ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ડાકોરમાં સ્વામિનારાયણ મંદિર બનાવવાના નામે રૂ.1.25 કરોડની છેતરપિંડીનો આરોપ, MP સ્વામી અને DP સ્વામી સહિત પાંચ સામે ગુનો

રાજકોટમાં વડતાલ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી. સ્વામી અને દર્શન પ્રકાશ સ્વામી ઉર્ફે ડી.પી. સ્વામી ફરી એક વખત વિવાદમાં આવ્યા છે. ડાકોરમાં 300થી 400 વીઘા જમીનમાં ભવ્ય સ્વામિનારાયણ મંદિર અને ગૌશાળા બનાવવાની યોજના હોવાનું જણાવી જમીન ખરીદીમાં રોકાણ કરાવવાના બહાને ચોટીલાના નિવૃત્ત શાસનાધિકારી પાસેથી રૂ.1.25 કરોડ મેળવવામાં આવ્યા હોવાનો આક્ષેપ થયો છે. આફ્રિકાથી દાન આવવાનું છે અને દાન મળ્યા બાદ રોકાણની રકમ સાથે વધારાનું કમિશન પણ ચૂકવવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. જોકે, ન તો નાણાં પરત મળ્યા કે ન તો જમીનનો દસ્તાવેજ કરી આપવામાં આવ્યો. આ મામલે રાજકોટ શહેરની આર્થિક ગુના નિવારણ શાખાએ પાંચ વ્યક્તિ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

ફરિયાદમાં અમદાવાદના ચિંતન અશ્વિનભાઈ પરમાર, અંકલેશ્વરના માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી. સ્વામી, આણંદના દર્શન પ્રકાશ સ્વામી ઉર્ફે ડી.પી. સ્વામી, સુરતના લાલજી બાવભાઈ ઢોલા અને ડાકોરના જેકીકુમાર શરદભાઈ રામીનાં નામ સામે આવ્યાં છે.

જમીન દલાલ ચિંતન પરમાર મારફતે થયો પરિચય

ચોટીલાના નિવૃત્ત શાસનાધિકારી નરસિંહ લઘરભાઈ વાઢેરે ફરિયાદમાં જણાવ્યું છે કે, વર્ષ 2004-05 દરમિયાન તેઓ મોરબીના શિક્ષણ વિભાગમાં નોકરી કરતા હતા અને રાજકોટથી મોરબી અપડાઉન કરતા હતા. આ દરમિયાન બસમાં તેમની ઓળખાણ ભાવેશ પરમાર સાથે થઈ હતી. ભાવેશ મોરબીની નાની બજારમાં કાપડની દુકાન ચલાવતા હતા. તેમની દુકાને આવવા-જવાના કારણે ચિંતન અશ્વિનભાઈ પરમાર સાથે પણ પરિચય થયો હતો. ચિંતન જમીન-મકાનની દલાલીનું કામ કરતો હતો.

ફરિયાદ મુજબ, મે 2020માં ચિંતનનો ફોન આવ્યો હતો. તેણે ડાકોરમાં સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો આશરે 400 વીઘા જમીનમાં ભવ્ય મંદિર બનાવવાની યોજના ધરાવે છે અને આ પ્રોજેક્ટમાં રોકાણ કરવાથી સારું વળતર મળી શકે છે તેવી વાત કરી હતી. સંતો સાથે મુલાકાત કરાવવાની પણ ખાતરી આપી હતી. ત્યારબાદ ફરિયાદી અને તેમના મિત્ર વિપુલ મનસુખભાઈ કાપડિયાએ ભાગીદારીમાં રોકાણ કરવાની તૈયારી દર્શાવી હતી.

ભૂપેન્દ્ર રોડ મંદિર ખાતે સંતો સાથે મુલાકાત કરાવી

ચિંતન પરમારે ફરિયાદી, તેમના પુત્ર પિયુષ અને ભત્રીજા જગદીશ વાઢેરને રાજકોટના ભૂપેન્દ્ર રોડ પર આવેલા સ્વામિનારાયણ મંદિરે બોલાવ્યા હતા. ત્યાં માધવપ્રિય સ્વામી, દર્શન પ્રકાશ સ્વામી અને લાલજી બાવભાઈ ઢોલા સાથે મુલાકાત કરાવવામાં આવી હતી.

