અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગમધ્ય ગુજરાત

અમદાવાદ ટ્રાફિક પોલીસનો નવતર પ્રયોગ, 9 ફૂટ ઊંચા ટાવર પરથી થશે એનાઉન્સમેન્ટ

Ahmedabad : શહેરમાં દિનપ્રતિદિન વધતી વાહનોની ભીડ અને ટ્રાફિક જામની સમસ્યાને હળવી કરવા માટે અમદાવાદ ટ્રાફિક પોલીસે અનોખી પહેલ હાથ ધરી છે. શહેરના મુખ્ય માર્ગો પર વાહનવ્યવહારના સરળ નિયમન માટે હવે ‘વોચ ટાવર’ ઊભા કરવાનો નિર્ણય લેવાયો છે. ટ્રાફિક વિભાગ દ્વારા સૌથી વધુ વ્યસ્ત રહેતા શહેરના 10 મહત્વપૂર્ણ સ્થળો પર આ પાયલોટ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

અત્યાર સુધી ટ્રાફિક જવાનો રસ્તા પર ઊભા રહીને કે માઈક મારફતે સૂચનાઓ આપતા હતા, પરંતુ વાહનોની લાંબી લાઈનમાં પાછળ ઊભેલા વાહનચાલકો સુધી તેમનો અવાજ પહોંચતો ન હતો. હવે 9 ફૂટ ઊંચા વોચ ટાવર પરથી ફરજ બજાવતા પોલીસકર્મીઓ સમગ્ર જંકશન પર સરળતાથી નજર રાખી શકશે અને છેવાડાના વાહનચાલકો સુધી પણ માઈક દ્વારા સૂચનાઓ પહોંચાડી શકશે. ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન પર તરત જ ટાવર પરથી સૂચના આપી ટ્રાફિક નિયંત્રિત કરવામાં આવશે.

આ પણ વાંચો:PF ખાતામાં જમા છે ₹1 લાખ… 25, 50 કે 75,000 કેટલા ઉપાડી શકાશે? જાણો નિયમો

પાયલોટ પ્રોજેક્ટ હેઠળ આવરી લેવાયેલા મુખ્ય વિસ્તારો:

પકવાન ચાર રસ્તા

ઇસ્કોન સર્કલ

તાજ હોટેલ ક્રોસિંગ

ભાડજ સર્કલ

સિંધુભવન રોડ

સીટીએમ (CTM)

એરપોર્ટ સર્કલ

સ્વર્ણિમ નવરાત્રિ ગ્રાઉન્ડ સહિત કુલ 10 સ્થળો

નિયમોના પાલન અને મોનિટરિંગમાં સરળતા

સ્ટોપ લાઇન ક્રોસ કરતા કે બીઆરટીએસ (BRTS) કોરિડોરમાં ગેરકાયદે ઘૂસતા વાહનોને ટાવર પરથી જ તરત ચેતવણી આપી શકાય છે. રોંગ સાઈડ ડ્રાઇવિંગ, સિગ્નલ ભંગ કે નો-પાર્કિંગમાં વાહન ઊભું રાખનારાઓને તાત્કાલિક સ્પીકર પર નંબર સાથે સૂચના આપી ટ્રાફિક હળવો કરાવી શકાય છે.

જવાનોની સુવિધા માટે વિશેષ વ્યવસ્થા:

ઊંચા ટાવર પર ફરજ બજાવતા ટ્રાફિક જવાનોને કોઈ અગવડ ન પડે તે માટે માનવીય અભિગમ પણ દાખવવામાં આવ્યો છે. ટાવર પર બેસવા માટે આરામદાયક ખુરશી, તડકો તેમજ વરસાદથી બચવા યોગ્ય શેડ, પીવાના શુદ્ધ પાણીની બોટલ અને જરૂરી સરસામાન મૂકવા માટે સ્ટોરેજ બોક્સની વ્યવસ્થા કરવામાં આવી છે. જવાન લાંબા સમય સુધી ઊભા રહ્યા વિના થાક્યા વગર ફરજ બજાવી શકે તે માટે ચેર, પંખો/વેન્ટિલેશન, પીવાના પાણી અને ઈમરજન્સી લાઈટ જેવી વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી છે.

હાલમાં એસ.જી. હાઈવે, સિંધુભવન રોડ, એરપોર્ટ રોડ અને સીટીએમ જેવા 10 સંવેદનશીલ સ્થળો પર પાયલોટ પ્રોજેક્ટ તરીકે આ વ્યવસ્થા શરૂ કરાઈ છે. આ પ્રયોગની સફળતા અને ટ્રાફિક નિયમનમાં મળેલા પરિણામોનું વિશ્લેષણ કર્યા બાદ શહેરના અન્ય વ્યસ્ત સર્કલો અને જંકશનો પર પણ આવા વોચ ટાવર સ્થાપવાની ટ્રાફિક પોલીસની યોજના છે.

આ પણ વાંચો:ICC રેન્કિંગમાં ભારતીય ખેલાડીઓનો દબદબો, શ્રેયસ અય્યરની લાંબી છલાંગ

Back to top button