જૂની અદાવતમાં યુવાન પર જીવલેણ હુમલો, ચાર આરોપી ઝડપાયા

Assault Case : ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના ગરાજીયા ગામમાં જૂની અદાવતને પગલે યુવાન પર જીવલેણ હુમલો કરવાની ઘટના સામે આવી છે. પાંચ શખ્સોએ ભેગા મળીને યુવાન પર ફરશી, કુહાડી અને લાકડીઓથી હુમલો કર્યો હતો. આ હુમલામાં યુવાનને માથા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં હોસ્પિટલમાં ખસેડાયો હતો. બીજી તરફ, આ જ ઘટનામાં સામા પક્ષના એક આધેડને પણ લોખંડની ટોમીથી ઈજા પહોંચાડવામાં આવી હતી.
શેરીમાં ચાલવાની બાબતે શરૂ થયો હતો વિવાદ
પોલીસ ફરિયાદ મુજબ, ગરાજીયા ગામના વાડી વિસ્તારમાં રહેતા જયરાજભાઈ ઘુઘાભાઈ બારૈયા અને ભોળા ખાંટાભાઈ ખોડા વચ્ચે થોડા સમય પહેલાં બોલાચાલી થઈ હતી. ભોળાએ જયરાજભાઈને ભરવાડ શેરીમાંથી નહીં ચાલવા કહ્યું હતું. આ બાબતની અદાવત રાખીને ગુરુવારે રાત્રે ગામના પાદરમાં જયરાજભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, ભરત ખાંટાભાઈ ખોડા, હરેશ લાલજીભાઈ ચૌહાણ અને લાલજીભાઈ ઉર્ફે લાલાભાઈ ખાંટાભાઈ ખોડા સહિત પાંચ શખ્સોએ એકસંપ કરીને જયરાજભાઈ પર ફરશી, કુહાડી અને લાકડીઓ વડે હુમલો કર્યો હતો. હુમલાખોરોએ તેમને માથા અને છાતીના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ મામલે જયરાજભાઈએ પાંચેય શખ્સો સામે પાલિતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
સામા પક્ષે પણ નોંધાવી ફરિયાદ
બીજી તરફ, ભોળાભાઈ ખાંટાભાઈ ખોડા (ઉંમર 45 વર્ષ)એ પણ ફરિયાદ નોંધાવી છે. તેમના જણાવ્યા મુજબ, જયરાજ બારૈયાએ શેરીમાંથી ચાલવા દેવા અંગે બોલાચાલી કરી હતી. ત્યારબાદ ઉશ્કેરાઈને ગાળો આપી લોખંડની ટોમી (Iron Rod) વડે માથામાં ઘા માર્યો હતો. આ હુમલામાં તેમને માથાના ભાગે ઈજા થઈ હતી અને આશરે આઠ ટાંકા લેવા પડ્યા હતા.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
પોલીસે ચાર આરોપીઓને ઝડપી લીધા
બંને પક્ષની ફરિયાદના આધારે પાલિતાણા રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસે લાલજી ઉર્ફે લાલા ખાંટાભાઈ ખોડા, ભરત ભોળાભાઈ ખોડા, હરેશ લાલાભાઈ ચૌહાણ અને કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળકિશોરને ઝડપી લીધા છે. આ મામલે પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો : રાજકોટ જેલ બહાર ખતરનાક રેકેટ: કેદી છોડાવવાના બહાને મહિલા પર દુષ્કર્મ!