ફરિયાદ મુજબ, આ મુલાકાત દરમિયાન એમ.પી. સ્વામી અને ડી.પી. સ્વામીએ ડાકોરમાં 300થી 400 વીઘા જમીનમાં ભવ્ય સ્વામિનારાયણ મંદિર તથા ગૌશાળા બનાવવાની યોજના હોવાનું જણાવ્યું હતું. ડાકોરના સૂઇ અને સૈયત ગામ નજીક મહુધા રોડ પર જમીન પસંદ કરી રાખી હોવાનું પણ જણાવાયું હતું. આ પ્રોજેક્ટ માટે આફ્રિકાથી મોટું દાન મળવાનું છે, પરંતુ દાન આપનાર વ્યક્તિને જમીન ખરીદીનું અસલ સાટાખત બતાવવું જરૂરી હોવાનું કહેવામાં આવ્યું હતું.

પોતાના નામે જમીન ખરીદશો તો કમિશન આપવાની લાલચ

ફરિયાદમાં જણાવ્યા અનુસાર, સ્વામીઓએ મંદિરના નકશા અને પ્રોજેક્ટનો પ્લાન પણ બતાવ્યો હતો. સીધા ખેડૂતો પાસેથી જમીન ખરીદવામાં આવે તો વધુ કિંમત ચૂકવવી પડે અને જમીન માલિકના પરિવારજનો તરફથી વાંધા-વચકા ઊભા થઈ શકે તેવી વાત કરવામાં આવી હતી. તેના બદલે ફરિયાદી પોતાના નામે જમીન ખરીદે અને સાટાખત કરાવે તો જમીનની કિંમત ઉપરાંત સારું કમિશન આપવાની ખાતરી આપવામાં આવી હતી.

આ દરમિયાન લાલજી બાવભાઈ ઢોલાએ પોતે વડતાલ મંદિરના ખજાનચી તરીકે કામ કરતા હોવાનું જણાવી રોકાણની રકમ મંદિરના કારોબારીની બેઠકમાં ગોઠવી પરત અપાવવાની ખાતરી આપી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. ત્યારબાદ માધવપ્રિય સ્વામીએ ચિંતન અને લાલજી મારફતે ડાકોરના ખેડૂત જેકી રામી સાથે મુલાકાત કરાવવાની વાત કરી હતી.

354 વીઘા જમીનનો રૂ.2.76 કરોડમાં સોદો નક્કી થયો

આશરે દસ દિવસ બાદ ચિંતન પરમાર ફરિયાદી, તેમના પુત્ર અને ભત્રીજાને ડાકોર ખાતે જમીન બતાવવા લઈ ગયો હતો. લાલજી ઢોલા પણ તેમની સાથે જોડાયા હતા. ડાકોરના સૂઇ અને સૈયત ગામ નજીક મહુધા રોડ પર આવેલી જમીનના માલિક જેકી શરદભાઈ રામી સાથે મુલાકાત કરાવવામાં આવી હતી.

ફરિયાદ મુજબ, જેકીએ પોતાની તથા અન્ય ખેડૂતોની જમીનના 7/12 અને 8-અના ઉતારા બતાવ્યા હતા. એક વીઘાનો ભાવ રૂ.18 લાખ જણાવવામાં આવ્યો હતો. ત્યારબાદ જમીનના દસ્તાવેજો તપાસ્યા બાદ સોદાની વાત આગળ વધી હતી. જેકી રામી, ચિંતન પરમાર અને લાલજી ઢોલા રાજકોટમાં ફરિયાદીના ઘરે આવ્યા હતા. ત્યાં ફરિયાદી, તેમના પુત્ર, ભાગીદાર વિપુલ કાપડિયા અને ભત્રીજાની હાજરીમાં કુલ 354 વીઘા જમીનનો ઉધડો ભાવ રૂ.2.76 કરોડ નક્કી કરવામાં આવ્યો હતો. સોદા પેટે જેકીને રૂ.1 લાખ રોકડા પણ આપવામાં આવ્યા હતા.

8 જૂન, 2020ના રોજ રૂ.1.24 કરોડ રોકડા આપ્યાનો આક્ષેપ

જમીન માલિક જેકીએ બાકીના રૂ.2 કરોડ રોકડા આપવાની વાત કરી હતી. જોકે, ફરિયાદી પાસે તેટલી રોકડ રકમ ન હોવાથી પ્રથમ તબક્કે રૂ.1.25 કરોડ આપવાની વાત થઈ હતી. તેના બદલામાં જમીનની માપણીશીટ અને અસલ દસ્તાવેજોની ફાઇલ આપવાનું નક્કી થયું હતું.

