ગુજરાત

રાજકોટમાં એરફોર્સ ઓફિસર બની બોગસ આઈડીથી છેતરપિંડી કરનાર ભામટો ઝડપાયો: યુવતી પાસે નોકરીના નામે ₹1.95 લાખ પડાવ્યા

Rajkot Cyber Fraud Arrest: રાજકોટ શહેરની યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ટીમે ખાનગી ટ્રાવેલ એજન્સી ચલાવતા એક એવા ભામટાની ધરપકડ કરી છે, જે સોશિયલ મીડિયા પર એરફોર્સના ઓફિસર તરીકેની ખોટી ઓળખ આપી લોકોને છેતરતો હતો. આરોપી ઇન્સ્ટાગ્રામ પર ફેક આઈડી બનાવી તેમાં સૂર્યકિરણ ટીમના ફોટા અને વિડિયો અપલોડ કરી લોકોને ઝાળમાં ફસાવતો હતો. રાજકોટની એક યુવતીને એરફોર્સની સૂર્યકિરણ ટીમમાં નોકરી અપાવવાના બહાને ₹1.95 લાખ પડાવી લીધા હોવાની ઈ-FIR નોંધાતા પોલીસે તુરંત કાર્યવાહી કરીને આરોપીની ધરપકડ કરી છે.

સૂર્યકિરણ ટીમના ફોટા મૂકી યુવતીને જાળમાં ફસાવી

રાજકોટના એસીપી બી. જે. ચૌધરીએ વિગતો આપતા જણાવ્યું હતું કે, ફરિયાદી યુવતીએ ગત 4 સપ્ટેમ્બર ના રોજ ઈ-FIR નોંધાવી હતી. જે મુજબ પ્રતીક ભારદ્વાજ નામના શખ્સે ઇન્સ્ટાગ્રામ પર ફેક એકાઉન્ટ બનાવી તેમાં સૂર્યકિરણ ટીમના જુદા જુદા ફોટો-વિડિયો મૂક્યા હતા. ત્યારબાદ યુવતી સાથે મિત્રતા કેળવી પોતે કર્ણાટક ખાતે એરફોર્સમાં ઓફિસર હોવાની ખોટી ઓળખ આપી હતી. તેણે યુવતીને સૂર્યકિરણ ટીમમાં નોકરી અપાવી દેવાની લાલચ આપી અલગ અલગ ફીના નામે કટકે કટકે કુલ ₹1.95 લાખ પડાવી લીધા હતા.

નાણાવટી ચોક નજીક ભાડાના મકાનમાંથી ઝડપાયો આરોપી

પડાવેલા નાણાં બાદ પણ નોકરી ન મળતા અને સામેથી વધુ રૂપિયાની માંગણી થતા યુવતીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો ખ્યાલ આવ્યો હતો. જેથી યુવતીએ ઈ-FIR દાખલ કરાવી હતી. પોલીસ તપાસ દરમિયાન આરોપી રાજકોટના નાણાવટી ચોક નજીક ભાડાના મકાનમાં રહેતો હોવાનું સામે આવતા પોલીસે આરોપી પ્રતીક ભારદ્વાજની ધરપકડ કરી હતી. આરોપી વિરુદ્ધ અગાઉ પણ પ્રોહિબિશનના 2 ગુના નોંધાઈ ચૂક્યા હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

પોલીસે રિમાન્ડ મેળવી તપાસ તેજ કરી

પોલીસે આરોપીના રિમાન્ડ મેળવીને તેણે અન્ય કોઈ લોકોને આ રીતે શિકાર બનાવ્યા છે કે કેમ તે દિશામાં સઘન તપાસ શરૂ કરી છે. આ સાથે એસીપીએ સામાન્ય જનતાને અપીલ કરી છે કે, કોઈ પણ સરકારી નોકરી નાણાં આપીને મેળવી શકાતી નથી, તેથી કોઈએ પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કે રૂબરૂમાં સરકારી નોકરીના બહાને નાણાં આપવા જોઈએ નહીં.

આ પણ વાંચો: અમદાવાદ: નરોડામાંથી 28.19 લાખના ડ્રગ્સ સાથે મધ્યપ્રદેશની ગેંગના 3 આરોપીઓ ઝડપાયા

Back to top button