છેલ્લા નોરતાંમાં મેઘરાજાનું વિઘ્ન! ગુજરાતના આ જિલ્લાઓમાં વરસી શકે વરસાદ
Gujarat Rain : રાજ્યમાં ચોમાસું વિધિવત્ વિદાય લઈ ચૂક્યું છે અને ઓક્ટોબર માસમાં કાળઝાળ ગરમી પડી રહી છે, તેવામાં હવામાન વિભાગ દ્વારા વરસાદની નવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. નવરાત્રિના અંતિમ નોરતે એટલે કે 19 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના છૂટાછવાયા વિસ્તારોમાં માવઠું પડવાની સંભાવના છે, જેના કારણે છેલ્લા દિવસે ગરબે ઘૂમવા આતુર ખેલૈયાઓનો રંગમાં ભંગ પડી શકે છે.
આ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા
હવામાન ખાતાના અનુમાન પ્રમાણે, 19 ઓક્ટોબરના રોજ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ તેમજ સૌરાષ્ટ્ર પંથકના ભાવનગર અને અમરેલી જિલ્લામાં હળવાથી મધ્યમ ઝાપટાં પડી શકે છે. આ ઉપરાંત સંઘપ્રદેશ દીવ, દમણ અને દાદરા નગરહવેલીમાં પણ વરસાદી માહોલ સર્જાઈ શકે છે. જોકે, આગામી એક સપ્તાહ સુધી રાજ્યના એકંદર તાપમાનમાં મોટો ફેરફાર થવાની સંભાવના નથી.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
ઓક્ટોબરમાં તાપમાનનો પારો ઊંચકાયો: અમદાવાદમાં 9 વર્ષનો રેકોર્ડ તૂટ્યો
રાજ્યભરમાં હાલ બપોરના સમયે અસહ્ય બફારો અને કાળઝાળ ગરમી અનુભવાઈ રહી છે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 38.5 ડિગ્રી નોંધાયું હતું, જે છેલ્લાં 9 વર્ષમાં ઓક્ટોબર મહિનાનું સૌથી ઊંચું તાપમાન છે. આ પૂર્વે વર્ષ 2017ના ઓક્ટોબરમાં પારો 39.4 ડિગ્રી અને વર્ષ 2024માં 38.4 ડિગ્રીએ પહોંચ્યો હતો. હાલ તાપમાન સરેરાશ કરતાં 2થી 3 ડિગ્રી વધારે નોંધાઈ રહ્યું છે, ત્યારે આજે પણ અમદાવાદમાં પારો 39 ડિગ્રી આસપાસ રહેવાની વકી છે.
આ પણ વાંચો:ICC રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનો દબદબો, શ્રેયસ અય્યરની લાંબી છલાંગ
રાજ્યમાં 89% વરસાદ, 79 જળાશયોમાં પાણીની ઘટ
ચોમાસાની ઋતુ દરમિયાન ગુજરાતમાં સરેરાશ 89.19 ટકા જેટલો જ વરસાદ નોંધાયો છે, જે સામાન્ય કરતાં ઓછો છે. જળસંગ્રહની સ્થિતિ જોઈએ તો, નર્મદા સરદાર સરોવર ડેમ 99.83 ટકા સાથે લગભગ પૂર્ણ ભરાયેલો છે. જોકે, રાજ્યના અન્ય 206 જળાશયોમાં સરેરાશ માત્ર 70 ટકા જ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ચાલુ વર્ષે માત્ર 21 ડેમ સંપૂર્ણ ભરાયા છે, જ્યારે 79 જેટલા ડેમમાં અત્યારે પણ 25 ટકા કરતાં ઓછો જળસંગ્રહ ઉપલબ્ધ હોવાથી ઉનાળામાં પાણીની ખેંચ ઊભી થવાની ભીતિ છે.
19 ઓક્ટોબરે માવઠાની શક્યતા પાછળનું કારણ
અરબી સમુદ્ર અથવા સ્થાનિક સ્તરે સર્જાતી અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન (ચક્રવાતી પરિભ્રમણ) અને ભેજવાળા પવનોના પ્રભાવથી વાદળછાયું વાતાવરણ બનવાની સંભાવના રહે છે. દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના જિલ્લાઓ (વલસાડ, નવસારી) અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગો (ભાવનગર, અમરેલી)માં બપોર બાદ કે સાંજે છૂટાછવાયા ગાજવીજ સાથે હળવા ઝાપટાં પડી શકે છે, જે ઓપન-એર ગરબા આયોજનો માટે મુશ્કેલી ઊભી કરી શકે છે.
આ પણ વાંચો:અમદાવાદ ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ, 9 ફૂટ ઊંચા ટાવર પરથી થશે એનાઉન્સમેન્ટ