ફરિયાદ મુજબ, 8 જૂન, 2020ના રોજ ફરિયાદી, તેમના પુત્ર પિયુષ, ભાગીદાર વિપુલ કાપડિયા, ભત્રીજા જગદીશ, પુત્રના મિત્ર ગૌરાંગ ઘોરડા, ચિંતન પરમાર અને લાલજી ઢોલા ડાકોર ગયા હતા. ત્યાં જેકી રામીના ઘરે જમીન ખરીદી પેટે રૂ.1.24 કરોડ રોકડા આપવામાં આવ્યા હતા. આ વ્યવહારનો વીડિયો પુત્રના મિત્ર ગૌરાંગ ઘોરડાએ પોતાના મોબાઇલમાં રેકોર્ડ કર્યો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે.

રૂ.300ના સ્ટેમ્પ પેપર પર સાટાખત કરાવ્યું

રોકડ રકમ આપ્યા બાદ જેકી રામીએ રૂ.300ના સ્ટેમ્પ પેપર પર ઠાસરા તાલુકાના સૂઇ અને સૈયત ગામની સીમમાં આવેલી આશરે 354.70 વીઘા જમીન અંગે વેચાણ સમજૂતીનું લખાણ એટલે કે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (સાટાખત) ફરિયાદી અને તેમના ભાગીદાર વિપુલ કાપડિયાના નામે કરાવી આપ્યું હતું. ડાકોરના નોટરી અનિલ જે. સેવકની ઓફિસમાં આ લખાણ કરવામાં આવ્યું હતું.

સાટાખત મુજબ, બાકીના જમીનના નાણાં આઠ મહિનામાં ચૂકવવાના હતા અને ત્યારબાદ જમીનનો દસ્તાવેજ કરી આપવાનો હતો. જેકીએ મૂળ સાટાખત ફરિયાદીને આપ્યું હતું, જ્યારે તેની ઝેરોક્ષ નકલ પોતાની પાસે રાખી હતી. જમીનની માપણીશીટ, ટાઇટલ ક્લિયર ફાઇલ અને જાહેર નોટિસ 15 દિવસમાં તૈયાર કરાવી આપવાની તથા ત્યારબાદ બાકીના રૂ.1.51 કરોડ ચૂકવવાની વાત પણ કરવામાં આવી હતી.

આફ્રિકાથી દાન આવવાનું કહી અસલ સાટાખત લઈ લીધું

જમીનનું મૂળ સાટાખત મળ્યા બાદ ફરિયાદી અને અન્ય લોકો પાનોલી ખાતે એમ.પી. સ્વામી અને ડી.પી. સ્વામીને મળવા ગયા હતા. ફરિયાદ મુજબ, માધવપ્રિય સ્વામીએ આફ્રિકાથી દાન મળવાનું હોવાથી દાન આપનાર વ્યક્તિને અને સંપ્રદાયના નૈજાતમ સ્વામીને અસલ સાટાખત બતાવવું જરૂરી હોવાનું કહી મૂળ સાટાખત પોતાની પાસે રાખી લીધું હતું.

ફરિયાદીએ સાટાખત અને જમીનના દસ્તાવેજોની ઝેરોક્ષ નકલ પોતાની પાસે રાખી હતી, જ્યારે મૂળ સાટાખત અને અસલ કાગળો માધવપ્રિય સ્વામીને આપ્યા હતા. સ્વામીઓએ દસ દિવસમાં આફ્રિકાથી દાન આવી જશે અને ત્યારબાદ રોકાણની રકમ, જમીનના બાકીના નાણાં તથા વધારાનું કમિશન ચૂકવી દેવાની ખાતરી આપી હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.

FCR સર્ટિફિકેટનું બહાનું આપી સમય પસાર કર્યો

દસ દિવસ બાદ નાણાં અંગે પૂછપરછ કરતાં ચિંતને પાનોલી જઈ સ્વામીઓને મળવાનું કહ્યું હતું. ત્યાં ફરી મુલાકાત દરમિયાન માધવપ્રિય સ્વામીએ હજી આફ્રિકા જવાનું બાકી હોવાનું અને દાન આપનાર વ્યક્તિને સાટાખત બતાવ્યા બાદ દાન મળી જશે તેવી વાત કરી હતી. ફરિયાદીએ આફ્રિકા જવાની ના પાડી હતી.

