
Ahmedabad Man Suicide: અમદાવાદ શહેરના બોપલ વિસ્તારમાં રહેતા અને પત્નીના માનસિક ત્રાસથી આત્યંતિક પગલું ભરનાર યુવકની ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. લગ્નજીવનના ટૂંકા ગાળામાં જ પત્ની દ્વારા અવારનવાર પિયરમાં આપવા માટે દાગીના અને રોકડ રકમની માંગણી કરવામાં આવતી હતી, તેમજ પત્નીને અન્ય યુવક સાથે અનૈતિક સંબંધ હોવાની શંકાના કારણે કંટાળીને યુવકે સાબરમતી નદીમાં ઝંપલાવીને પોતાની જીવનલીલા સંકેલી લીધી છે. આ મામલે મૃતકના ભાઈ દ્વારા રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં પત્ની વિરુદ્ધ આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે, જેના પગલે પોલીસે કાયદેસરની તપાસ હાથ ધરી છે.
નોકરીએ ગયા બાદ ઘરે પરત ન ફર્યો યુવક
પ્રાપ્ત વિગતો અનુસાર, અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા સહદેવ દેસાઈએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તેમના નાનાભાઈ સિદ્ધાર્થ દેસાઈના લગ્ન વર્ષ 2024 માં નેહા દેસાઈ સાથે થયા હતા. લગ્નજીવનની શરૂઆતથી જ નેહા અવારનવાર પોતાના પિયરમાં જતી રહેતી હતી અને સાસરીમાં માત્ર ત્રણ-ચાર મહિનામાં માંડ એક-બે દિવસ જ રોકાતી હતી. થોડા સમય અગાઉ નેહા પોતાની રાજી ખુશીથી પિતાના ઘરે જતી રહી હતી અને હવે ક્યારેય પરત નહીં આવે તેવી સ્પષ્ટતા પણ કરી દીધી હતી. દરમિયાન, ગત 31 ઓગસ્ટના રોજ સિદ્ધાર્થ પોતાની નિયમિત નોકરી પર ગયો હતો, પરંતુ સાંજે ઘરે પરત ફર્યો ન હતો. આ અંગે પરિવાર દ્વારા ચિંતા વ્યક્ત કરીને બોપલ પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી.
મોબાઈલ ફોન તપાસતા ખૂલ્યું પ્રેમસંબંધનું રહસ્ય
પરિવાર દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા 1 સપ્ટેમ્બરના રોજ દુઃખદ સત્ય બહાર આવ્યું હતું કે સિદ્ધાર્થે એલિસબ્રિજ પાસે સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કરી લીધો છે. સિદ્ધાર્થનાં આપઘાત બાદ તેના મોબાઈલ ફોનની વિગતો તપાસવામાં આવતા ચોંકાવનારી બાબતો સામે આવી હતી. નેહાને ચાણક્યપુરી વિસ્તારમાં રહેતા રાકેશ રબારી નામના એક પરણિત યુવક સાથે પ્રેમ સંબંધ હોવાનું ખૂલ્યું હતું, એટલું જ નહીં પરંતુ નેહા તે યુવકની પત્નીના શ્રીમંતના કાર્યક્રમમાં પણ હાજરી આપવા ગઈ હતી. આ ઉપરાંત, નેહાએ સિદ્ધાર્થ પાસે પિતાના ઘરમાં નવો રૂમ બનાવવાનું કહીને 2 લાખ રૂપિયા પણ કઢાવ્યા હતા અને અવારનવાર પિયરમાં આપવા માટે દાગીના તથા નાણાંની જીદ કરતી હતી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પત્નીના ત્રાસથી કંટાળીને ભર્યું અંતિમ પગલું
પત્ની નેહાના અન્ય પુરુષ સાથેના અનૈતિક સંબંધો, સિદ્ધાર્થથી સતત અલગ રહેવાની જીદ અને અવારનવાર દાગીના તથા નાણાંની માંગણી કરી માનસિક રીતે હેરાનગતિ કરવાના ત્રાસથી કંટાળીને આખરે સિદ્ધાર્થે સાબરમતી નદીમાં કૂદીને આપઘાત કર્યો હતો. આ સમગ્ર ઘટનાની જાણ પરિવારને થતા મૃતકના ભાઈ સહદેવે પત્ની નેહા વિરુદ્ધ સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશનમાં આત્મહત્યા માટે મજબૂર કરવા બદલ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને પત્નીની ભૂમિકા અને સમગ્ર પ્રકરણની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો: ગુજરાતના પ્રવાસન ક્ષેત્રે દિવાળીમાં નવો રેકોર્ડ, 38 લાખથી વધુ પ્રવાસીઓ ઉમટ્યા












