ગુજરાતટોપ ન્યૂઝ

રાજકોટ : માવઠાથી ખેડૂતોને પડ્યા પર પાટું, મગફળી-કપાસ અને સોયાબીનના પાકને નુકસાન

Gujarat News : હાલ અર્નબ વાવાઝોડાને કારણે સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં માવઠું થયું છે. જેમાં રાજકોટના જેતપુર તાલુકાના પીઠડીયા ગામે કમોસમી વરસાદે ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે. ખેતરમાં તૈયાર મગફળી, કપાસ અને સોયાબીનનો પાક વરસાદમાં પલળી જતાં ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે. આ સ્થિતિમાં સરકારનું ધ્યાન દોરવા ખેડૂતોએ અનોખો વિરોધ નોંધાવ્યો હતો. માવઠાથી પલળેલા પાકનું બેસણું યોજીને ખેડૂતોએ પોતાની વ્યથા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો.

વીઘે માંડ 5થી 10 મણ મગફળી પલળી ગઈ

ખેડૂતોના જણાવ્યા અનુસાર, ચાલુ વર્ષે નબળા ચોમાસાને કારણે મગફળીનું ઉત્પાદન પહેલેથી જ ઓછું થયું હતું. માંડ વીઘે 5 થી 10 મણ મગફળીનું ઉત્પાદન થયું હતું, પરંતુ ગઈરોજ થયેલા કમોસમી વરસાદને કારણે તૈયાર પાક પલળી જતાં બગડ્યો છે. મગફળી ઉપરાંત કપાસ અને સોયાબીનના પાકને પણ નુકસાન થયું છે. પશુઓ માટેનો ઘાસચારો પણ વરસાદમાં પલળી ગયો છે, જેના કારણે પશુપાલન કરતા ખેડૂતોની મુશ્કેલીઓ વધી છે. ખેડૂતોએ જણાવ્યું કે, કેટલાક ખેડૂતો મગફળી યાર્ડમાં લઈ ગયા હતા, પરંતુ ત્યાં પૂરતી છતની વ્યવસ્થા ન હોવાથી ખુલ્લામાં પડેલો પાક પણ વરસાદમાં પલળી ગયો હતો. બીજી તરફ, ખેતરમાં મજૂરોને બોલાવી થ્રેશરથી મગફળી કાઢવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે જ વરસાદ તૂટી પડ્યો હતો. પરિણામે મગફળી પલળી ગઈ અને મજૂરી તથા થ્રેશરના ભાડાનો ખર્ચ પણ માથે પડ્યો છે. બિયારણ, ખાતર અને મજૂરી પાછળ કરેલો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બન્યો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

રાજકોટને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા ખેડૂતોની માગ

આ દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીના દિવસે ખેડૂતોએ પોતાની સ્થિતિ અંગે આક્રોશ વ્યક્ત કરતાં સરકાર સમક્ષ વિવિધ માગણીઓ મૂકી હતી. ખેડૂતોનું કહેવું છે કે, રાજકોટ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયેલા વિસ્તારોમાંથી બાકાત રખાયો છે, જ્યારે અહીંના ખેડૂતો પણ નબળા ચોમાસા અને માવઠાને કારણે ભારે નુકસાન વેઠી રહ્યા છે. ખેડૂતોએ રાજકોટ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા, ખેડૂતોનાં દેવા માફ કરવા અને બંધ થયેલી મુખ્યમંત્રી કિસાન સહાય યોજના ફરી શરૂ કરવાની માગ કરી છે. આ ઉપરાંત, તાત્કાલિક રાહત પેકેજ જાહેર કરવા અને પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવા સરકારને અપીલ કરાઈ છે.

માગણીઓ નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી ઉચ્ચારી

આ વિરોધ દરમિયાન પીઠડીયાના ખેડૂતોએ સરકારને ચીમકી આપી છે કે, જો તેમની માગણીઓ સંતોષવામાં નહીં આવે અને ખેડૂતોની વ્યથા સાંભળવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગામેગામ બગડેલા પાકનાં બેસણાં યોજાશે. ખેડૂતોના જણાવ્યા મુજબ, જરૂર પડ્યે આ રીતે વિરોધને વધુ ઉગ્ર બનાવી આંદોલન કરવામાં આવશે.

આ પણ વાંચો : રાજકોટની હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીમાં મોટો ખુલાસો, ડેકોરા ગ્રુપની બે વોલ્વો કાર કેમેરામાં કેદ

Back to top button