ટાટા ગ્રુપમાં લિસ્ટિંગને લઈને ઘમાસાણ: ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટાએ વ્યક્ત કરી ઊંડી ચિંતા

Tata Sons Listing Dispute: દેશના સૌથી પ્રતિષ્ઠિત ઔદ્યોગિક સમૂહ ટાટા ગ્રુપની હોલ્ડિંગ કંપની ‘ટાટા સન્સ’ ના પ્રસ્તાવિત પબ્લિક લિસ્ટિંગ (IPO) ને લઈને ટાટા ટ્રસ્ટ્સ અને ટાટા સન્સ બોર્ડ વચ્ચે ચાલી રહેલો વિવાદ હવે જાહેરમાં આવી ગયો છે. ટાટા ટ્રસ્ટના ચેરમેન નોએલ ટાટાએ સ્ટોક એક્સચેન્જમાં ટાટા સન્સના લિસ્ટિંગ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરતા જણાવ્યું છે કે, આ પગલાથી ગ્રુપની પરંપરાગત કાર્યશૈલી એટલે કે ‘ટાટા વે’ માં મોટું પરિવર્તન આવી શકે છે. તેમના મતે, જો કંપની શેરબજારમાં લિસ્ટ થશે તો બહારના વ્યાપક શેરધારકો પરોપકાર અને સમાજસેવા કરતાં માત્ર નફાખોરીને જ પ્રાથમિકતા આપશે.
RBI ના નિર્ણય બાદ લિસ્ટિંગનું દબાણ વધ્યું
HT લીડરશીપ સમિટ 2026 માં સંબોધન કરતા નોએલ ટાટાએ ચેતવણી આપી હતી કે જો કંપનીમાં 30,000 થી 40,000 શેરધારકો જોડાશે, તો નફો કમાવાની હોડ પરોપકારની ભાવનાને ઓવરરાઇડ કરી શકે છે. તેમણે સ્પષ્ટ કર્યું કે ટાટા ટ્રસ્ટ્સ આ મુદ્દે નિયમનકાર અને અન્ય હિસ્સેદારો સાથે મળીને યોગ્ય ઉકેલ શોધવાનો પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ સપ્ટેમ્બર, 2026 માં ટાટા સન્સની મુખ્ય રોકાણ કંપની (CIC) તરીકેની નોંધણી રદ કરવાની અરજી ફગાવી દીધી હતી, જેના પછી ટાટા સન્સ બોર્ડે ફરજિયાત લિસ્ટિંગની પ્રક્રિયા તરફ આગળ વધવાનો નિર્ણય લીધો હતો.
માલિકી માળખા અને નેતૃત્વ અંગે ટકરાવ
ટાટા સન્સના માલિકી હક અને નેતૃત્વને લઈને આંતરિક ખેંચતાણ વધુ તીવ્ર બની છે. ટાટા સન્સમાં ટાટા ટ્રસ્ટ્સ લગભગ 66 ટકા હિસ્સો ધરાવે છે અને તે લિસ્ટિંગનો સખત વિરોધ કરી રહ્યું છે, જ્યારે 18.37 ટકા હિસ્સો ધરાવતું શાપૂરજી પલોનજી ગ્રુપ મૂલ્ય અનલૉક કરવા લિસ્ટિંગને સમર્થન આપી રહ્યું છે. ગત 17 સપ્ટેમ્બર, 2026 ના રોજ યોજાયેલી બોર્ડ મીટિંગમાં RBI ના નિયમો હેઠળ લિસ્ટિંગ પ્રક્રિયા શરૂ કરવાની સાથે ચેરમેન એન. ચંદ્રશેખરનને 5 વર્ષનો નવો કાર્યકાળ આપવાનો નિર્ણય લેવાયો હતો. બોર્ડે 4:1 ના બહુમતી મતથી આ નિયુક્તિને મંજૂરી આપી હતી, જેનો નોએલ ટાટાએ વિરોધ કર્યો હતો અને ટ્રસ્ટોએ તેની માન્યતા પર સવાલ ઉઠાવ્યા હતા.
પ્રોજેક્ટ્સમાં શિસ્તના અભાવ અને ઉભરતા ક્ષેત્રો પર મુક્યો ભાર
નોએલ ટાટાએ જૂથની મૂળ ફિલસૂફીમાં સાતત્ય જાળવી રાખવા પર ભાર મૂકતા જણાવ્યું હતું કે, “માલિક ક્યારેય મરી શકતો નથી, તેને ખરીદી શકાતો નથી કે તે નિવૃત્ત થઈ શકતો નથી.” તેમણે જૂથના ઉદ્દેશ્યો પર કોઈ પ્રશ્ન ઉઠાવ્યો ન હતો, પરંતુ મોટા પ્રોજેક્ટ્સના અમલીકરણમાં શિસ્તના અભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ સાથે જ તેમણે સેમિકન્ડક્ટર અને ઇલેક્ટ્રિક વાહન (EV) બેટરી જેવા ભવિષ્યના ઉભરતા ક્ષેત્રોમાં ટાટા ગ્રુપની મહત્વપૂર્ણ ભૂમિકા પર પણ પ્રકાશ પાડ્યો હતો.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
લિસ્ટિંગની તરફેણમાં શું છે દલીલો?
બીજી તરફ, ટાટા ટ્રસ્ટના વાઇસ ચેરમેન વેણુ શ્રીનિવાસન અને અન્ય કેટલાક ટ્રસ્ટીઓ લિસ્ટિંગને સમર્થન આપી રહ્યા છે. તેમની દલીલ છે કે લિસ્ટિંગ થવાથી વધુ પારદર્શિતા, મજબૂત કોર્પોરેટ ગવર્નન્સ અને સ્પષ્ટ માલિકી માળખું અસ્તિત્વમાં આવશે, જેનાથી ઉત્તરાધિકારની અનિશ્ચિતતા ઘટશે. તેમણે નોવો નોર્ડિસ્ક (Novo Nordisk) અને હર્શી (Hershey) જેવી વૈશ્વિક કંપનીઓ તેમજ TCS અને ટાટા સ્ટીલના ઉદાહરણો ટાંક્યા હતા, જે ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોવા છતાં શેરબજારમાં લિસ્ટેડ રહીને રાષ્ટ્ર નિર્માણમાં યોગદાન આપી રહી છે.
આ પણ વાંચો: આર્થિક મોરચે સારા સમાચાર! એક્સપોર્ટમાં આવ્યો ઉછાળો, વેપાર ખાધમાં ઘટાડો












