SMCનું ઓપરેશન ‘ક્લીન સ્વીપ’: 27 ગુનામાં ફરાર અશોક બિશ્નોઈનો આસામથી ગુજરાત લાવતા એન્કાઉન્ટરનો પ્રયાસ

ગાંધીનગર: 31 ડિસેમ્બર, 2025: ગુજરાતમાં પ્રોહિબિશન અને GUJCTOC (ગુજસીટોક) જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને છેલ્લા એક વર્ષથી પોલીસને હંફાવતા કુખ્યાત આરોપી અશોક બિશ્નોઈને પકડવામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ને મોટી સફળતા મળી છે. જોકે, આસામથી ગુજરાત લાવતી વખતે આરોપીએ પોલીસ પર હુમલો કરી ભાગવાનો પ્રયાસ કરતા પોલીસે સ્વબચાવમાં ગોળીબાર કરવો પડ્યો હતો.
ઓપરેશન ગુવાહાટી: હોટલના રૂમમાંથી ઝડપાયો આરોપી
દારૂના સિન્ડિકેટ સાથે જોડાયેલા અને ₹25,000નું ઈનામ ધરાવતા અશોક પુનમારમ પંવાર ઉર્ફે બિશ્નોઈને પકડવા માટે SMCની ટીમો દિવસ-રાત કાર્યરત હતી. ટેકનિકલ સર્વેલન્સના આધારે ખબર પડી કે આરોપી આસામના ગુવાહાટીમાં છુપાયો છે. 29 ડિસેમ્બરની વહેલી સવારે દિસપુર પોલીસની મદદથી ગુવાહાટીની એક હોટલના રૂમ નંબર 1304 માંથી અશોક અને અન્ય બે શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી હતી.
દાહોદ પાસે ફિલ્મી ઢબે ભાગવાનો પ્રયાસ અને એન્કાઉન્ટર
ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી જ્યારે પોલીસ ટીમ 30 ડિસેમ્બરની સાંજે ખાનગી વાહનમાં ગુજરાત પરત ફરી રહી હતી, ત્યારે દાહોદના સેવિયા ગામ પાસે ઘટના બની હતી. સાંજે 7:45 વાગ્યે અશોકે અચાનક ડ્રાઈવરનો સીટ બેલ્ટ ખેંચી PSIના ગળામાં નાખી દીધો અને ગળું દબાવી ભાગવાનો પ્રયાસ કર્યો.
પોલીસે વારંવાર ચેતવણી આપી છતાં આરોપી કાબૂમાં ન આવતા, ઇન્સ્પેક્ટરે સ્વબચાવમાં પોતાની સર્વિસ પિસ્તોલથી ફાયરિંગ કર્યું. અશોક બિશ્નોઈને જમણા પગની ઘૂંટી પાસે ગોળી વાગતા તે ઢળી પડ્યો હતો. હાલ તેને પોલીસ કસ્ટડીમાં સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
આરોપીનો ગુનાઈત ઈતિહાસ
અશોક બિશ્નોઈ વિરુદ્ધ ગુજરાતમાં 27થી વધુ ગુનાઓ નોંધાયેલા છે. GUJCTOC અને પ્રોહિબિશન એક્ટ હેઠળ મુખ્ય આરોપી છે. પોલીસ પર હુમલો કરવા બદલ 31 ડિસેમ્બરે SMC પોલીસ સ્ટેશનમાં તેની સામે હત્યાનો પ્રયાસ અને સરકારી ફરજમાં રુકાવટનો નવો ગુનો નોંધાયો છે.
પોલીસની કડક કાર્યવાહીના સંકેત
SMC દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ આરોપીની કડક પૂછપરછ કરવામાં આવશે. આ ઓપરેશનથી દારૂના સિન્ડિકેટ અને રાજ્યમાં ફરાર ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.












