ કેન્ટીનોમાં સરપ્રાઈઝ ‘સ્ટુડન્ટ્સ રેઇડ’ પાડીને આ ભ્રષ્ટાચાર ખુલ્લો પાડશે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
તેલ, ઘી અને શાકભાજીની ગુણવત્તા ચકાસાશે
આગામી દિવસોમાં ચાલનારા આ આંદોલન અંતર્ગત ABVP ના કાર્યકરો હોસ્ટેલના જ વિદ્યાર્થીઓને સાથે રાખીને રસોડામાં વપરાતા પાણી, શાકભાજી, તેલ, ઘી અને દાળ સહિતની સામગ્રીનું ઝીણવટભર્યું ચેકિંગ કરશે. જ્યાં ગંદકી જોવા મળશે ત્યાં કાર્યકર્તાઓ જાતે સફાઈ કરશે અને વિદ્યાર્થીઓની હાજરીમાં જ ખાદ્ય સામગ્રીની ગુણવત્તા તપાસશે. આ સાથે જ જવાબદાર વોર્ડન અને રેક્ટર પાસે ખુલાસો માંગવામાં આવશે. જો તંત્ર દ્વારા કોઈ યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો જવાબદાર અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોને તાત્કાલિક પદ પરથી હટાવવાની માંગ સાથે ઉગ્ર આંદોલન છેડવામાં આવશે.
આ પણ વાંચો: નવી સર્વિસ : હવે આ નવરાત્રીમાં ગરબા રમવા માટે ભાડે મળશે પાર્ટનર!