ત્યારબાદ ફોન પર સ્વામીએ આફ્રિકાથી દાન આવી ગયું હોવાનું, પરંતુ FCR સર્ટિફિકેટ મેળવવાનું બાકી હોવાથી દાનની રકમ ઉપાડી શકાતી ન હોવાનું જણાવ્યું હતું. આ સર્ટિફિકેટ મળી જાય પછી નાણાં ચૂકવવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી. જોકે, થોડા સમય બાદ ફરી સંપર્ક કરતાં આફ્રિકાથી દાન આપવાનું વચન આપનાર વ્યક્તિએ દાન આપ્યું ન હોવાનું કહી સ્વામીએ જમીન માલિક જેકી રામી પાસેથી નાણાં પરત મેળવી લેવા જણાવ્યું હોવાનો આક્ષેપ છે.

જમીન માલિકે પણ નાણાં પરત આપવાનો ઇનકાર કર્યો

ફરિયાદ મુજબ, ત્યારબાદ ફરિયાદી અને તેમના સાથીઓ ડાકોર જઈ જેકી રામીને મળ્યા હતા. જેકીએ એવો જવાબ આપ્યો હતો કે જમીન ખરીદીના બાકીના રૂ.1.51 કરોડ આઠ મહિનાની સમયમર્યાદામાં ચૂકવવાના હતા, પરંતુ નાણાં સમયસર ન મળતાં હવે તે કોઈ રકમ પરત આપવા બંધાયેલો નથી.

ફરિયાદીએ લોકડાઉનને કારણે નાણાં સમયસર ચૂકવી શકાયા ન હોવાનું અને માધવપ્રિય સ્વામીએ હવે જમીન ખરીદવાની ના પાડી હોવાથી રકમ પરત આપવા કહ્યું હોવાનું જણાવ્યું હતું. તેમ છતાં જેકીએ નાણાં પરત આપવાનો ઇનકાર કર્યો હતો અને ફરીથી નાણાં માંગવા ન આવવા જણાવ્યું હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરાયો છે.

2023માં ડાકોર પોલીસમાં અરજી, છતાં સમાધાનનો ઉકેલ ન આવ્યો

ફરિયાદીનો આક્ષેપ છે કે ત્યારબાદ તેમણે તમામ આરોપીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ કોઈએ ફોન ઉપાડ્યા નહોતા. જમીનનું અસલ સાટાખત કે રોકાણ કરેલા રૂ.1.25 કરોડ પરત ન મળતાં ફેબ્રુઆરી 2023માં ડાકોર પોલીસ સ્ટેશનમાં જેકી રામી અને ચિંતન પરમાર વિરુદ્ધ લેખિત અરજી કરવામાં આવી હતી.

આ અરજીના અનુસંધાને ડાકોર પોલીસ સ્ટેશનમાં જેકી રામી સાથે બેઠક યોજાઈ હતી. તેમાં અગાઉના 354.70 વીઘા જમીનના સાટાખતને રદ કરીને રૂ.1.25 કરોડ જેટલી કિંમતની અન્ય જમીનનું ટાઇટલ ક્લિયર કરાવી રજિસ્ટર્ડ દસ્તાવેજ કરી આપવાનો નવો સમજૂતી કરાર કરવાની વાત થઈ હતી. જોકે, ફરિયાદ મુજબ આ સમજૂતી છતાં આજદિન સુધી જમીનનો દસ્તાવેજ કરી આપવામાં આવ્યો નથી કે રોકાણની રકમ પરત ચૂકવવામાં આવી નથી.

રાજકોટ EOWએ પાંચ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી

આખરે નિવૃત્ત શાસનાધિકારીએ પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો આક્ષેપ કરી રાજકોટ શહેરની આર્થિક ગુના નિવારણ શાખાનો સંપર્ક કર્યો હતો. આ મામલે ચિંતન અશ્વિનભાઈ પરમાર, માધવપ્રિય સ્વામી ઉર્ફે એમ.પી. સ્વામી, દર્શન પ્રકાશ સ્વામી ઉર્ફે ડી.પી. સ્વામી, લાલજી બાવભાઈ ઢોલા અને જેકીકુમાર શરદભાઈ રામી વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે. હવે રૂ.1.25 કરોડના કથિત વ્યવહાર, જમીનના સોદા, સાટાખત અને આફ્રિકાથી દાન આવવાના દાવા સહિતના મુદ્દે પોલીસ તપાસમાં વધુ વિગતો બહાર આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચો: દેશના 15 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાનું IMDનું એલર્ટ! 90 કિમીની ઝડપે ફૂંકાશે પવન

Back to top button