દિલ્હીમાં INDIA રેલી પહેલાં સુરક્ષા સઘન, હજારો પોલીસકર્મી અને CAPF જવાનો તૈનાત

Rally Security: દિલ્હીના રામલીલા મેદાનમાં (Ramlila Maidan) 1 નવેમ્બરે યોજાનારી INDIA ગઠબંધનની મહારેલીને લઈને રાજધાનીમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. રેલીમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે તેવી શક્યતા હોવાથી 4,000થી વધુ પોલીસકર્મીઓ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ (CAPF)ની 270 કંપનીઓને સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી છે. સમગ્ર કાર્યક્રમ પર નજર રાખવા માટે 200થી વધુ CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે.
પોલીસના જણાવ્યા અનુસાર, મિંટો બ્રિજથી રામલીલા મેદાન સુધીના માર્ચ રૂટ અને મેદાનની આસપાસ સુરક્ષાકર્મીઓ તૈનાત રહેશે. શનિવારે પોલીસ કમિશનર અનુરાગ કુમારે મિંટો રોડ અને રામલીલા મેદાનની મુલાકાત લઈને તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું. આ સમયે પોલીસના અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ તેમની સાથે હાજર રહ્યા હતા.
રામલીલા મેદાનને 14 ઝોનમાં વહેંચાયું
સુરક્ષાને ધ્યાનમાં રાખીને રામલીલા મેદાનને 14 ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. દરેક ઝોનની દેખરેખ આસિસ્ટન્ટ કમિશનર ઓફ પોલીસ (ACP) કક્ષાના અધિકારીઓ કરશે. બે ઝોનની જવાબદારી એડિશનલ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (Additional DCP)ને સોંપવામાં આવી છે.
મેદાનની અંદર કંટ્રોલ રૂમ (Control Room) પણ બનાવવામાં આવ્યો છે. કોઈ કટોકટી સર્જાય તો તાત્કાલિક કાર્યવાહી થઈ શકે તે માટે રમખાણ નિયંત્રણ વાહનો અને અન્ય સુરક્ષા સાધનો તૈયાર રાખવામાં આવશે.
અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, તાજેતરમાં થયેલા વિરોધ પ્રદર્શનોને ધ્યાનમાં રાખીને CAPFની 270 કંપનીઓની તૈનાતી 16 નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે. આ મુદત અગાઉ પણ ત્રણ વખત વધારવામાં આવી હોવાનું જણાવાયું છે.
50 હજાર લોકો આવવાની શક્યતા, પ્રવેશ માટે તપાસ ફરજિયાત
પોલીસના અંદાજ મુજબ, રેલીમાં 45 હજારથી 50 હજાર લોકો હાજર રહી શકે છે. જોકે, ખુરશીઓ, સુરક્ષા ઘેરા અને અવરજવર માટે જગ્યા રાખ્યા બાદ મેદાનમાં આશરે 30 હજારથી 40 હજાર લોકોને સમાવી શકાશે. ભીડ વધી જાય તો મેદાનની બહાર વૈકલ્પિક વ્યવસ્થા પણ કરવામાં આવશે.
રેલીમાં આવનારા લોકોને નિર્ધારિત પ્રવેશદ્વારથી જ પ્રવેશ આપવામાં આવશે. દરેક ગેટ પર મેટલ ડિટેક્ટર (Metal Detector) દ્વારા તપાસ કર્યા બાદ જ અંદર જવાની મંજૂરી મળશે. કાર્યક્રમ માટે સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધીની પરવાનગી આપવામાં આવી છે.
આયોજકોને ભીડ વ્યવસ્થાપન માટે સ્વયંસેવકો રાખવા, પીવાના પાણીની વ્યવસ્થા કરવા અને લોકોની અવરજવર સરળ રહે તે સુનિશ્ચિત કરવા સૂચના આપવામાં આવી છે. VIP મહેમાનો માટે અલગ પ્રવેશદ્વારની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
દિલ્હીના અનેક વિસ્તારોમાં ટ્રાફિક ડાયવર્ઝન
રેલીને કારણે શહેરના અનેક ચોક અને માર્ગો પર ટ્રાફિક ડાયવર્ઝન (Traffic Diversion) અમલમાં મૂકવામાં આવશે. જોકે, પગપાળા ચાલતા લોકો માટેના રસ્તાઓમાં ફેરફાર કરવામાં આવશે નહીં. LNJP હોસ્પિટલ અને GB પંત હોસ્પિટલ તરફ જતી એમ્બ્યુલન્સ તથા અન્ય ઇમરજન્સી વાહનોને અવરજવરમાં અડચણ ન પડે તે માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવશે.
આયોજકોને રેલીમાં આવનારા લોકો, સ્વયંસેવકો અને બસોની વિગતો ટ્રાફિક પોલીસને આપવા જણાવાયું છે. પાર્કિંગની વ્યવસ્થા માટે પણ ટ્રાફિક વિભાગ સાથે સંકલન કરવા સૂચના અપાઈ છે. ઉપરાંત, ભાષણોમાં સાંપ્રદાયિક સૌહાર્દને અસર પહોંચે તેવી વાતો ન થાય તેનું ધ્યાન રાખવા પણ આયોજકોને કહેવામાં આવ્યું છે.
ટ્રાફિક પ્રતિબંધોથી વેપારીઓની ચિંતા વધી
રામલીલા મેદાનની આસપાસના વેપારીઓએ રેલીને કારણે થનારી ભીડ અને ટ્રાફિક નિયંત્રણ અંગે ચિંતા વ્યક્ત કરી છે. દિવાળી પહેલાંનો સમય વેપાર માટે મહત્ત્વનો હોવાથી રસ્તાઓ પરના પ્રતિબંધો અને લોકોની અવરજવરમાં ફેરફારથી દુકાનોના ધંધા પર અસર પડી શકે છે તેવી આશંકા વેપારીઓએ વ્યક્ત કરી છે.
આ પણ વાંચો : રાજકોટની હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીમાં મોટો ખુલાસો, ડેકોરા ગ્રુપની બે વોલ્વો કાર કેમેરામાં કેદ












